
IPL 2025નું નવું શેડ્યૂલ બહાર પડી ગયું છે. 17 મેથી 18મી સિઝન ફરી શરૂ થઈ રહી છે. હવે મોટો પ્રશ્ન એ છે કે શું ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ IPLની બાકીની મેચો રમવા માટે ફરીથી ભારત આવશે? ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ પણ આ અંગે એક નિવેદન જારી કર્યું છે. ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે 9 મેના રોજ BCCI દ્વારા IPL 2025 મુલતવી રાખવામાં આવી હતી. જેના કારણે કેટલાક ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ પોતાના દેશ પાછા ફર્યાહતા. ઘણા ઓસ્ટ્રેલિયન દિગ્ગજ ખેલાડીઓ IPLમાં ટીમોના કોચિંગ સ્ટાફ અને કોમેન્ટ્રી પેનલના ભાગ છે.
ક્રિકેટ ઓસ્ટ્રેલિયાનું નિવેદન આવ્યું
IPL 2025 રમવા માટે, ઓસ્ટ્રેલિયન ખેલાડીઓએ ફરીથી ભારત પાછા આવવું પડશે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ આ અંગે એક નિવેદન આપ્યું હતું અને કહ્યું હતું કે, "ક્રિકેટ ઓસ્ટ્રેલિયા ખેલાડીઓને તેમના વ્યક્તિગત નિર્ણયમાં સમર્થન આપશે કે તેઓ ભારત પાછા ફરવા માંગે છે કે નહીં. ટીમ મેનેજમેન્ટ બાકીની IPL મેચમાં રમવાનું પસંદ કરનારા ખેલાડીઓ માટે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલની તૈયારી પર કામ કરશે. સુરક્ષા વ્યવસ્થા અંગે અમે ઓસ્ટ્રેલિયન સરકાર અને BCCI સાથે સંપર્કમાં છીએ."
https://twitter.com/cricketcomau/status/1922079193271087105
પહેલી મેચ RCB અને KKR વચ્ચે રમાશે
IPL 2025 17 મેથી ફરી શરૂ થવા જઈ રહી છે. પહેલી મેચ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) અને કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) વચ્ચે ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે રમાશે. હાલમાં, IPL 2025માં લીગ સ્ટેજની 13 મેચ બાકી છે, જેમાં પંજાબ કિંગ્સ (PBKS) અને દિલ્હી કેપિટલ્સ (DC) વચ્ચે રદ્દ થયેલી મેચનો પણ સમાવેશ થાય છે. 8 મેના રોજ ધર્મશાલામાં PBKS અને DC વચ્ચે મેચ રમાઈ રહી હતી, જે અધવચ્ચે જ રદ્દ કરવામાં આવી હતી. હવે આ મેચ ફરીથી રમાશે.
આ ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ IPL ટીમોમાં સામેલ છે
ઓસ્ટ્રેલિયાની વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ ટીમના 6 ખેલાડીઓ IPLમાં રમી રહ્યા છે. જેમાં પેટ કમિન્સ (SRH), મિશેલ સ્ટાર્ક (DC), જોશ હેઝલવુડ (RCB), ટ્રેવિસ હેડ (SRH), જોશ ઈંગ્લિસ (PBKS) નો સમાવેશ થાય છે. આવી સ્થિતિમાં, બધી IPL ફ્રેન્ચાઇઝીઓ ઈચ્છશે કે આ ખેલાડીઓ ફરીથી IPL 2025 રમે.