
Supreme Court: સુપ્રીમ કોર્ટના વકીલોના સંગઠને દેશના મુખ્ય ન્યાયાધીશ બી.આર ગવઈને પત્ર લખ્યો હતો. જેમાં સંગઠને આરોપ લગાવ્યો હતો કે કેન્દ્રીય એજન્સી ED વકીલોને સ્વતંત્ર રીતે કામ કરવામાં અડચણો ઊભી કરી રહી છે. સુપ્રીમ કોર્ટના વકીલ અરવિંદ દાતાર બાદ વરિષ્ઠ વકીલ વેણુગોપાલને પણ ઇડીએ સમન્સ પાઠવ્યા હતા. જેને પગલે વકીલોના સંગઠન એડવોકેટ્સ ઓન રેકોર્ડ એસોસિએશને મુખ્ય ન્યાયાધીશને પત્ર લખીને ઈડીની કામગીરી પર સવાલ ઉઠાવ્યા છે. આ ઉપરાંત સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશને પણ ઈડીના આ સમન્સની ભારે ટીકા કરી છે.
CJIને લખ્યો પત્ર
સુપ્રીમ કોર્ટના વકીલોના સંગઠનના અધ્યક્ષ વિપિન નાયરે દેશના મુખ્ય ન્યાયાધીશને લખેલા પત્રમાં કહ્યું છે કે વકીલ અને અસીલ વચ્ચેનો વિશ્વાસ અને વકીલો સામે આ અત્યંત ખોટુ પગલું છે. અમને જાણકારી મળી છે કે વરિષ્ઠ વકીલ પ્રતાપ વેણુગોપાલને 19મી જૂનના રોજ ઈડીએ મની લોન્ડરિંગના કેસમાં સમન્સ મોકલ્યા હતા.
ઈડીએ કલમ 50નો ઉપયોગ કરીને સમન્સ મોકલ્યા હતા. આ મામલામાં વકીલ અરવિંદ દાતારે કાયદાકીય સલાહ આપી હતી, જ્યારે વેણુગોપાલ એડવોકેટ ઓન રેકોર્ડ હતા. આ બન્ને વકીલોને ઈડીએ એક સરખા સમન્સ આપ્યા છે.
સુઓમોટોની કરી વિનંતી
જોકે આ પત્રમાં એવું પણ જણાવાયું હતું કે, દાતારને આપેલું સમન્સ પરત લઈ લેવામાં આવ્યું છે. સાથે જ કોર્ટને ઈડીની આ કાર્યવાહીમાં દખલ દેવા કહ્યું હતું. ઈડીની આ પ્રકારની કાર્યવાહી કાયદાના વ્યવસાયની સ્વતંત્રતા અને વકીલ-અસીલ વચ્ચેની ગુપ્તતાના સિદ્ધાંતોને અસર કરે છે. ઈડીની આ પ્રકારની વકીલો સામેની કાર્યવાહીને લઈને મુખ્ય ન્યાયાધીશ દ્વારા સુઓમોટો નોંધ લેવામાં આવે. વકીલોની નિર્ભય અને સ્વતંત્ર કામગીરી પર ગંભીર ખતરા સમાન છે. અસીલને વકીલ દ્વારા જે સલાહ આપવામાં આવી હોય તેને લઈને ઈડી સમન્સ ન મોકલી શકે.
ઈડીએ પાછા ખેંચ્યા સમન્સ
બીજી બાજુ સુપ્રીમ કોર્ટના વકીલોના સંગઠન દ્વારા મુખ્ય ન્યાયાધીશને સુઓમોટો નોંધ લેવા માટે લખાયેલા પત્ર વચ્ચે ઈડીએ વકીલને મોકલેલા સમન્સ પરત લઈ લીધા હોવાના અહેવાલો છે. મળતી માહિતી મુજબ, ઈડીએ વરીષ્ઠ વકીલ વેણુગોપાલને આપેલા સમન્સ પાછા ખેંચી લીધા છે. અગાઉ વરિષ્ઠ વકીલ અરવિંદ દાતારને આપેલા સમન્સ પણ ઈડીએ પરત ખેંચી લીધા હતા.
ઈડીના આ બન્ને સમન્સ એમએસ કેર હેલ્થ ઈન્શ્યોરન્સ લિ.ના એમ્પ્લોય સ્ટોક ઓપ્શન પ્લાન સાથે સંકળાયેલી તપાસને લઈને મોકલવામાં આવ્યા હતા. જોકે બન્ને સમન્સ ઈડી દ્વારા પરત ખેંચી લેવામાં આવ્યા હોવાના અહેવાલો છે. અગાઉ વકીલોના આ જ સંગઠને વકીલ દાતારને સમન્સ મળ્યા ત્યારે એક નિવેદન જાહેર કરીને તેની ટીકા કરી હતી.