
ભારતીય સેના દ્વારા સફળ 'ઓપરેશન સિંદૂર' બાદ જ્યોતિષપીઠના આચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીનું નિવેદન સામે આવ્યું છે. તેમણે પાકિસ્તાનમાં સંતાયેલા આતંકવાદીઓ પર ભારતીય સેનાની કાર્યવાહીનું સ્વાગત કરતા કહ્યું કે, ‘ભારતીય સરકાર પાસેથી હજુ વધુ કાર્યવાહીની આશા છે. કાર્યવાહી એવી કરે જેથી પાકિસ્તાન 100 વર્ષ પાછળ ધકેલી દેવામાં આ. આતંકવાદીઓને પનાહ આપનારૂ પાકિસ્તાન એટલું જ ગુનેગાર છે જેટલા આતંક ફેલાવનારા આતંકવાદીઓ.’
ઓપરેશનના નામ વિશે કરી વાત
ઓપરેશનના નામ વિશે વાત કરતા તેમણે કહ્યું કે, ‘સમજી વિચારીને ઓપરેશનને ‘સિંદૂર’ નામ આપવામાં આવ્યું છે. માંગનું સિંદૂર ઉજાડનારાઓની ખોપડી પર સિંદૂર ચઢશે. દેશ લાંબા સમયથી કાર્યવાહીની રાહ જોઈ રહ્યો હતો. પહલગામ આતંકવાદી હુમલાના 15માં દિવસે ભારતે પાકિસ્તાન પર ઓપરેશન સિંદૂર હેઠળ એર સ્ટ્રાઇક કરી હતી.’
PoKમાં મોટું એક્શન
નોંધનીય છે કે, પહલગામ હુમલા બાદ ભારતે PoKમાં મોટું એક્શન લીધું છે. જેમાં 9 આતંકવાદી ઠેકાણા પર મિસાઇલ સ્ટ્રાઇક કરી છે, જેને ‘ઓપરેશન સિંદૂર’ નામ આપવામાં આવ્યું હતું. ભારતીય સેના, વાયુસેના અને નૌસેનાએ મળીને આ ઓપરેશનને અંજામ આપ્યો હતો. આ ઓપરેશનની સફળતા બાદ વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રી સાથે કર્નલ સોફિયા કુરૈશી અને વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહે બ્રીફિંગ આપી. આ બ્રીફિંગમાં ‘ઓપરેશન સિંદૂર’ વિશે જાણકારી આપવામાં આવી હતી.