
જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લામાં સેનાના જવાનો સાથે ગેરવર્તણૂકની ઘટના બની છે. સેનાએ આપેલા નિવેદનમાં જણાવ્યું હતું કે, સંવેદનશીલ વિસ્તારમાં વાહનમાં આતંકવાદીઓની સંભવિત હિલચાલ અંગે માહિતી મળતા સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. આ દરમિયાન જ્યારે એક વ્યક્તિને રોકવામાં આવ્યો ત્યારે તે વ્યક્તિએ ફરજ પરના સૈનિકો પાસેથી હથિયાર છીનવી લેવાનો પ્રયાસ કરી ઝપાઝપી કરી હતી. હાલ આ મામલે સેનાએ તપાસના આદેશ આપ્યા છે. જો કોઈ વ્યક્તિ ગેરવર્તણૂક માટે દોષિત જણાશે, તો હાલના કાયદા મુજબ કડક કાર્યવાહી કરવામાં આવશે.
ભારતીય સેનાને સહયોગ આપવા વિનંતી
રાજૌરી જિલ્લામાં તાજેતરના મહિનાઓમાં આતંકવાદ સંબંધિત ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થતાં ભારતીય સેનાને અત્યંત સાવધાની રાખી આતંકીઓની શોધખોળની કામગીરી શરૂ કરવાની ફરજ પડી છે. ભારતીય સેનાએ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, સમાજના તમામ વર્ગોને આ સંવેદનશીલ ક્ષેત્રમાં સામૂહિક સુરક્ષા માટે ભારતીય સેનાને સહયોગ આપવા વિનંતી કરવામાં આવે છે.
પાકિસ્તાન શાંતિ ભંગ કરવાનો પ્રયાસ કરે છે - મનોજ સિંહા
જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહાએ ગુરુવારે કહ્યું કે પાકિસ્તાન સતત જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદીઓ મોકલીને શાંતિ ભંગ કરવાનો પ્રયાસ કરે છે. ઉપરાજ્યપાલે લોકોને વિનંતી કરી કે, જે લોકો અહીંની શાંતિના વિરોધી હોય તેઓની માહિતી આપો. તેમણે કહ્યું હતું કે, જ્યારે પણ અહીં શાંતિ વર્તાતી હોય ત્યારે આપણા પાડોશી દેશને પેટમાં દુખાવો થવા લાગે છે.
ઉપરાજ્યપાલે વધુમાં કહ્યું કે પોલીસ અને વહીવટીતંત્ર આતંકવાદને જડમૂળથી નાબૂદ કરવા માટે ઝુંબેશ ચલાવી રહ્યા છે. જોકે, પાકિસ્તાન કાશ્મીરમાં શાંતિ ભંગ કરવાનો પ્રયાસ ચાલુ રાખે છે. પાકિસ્તાન પોતાના લોકોને પાયાની સેવાઓ પણ પૂરી પાડી શકતું નથી. અહીં આતંકવાદીઓને મોકલીને શાંતિ ભંગ કરવાનો પ્રયાસ કરે છે. ઉપરાજ્યપાલ સિંહાએ એમ પણ કહ્યું કે, શાંતિ વિના વિકાસ થઈ શકતો નથી. સમાજના કેટલાક લોકો આતંકવાદીઓને આશ્રય આપીને તેમની પ્રવૃત્તિઓમાં મદદ કરે છે.