ગુજરાતમાં સાર્વત્રિક વરસાદી માહોલ છે. ક્યાંક ભારે વરસાદને પગલે નદીઓ બે કાંઠે વહેલા લાગી છે. ધસમસતા પાણીના પ્રવાહમાં ક્યાંક ગાડીઓ પણ તણાઈ છે. ત્યારે ભાવનગર જિલ્લાના વલ્લભીપુર તાલુકાના નશીતપુર ગામે કેરી નદી ગાંડીતુર બની છે. નદીમાં ધસમસતા પાણીના પ્રવાહને પગલે નશીતપુર ગામ સંપર્ક વિહોણું બન્યું છે. ગામમાં પણ નદીના પાણી ઘૂસી ગયા છે.
ભાવનગર જિલ્લામાં ભારે વરસાદની ત્રણ દિવસ આગાહી છે. છેલ્લા બે દિવસથી પડી રહેલા ભારે વરસાદને પગલે ભાવનગરમાં નદી નાળા છલોછલ થયા છે. વલભીપુર ભાવનગર હાઇવેને જોડતો ચમારડી પાસે આવેલ ચોગઠના ઢાળ પાસેનો પુલ ઉપર પાણી ફરી વળતાં રસ્તો બંધ કરવામાં આવ્યો છે. કાળુભાર નદીમાં ઘોડાપુર આવતા રસ્તો બંધ કરવામાં આવ્યો છે.
ભાવનગર શહેરમાં પણ પાટીદાર રેસીડેન્સી સોસાયટીમાં 17 વર્ષ બાદ પાણી ભરાયાની ઘટના સામે આવી છે. ભાવનગર રોડ પર આવેલ પાટીદાર રેસીડેન્સી સોસાયટીમાં પાણી ભરાતા લોકો હેરાન પરેશાન થયા છે. નદી નાળાઓમાં દબાણને પગલે પાણીનો યોગ્ય નિકાલ ન થવાથી ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા છે.