
થોડા સમય અગાઉ અમદાવાદ અને વડોદરાની શાળાઓમાં અસામાજિક તત્વો દ્વારા કરવામાં આવતા હોબાળા અને ખાસ કરીને શિક્ષકો પર થયેલા ગંભીર હુમલાના સંદર્ભમાં સુરતમાં ઘેરા પ્રત્યાઘાતો જોવા મળ્યા છે. આજે સુરત કલેક્ટર કચેરી ખાતે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા શાળાની સુરક્ષા માટે તાત્કાલિક પગલાં લેવા અને શિક્ષકોને સુરક્ષા પૂરી પાડવા માટે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
હુમલાને વખોડાયો
તાજેતરમાં અમદાવાદની એક શાળામાં શિક્ષક પર છરી વડે હુમલો થયાની ઘટના પ્રકાશમાં આવી હતી, જેણે સમગ્ર શિક્ષણ જગતમાં ખળભળાટ મચાવ્યો છે. આ ઘટનાને પગલે બાળકો, શિક્ષકો અને શાળાના કર્મચારીઓની સુરક્ષાના પ્રશ્નો ગંભીર બન્યા છે. સ્વનિર્ભર શાળા સંચાલક મંડળે આ હુમલાને સખત શબ્દોમાં વખોડી કાઢ્યો હતો અને તેને નિંદનીય ગણાવ્યો હતો.
કાયદાની માંગ
સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના દીપક રાજ્યગુરુએ કહ્યું કે, તબીબો ઉપર હુમલાને રોકવા માટે વિશેષ કાયદો બનાવવામાં આવ્યો છે, તે જ રીતે શિક્ષકો માટે પણ કાયદો બનાવવામાં આવે. આ કાયદો શિક્ષકોને શાળાના પરિસરમાં અને ફરજ દરમિયાન સુરક્ષા પૂરી પાડશે અને અસામાજિક તત્વોને હુમલા કરતા અટકાવશે. સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રતિનિધિઓએ રાજ્ય સરકારને ઉદ્દેશીને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી, શિક્ષણના આ પવિત્ર ધામમાં અસામાજિક તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા અને આવી ઘટનાઓમાં સંડોવાયેલા ગુનેગારો સામે કડક પગલાં લેવાની માંગ કરી હતી.