
ભારતમાં સેકન્ડ હેન્ડ કારનું બજાર હવે નવી કારના વેચાણ કરતાં વધુ ઝડપથી વધી રહ્યું છે. લોકોની બદલાતી પસંદગીઓ, ડિજિટલ પ્લેટફોર્મની સરળ ઉપલબ્ધતા અને ફાઇનાન્સિંગની સરળતા જેવા કારણો આ સેગમેન્ટને નવી ઊંચાઈઓ પર લઈ જઈ રહ્યા છે. CRISIL રેટિંગ્સના એક અહેવાલ મુજબ, ચાલુ નાણાકીય વર્ષમાં જૂની કારના વેચાણમાં 8 થી 10 ટકાનો વધારો જોવા મળી શકે છે, જે નવી કારના વેચાણ દર કરતા બમણો છે.
માંગમાં ભારે ઉછાળો
આ વર્ષે ભારતમાં વપરાયેલી કારનું વેચાણ 60 લાખ યુનિટને પાર કરી શકે છે. આ વૃદ્ધિ પાછળનું સૌથી મોટું કારણ છે કે પોસાય તેવા ભાવ સાથે ડિજિટલ પ્લેટફોર્મ પર વધતી સુવિધાઓ અને સરળ લોનની ઉપલબ્ધતા છે.
વપરાયેલી અને નવી કારના રેશિયામાં ફેરફાર
પાંચ વર્ષ પહેલાં જ્યાં દરેક નવી કાર પર ફક્ત 1 વપરાયેલી કાર વેચાતી હતી, પરંતુ હવે આ રેશિયા વધીને 1.4 થયો છે. આનો અર્થ એ છે કે હવે દર 100 નવી કાર સામે 140 વપરાયેલી કાર વેચાઈ રહી છે. આ સ્પષ્ટપણે દર્શાવે છે કે લોકો હવે પહેલા કરતા વધુ ઝડપથી વાહનોને અપગ્રેડ કરી રહ્યા છે અને સેકન્ડ હેન્ડ કારમાં વિશ્વાસ પણ વધ્યો છે. ભારતમાં આ ટ્રેન્ડ ઝડપથી વધી રહ્યો છતાં તે હજુ પણ યુએસ (2.5), યુકે (4.0) અને જર્મની (2.6) જેવા વિકસિત દેશો કરતા ઘણું પાછળ છે. આનો અર્થ એ છે કે સેકન્ડ હેન્ડ કાર માર્કેટમાં હજુ પણ ઘણી સંભાવનાઓ બાકી છે.
વપરાયેલી કારનું વેચાણ બમણી ગતિએ વધી રહ્યું
આજે CarDekho, Cars24, CarTrade, Spinny અને Mahindra First Choice જેવી કંપનીઓ સંગઠિત બજારનો લગભગ 50 ટકા અને કુલ વપરાયેલી કાર બજારનો એક તૃતીયાંશ હિસ્સો સંભાળી રહી છે. આ કંપનીઓને ગ્રાહકને જોડવા, કાર રિપેરિંગ, લોજિસ્ટિક્સ અને ફાઇનાન્સિંગ પર ઘણો ખર્ચ કરવો પડે છે, જેના કારણે તેને હજુ સુધી નફો થયો નથી. પરંતુ એવો અંદાજ છે કે તે આગામી 12થી 18 મહિનામાં ઓપરેટિંગ બ્રેક-ઇવન સુધી પહોંચી શકે છે. હવે આ કંપનીઓ ફક્ત કાર વેચવા સુધી મર્યાદિત નથી, પરંતુ નિરીક્ષણ, ફાઇનાન્સ, વીમા અને હોમ ડિલિવરી જેવી સેવાઓ પણ પૂરી પાડી રહી છે. આનાથી ગ્રાહક અનુભવમાં સુધારો થઈ રહ્યો છે અને માર્જિનમાં સુધારો થવાની અપેક્ષા છે.
કોવિડ પછી પણ સ્થિરતા
મહામારી અને સેમિકન્ડક્ટરની અછત છતાં વપરાયેલી કારનું બજાર સ્થિર રહ્યું. હવે જ્યારે નવા વાહનોની ડિલિવરીમાં વિલંબ થઈ રહ્યો છે અને રેયર અર્થ મેગ્નેટની અછત ઊભી થઈ રહી છે, ત્યારે ગ્રાહકો વધુને વધુ સેકન્ડ હેન્ડ વિકલ્પો તરફ વળ્યા છે. AI-આધારિત ફાઇનાન્સ સ્કોરિંગ અને ઓનલાઇન પ્લેટફોર્મ સાથે બેંકિંગ ભાગીદારી હવે ગ્રાહકો માટે લોન સરળ બનાવી રહી છે. 2019થી અત્યાર સુીધમાં આ ક્ષેત્રમાં 14,000 કરોડથી વધુનું રોકાણ કરવામાં આવ્યું છે.