અમદાવાદમાં આજે ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રાનું આયોજન કરાયુ છે. આજે અષાઢી બીજના દિવસે ભગવાનની 148મી રથયાત્રા રંગેચંગે નીકળી છે. આજના પાવન દિવસે ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બલરામજી સાથે નગરચર્યાએ નીકળે છે. અમદાવાદની રથયાત્રા લાખો ભક્તો માટે શ્રદ્ધા, આસ્થા અને ભક્તિનો મહાપર્વ છે. તો બીજી તરફ અમદાવાદ સહિત રાજ્યના વિવિધ શહેરોમાં પણ ભગવાન જગન્નાથજીની રથયાત્રા નિકળી છે. ભાવનગર, રાજકોટ, પાટણ, મોડાસા, ઈડર, દાહોદ સહિતના શહેરોમાં ભવ્ય રથયાત્રા નીકળી છે.
ભાવનગરમાં ભગવાન જગન્નાથજીની નીકળી રથયાત્રા
ભાવનગરમાં પરંપરાગત રીતે ભગવાન જગન્નાથજીની 40 મી રથયાત્રા ભગવાન જગન્નાથજી મંદિરેથી પ્રસ્થાન કરાયું, ભાવનગર શહેરના 17 કિલોમીટરના રૂટમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા ફરશે, જેમાં 200 જેટલા ટ્રક ટ્રેક્ટર અન્ય વાહનમાં વિવિધ ફ્લોટ્સ બનાવવામાં આવ્યા, આ રથયાત્રા શહેરના જુદા જુદા વિસ્તારોમાં ફરશે. ભાવનગરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા નું ભાવનગરના મહારાજા વિજયરાજસિંહજી ગોહિલના હસ્તે પરંપરાગત રીતે સોનાના સાવરણાથી શેડાપોરા અને પહિંદ વિધિ કરવામાં આવી, આ પ્રસ્થાન કાર્યક્રમમાં ભાવનગરના સાંસદ અને કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણિયા ભાવનગરના ધારાસભ્યો, મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
રાજકોટમાં 18મી રથયાત્રા
રાજકોટમાં ભગવાના જગન્નાથજીની ૧૮ મી રથયાત્રા નીકળી. શહેરના નાના મવા સ્થિત શ્રી ખોડિયાર મંદિર થી પરંપરાગત પહિંદ વિધિ બાદ ભાઈ બલભદ્રજી, બહેન સુભદ્રાજી અને જગતના નાથ ભગવાન જગન્નાથજી રથમાં બિરાજમાન થઈ નગરચર્યાએ નીકળ્યા,પહિંદ વિધિ રાજકોટના રાજવી ઠાકોર સાહેબ માંધાતા સિંહજી અને યુવરાજ રામરાજા દ્વારા કરવામાં આવી ..મહંત મનોહર ત્યાગીજી મહારાજ અને ભાજપના નેતા નીતિનભાઈ ભારદ્રાજ, વિશ્વ હિન્દુ પરિષદના અગ્રણીઓ, સાધુસંતો ભક્તો તેમજ રાજકોટના પોલીસ કમિશનર બ્રિજેશ જા, ડીસીપી જગદીશ બાંગરવા, ડીસીપી સજ્જનસિંહ પરમાર સહિતના જોડ્યા હતા.
ઈડરમાં ભક્તોના ઘોડાપૂર વચ્ચે નીકળી રથયાત્રા
સાબરકાંઠા જિલ્લાના ઇડરમાં ભગવાન જગન્નાથ રથયાત્રાનું ભવ્ય પ્રસ્થાન થયું. મોટા રામદ્વારા મંદિરથી ભગવાન જગન્નાથજી, ભાઈ બલરામજી અને બહેન સુભદ્રાજી ભવ્ય રથમાં બિરાજમાન થઈ નગરચર્યાએ નીકળ્યા. આ રથયાત્રા 5 કિલોમીટર લાંબા રૂટ પર ઇડરના માર્ગો પર ફરશે, જેમાં હજારો ભક્તો ભાગ લઈ રહ્યા છે. રથયાત્રામાં બેન્ડ, ડીજે, નાસિક, ભજન મંડળીઓ, અખાડા અને દુર્ગાવાહિની જોડાયાં, જેનાથી ઉત્સવનો ઉમંગ અને ભક્તિમય માહોલ વધ્યો.સાથે જ રથયાત્રાને શાંતિપૂર્ણ અને સુરક્ષિત બનાવવા માટે 1,000થી વધુ પોલીસ કર્મચારીઓનો બંદોબસ્ત ગોઠવાયો છે. પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ, CCTV, અને ડ્રોન સર્વેલન્સ દ્વારા ચુસ્ત નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.
બોટાદમાં જગન્નાથજીની 28મી રથયાત્રા
બોટાદ શહેરમાં આનંદ-ઉત્સાહ સાથે ભગવાન જગન્નાથની 28મી રથયાત્રા નીકળી છે. પાળિયાદ રોડ પરના ગીરનારી આશ્રમથી ભવ્ય રથયાત્રાનો પ્રારંભ થયો હતો. નગરચર્યાએ નીકળેલા નાથના દર્શન કરવા મોટી સંખ્યમાં ભક્તો ઉમટ્યા હતા. ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી હતી. એમ.ડી.શાળા, બસ સ્ટેન્ડ રોડ, હવેલી ચોક,મહિલા મંડળ રોડ, મસ્તરામ મંદિર સહિતના વિસ્તારમાં રથયાત્રાએ ભ્રમણ કર્યું.
પાટણમાં ભગવાનની રથયાત્રા
પાટણમાં ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા નીકળી હતી. 12.39ના વિજય મુહૂર્તમાં રથયાત્રા નીકળી છે, ત્રણેય મૂર્તિને મંદિરના ગર્ભમાંથી રથમા બિરાજમાન કરવામાં આવ્યા હતા. રથયાત્રાના રૂટ પર ઠેર ઠેર સેવા કેમ્પ ઉભા કરવામાં આવ્યા છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે રથયાત્રા નીકળી છે.