Home / GSTV શતરંગ : The whole world is an extension of our mind!

GSTV શતરંગ/ આખી દુનિયા આપણા મનનો વિસ્તાર છે !

GSTV શતરંગ/ આખી દુનિયા આપણા મનનો વિસ્તાર છે !

- ઝાકળ બન્યું મોતી 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

મંદિરના દ્વાર પર ખૂબ બોલાચાલી થઈ. એ બૌદ્ધ ભિખ્ખુઓ સામસામા આવી ગયા.

વિવાદની વાત એટલી જ હતી કે મંદિર પર લહેરાતી પતાકાને કોણ હલાવી રહ્યું છે ? પતાકા ફરફરે છે, તે કોને કારણે ?

એક બૌદ્ધ ભિખ્ખુએ કહ્યું કે આ મંદિર પર જે પતાકા લહેરાય છે તેનું કારણ તો વહેતી હવા છે. હવાને કારણે પતાકા આમતેમ ડોલે છે.

બીજા ભિખ્ખુએ એની વાતનો સ્પષ્ટ વિરોધ કરતાં કહ્યું કે હવાથી કશુંયે ડોલતું નથી, બલ્કે આ પતાકા ડોલાયમાન થતાં હવા કંપે છે.

પહેલાં આ વાત વિવાદના સ્વરૂપમાં ઊભી થઈ અને પછી એની ચર્ચામાં બંને સામસામા આવી ગયા. બંને પોતાની વાતને સાચી ઠેરવતા હતા. હવે ફેંસલો કોણ આપે ?

એવામાં મંદિરમાંથી ગુરૂ બહાર આવ્યા. બંને ભિખ્ખુઓએ પોતાની વાત કહી. ત્યારે ગુરૂએ કહ્યું,

'તમે બંને ખોટા છો. ન તો હવાથી પતાકા હાલે છે ન તો પતાકાથી હવા હાલે છે. હકીકતમાં તમારું મન હાલી રહ્યું છે.'

બંનેએ પ્રશ્ન કર્યો, 'એ કઈ રીતે ?'

ગુરુએ તેમને સમજાવતાં કહ્યું કે, 'હવાથી પતાકા હલે છે કે પતાકાથી હવા હલે છે એ બંનેની જાણ મનથી થાય છે. ભલે બીજી બાબત અનિશ્ચિત હોય, પણ એટલું તો નિશ્ચિત છે કે મન ડોલી રહ્યું છે. બીજી બાબતો અંગે કશું નિશ્ચિત કહી શકાય તેમ નથી.'

આ ઝેન કથાનો મર્મ એ છે કે આખીય દુનિયા એ મનનો જ વિસ્તાર છે. મૈત્રયિણી ઉપદેશમાં આથી જ કહ્યું છે કે 'ચિત્ત એ જ સંસાર છે અને તેને પ્રયત્નપૂર્વક શોધવો જોઈએ.'

આપણે જે કંઈ જાણીએ છીએ તે મનનું જ પ્રતિબિંબ છે. જે કંઈ અનુભવીએ છીએ એ પણ મન દ્વારા જ. આથી જ વિચારકો કહે છે કે મન જેવું બીજું કોઈ ઉત્પાદક તત્વ જગતમાં નથી. એવા મનને શોધવું, જાણવું અને યોગ્ય માર્ગે વાળવું એ જ માનવીનું કર્તવ્ય છે.

- કુમારપાળ દેસાઈ

Related News

Icon