
થોડા દિવસો અગાઉ ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં ગુજરાતી યુવકની હત્યા થઈ હતી. જેથી ભારત સહિત ગુજરાતી સમાજ હતપ્રત થઈ ગયો હતો. મૂળ નવસારીના બીલીમોરાના વતની મિહિર દેસાઈની હત્યા થયા બાદ આજે તેનો મૃતદેહ વતન ખાતે આવ્યો હતો. મૃતદેહને આજે વતન પહોંચાડવામાં માટે 14 લાખનું ફંડ એકત્ર કરીને માનવતા નિભાવી હતી. દીકરાના મૃતદેહને જોતા જ પરિવારની આંખોમાંથી અશ્રુધારા વહી હતી.
રૂમ પાર્ટનરે હત્યા કરી
ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન શહેરમાં 10 અગાઉ મૂળ નવસારીના બીલીમોરાના વતની મિહિર દેસાઈની રૂમ પાર્ટનરે ચપ્પુના ઘા મારીને હત્યા કરી નાખી હતી. જેના દસ દિવસ બાદ આજે મિહિરનો મૃતદેહ તેના વતન બીલીમોરા પહોંચ્યો છે. શબપેટીમાં દીકરાનો મૃતદેહ જોઈને મિહિરની માતા ભાવુક બની ગયાં હતાં અને તેમની આંખોમાંથી અશ્રુધારા વહી હતી. મિહિર દેસાઈના અંતિમસંસ્કાર બીલીમોરા સ્મશાન ગૃહમાં કરવામાં આવશે.
ભારતીય મૂળનો હત્યારો પકડાયો
મેલબર્ન શહેરમાં ગુજરાતી યુવકની હત્યા બાદ સ્થાનિક પોલીસ અને આરોગ્ય વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. જોકે ગંભીર ઈજાઓને કારણે મિહિરનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. પોલીસે આ મામલે તાત્કાલિક કાર્યવાહી કરતાં નજીકના ઘરેથી 42 વર્ષીય ભારતીય મૂળની એક વ્યક્તિની ધરપકડ કરી છે. તપાસમાં સામે આવ્યું હતું કે આરોપી અને મૃતક એકબીજાને ઓળખતા હતા. રૂમમેટ તરીકે સાથે રહેતા હતા. ફોરેન્સિક ટીમે ઘટનાસ્થળેથી પુરાવા એકત્રિત કર્યા છે અને પાડોશીઓની પૂછપરછ પણ શરૂ કરી છે.