
નર્મદા જિલ્લાના દેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને 'લાફા કાંડ' સંબંધિત કેસમાં જામીન મેળવવામાં વધુ વિલંબનો સામનો કરવો પડશે. નીચલી કોર્ટ બાદ સેસન્સ કોર્ટે પણ જામીન ના મંજૂર કર્યા છે. ઉલ્લેખનીય છે કે ધારાસભ્ય ચૈતર વસાવા પ્રાંત કચેરીમાં કાફા કાંડમાં 5 જુલાઇથી જેલમાં છે. તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવા પોલીસ ફરિયાદ કર્યા બાદ ચૈતર વસાવા વડોદરા સેન્ટ્રલ જેલમાં છે.
જામીન નામંજૂર
કોર્ટમાં સરકારી પક્ષે ચૈતર વસાવાના જામીન ના મંજૂર કરવા માટે અગાઉના કેસોની રજૂઆત કરાઈ હતી. અગાઉના વર્ષ 2023 ફોરેસ્ટ વિભાગ ના કેસમાં શરતી જામીન મળ્યા છે અને એડિશનલ કોર્ટમાં ચાલે છે. જામીન ના મંજૂર થતાં ચૈતર વસાવાએ હજુ પણ જેલવાસ ભોગવવો પડશે. જામીન અરજી માટે હવે હાઇકોર્ટનો દરવાજો ખખડાવવો પડશે.
શું છે મામલો?
નર્મદા જિલ્લાના દેડિયાપાડા ખાતે આમ આદમી પાર્ટી (AAP)ના ધારાસભ્ય ચૈતર વસાવા અને ભાજપ શાસિત તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવા વચ્ચે ગત શનિવારે (5 જુલાઈ) ઉગ્ર બોલાચાલી બાદ મારામારીનો બનાવ બન્યો હતો. આ ઘટના ATVT (આદિજાતિ વિકાસ કચેરી)ની સંકલન બેઠક વખતે બની હતી. આ મામલે ફરિયાદ નોંધાયા બાદ ચૈતર વસાવાની ધરપકડ કરાઈ હતી. આ દરમિયાન પોલીસ અને ચૈતર વસાવાના સમર્થકો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું.