
Asia Cup 2025: ભારત અને પાકિસ્તાન વચ્ચે ૮ મેના રોજ યુદ્ધવિરામની જાહેરાત કરવામાં આવી હતી. તેમ છતાં બંને દેશો વચ્ચે તણાવ હજુ પણ યથાવત છે. હાલના તણાવની અસર બંને દેશો વચ્ચેના ક્રિકેટ સંબંધો પર પડી શકે છે. સૂત્રોના જણાવ્યા મુજબ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC) ને મૌખિક જાણ કરી દીધી છે કે, આગામી મેન્સ એશિયા કપ 2025માં હિસ્સો નહીં લે અને તેનું આયોજન પણ નહીં કરે.
આ ટુર્નામેન્ટ રદ કરવામાં આવી છે!
એટલું જ નહીં, ભારત આવતા મહિને શ્રીલંકામાં યોજાનારી મહિલા ઇમર્જિંગ ટીમ્સ એશિયા કપ 2025માં પણ ભાગ લેશે નહીં. ભારતની ગેરહાજરીને કારણે મહિલા ઇમર્જિંગ ટીમ્સ એશિયા કપ રદ કરી દેવાયો છે. સપ્ટેમ્બરમાં મેન્સ એશિયા કપ અંગે અંતિમ નિર્ણય ટૂંક સમયમાં ACC મીટિંગમાં લેવામાં આવશે.
હાલમાં, એશિયન ક્રિકેટ કાઉન્સિલના પ્રમુખ પાકિસ્તાનના ગૃહમંત્રી મોહસીન નકવી છે, જે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) ના અધ્યક્ષ પણ છે. આ પગલાં દ્વારા, BCCI પાકિસ્તાનને ક્રિકેટમાં પણ અલગ પાડવાનો પ્રયાસ કરી રહ્યું છે. ગમે તે હોય, આતંકવાદી દેશ પાકિસ્તાન દરેક મોરચે ભારત સામે હાર પામી રહ્યું છે.
જો ભારત એશિયા કપમાં ભાગ ના લે તો આ ટુર્નામેન્ટનું આયોજન કરવું અશક્ય છે. કારણ કે આંતરરાષ્ટ્રીય મેચોના મોટાભાગના પ્રાયોજકો ભારતના છે. ભારત-પાકિસ્તાન મેચો દ્વારા બ્રોડકાસ્ટર્સ મોટો પ્રોફિટ મેળવે છે. એટલે જો ભારત ટુર્નામેન્ટમાંથી ખસી જાય તો બ્રોડકાસ્ટર્સ પણ ખસી જશે. જણાવી દઈએ કે ગયા વર્ષે એશિયા કપના અધિકારો સોની પિક્ચર્સ નેટવર્ક્સ ઈન્ડિયા દ્વારા 170 મિલિયન યુએસ ડોલરમાં હસ્તગત કરવામાં આવ્યા હતા, જે આઠ વર્ષ માટે છે. જો એશિયા કપ 2025નું આયોજન ન થાય તો આ ડીલ ઉપર ફરીથી વિચારણા થશે.
ACC માં પાંચ પૂર્ણ સભ્યો છે, જેમાં ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, શ્રીલંકા અને અફઘાનિસ્તાનનો સમાવેશ થાય છે. આ પાંચ દેશોને પ્રસારણ દ્વારા 15-15 ટકા કમાણી મળે છે, જ્યારે બાકીની રકમ સહયોગી અને સંલગ્ન કંપનીઓમાં વહેંચવામાં આવે છે. જણાવી દઈએ કે એશિયા કપનું આયોજન સપ્ટેમ્બરમાં ભારતના યજમાનીમાં થવાનું હતું.
બીસીસીઆઈના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાએ પુષ્ટિ આપી હતી કે બોર્ડ ભારત સરકારના નિર્ણયનું પાલન કરશે. જો એશિયા કપમાં પાકિસ્તાનની ભાગીદારી નક્કી થઈ જાય, તો ટુર્નામેન્ટ સંપૂર્ણપણે તટસ્થ સ્થળોએ રમાશે, જેમાં દુબઈ અને શ્રીલંકા સંભવિત સ્થળો હશે.