Home / Gujarat / Amreli : What is the reason behind the blade incident in Amreli?

VIDEO: અમરેલીમાં બ્લેડકાંડની ઘટના પાછળ શું છે કારણ? જાણો પ્રિન્સિપાલ સહિત તપાસ અધિકારીના નિવેદન

Amareli mujiyasar school : અમરેલીના બગસરા તાલુકાની મોટા મુંજીયાસર ગામની પ્રાથમિક શાળામાં વિચિત્ર ઘટના બહાર આવતા શિક્ષણ વિભાગમાં ખળભળાટ મચી ગયો છે. બગસરાના મોટા મુંજયાસરમાંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે. મળતા અહેવાલ પ્રમાણે  ત્રણેક દિવસ પહેલા પ્રાથમિક શાળાના શાળાના 40થી વધુ વિદ્યાર્થીઓએ પોતાના હાથ તથા પગના ભાગમાં બ્લેડ દ્વારા કાપા મારી જાતે ઇજા પહોંચાડી હોવાનું બહાર આવ્યું છે. જ્યારે આ તમામ વિદ્યાર્થીઓ ધોરણ 5,6 અને 7 માં ભણતા હોવાનું જાણવા મળેલ છે. આ ઘટનાથી બાળકોના વાલીઓ સ્તબ્ધ થયા હતા. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

શિક્ષણમંત્રીનું નિવેદન

અમરેલીની ઘટનાને લઈને શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરિયાનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, બાળકો સામે સામે ચેલેન્જ આપીને આ કામ કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી છેલ્લા ઘણા સમયથી આ બાબત પર ગંભીરતાથી કામ કરી રહ્યા છે. આ પ્રકારની ગેમ પર પ્રતિબંધ મૂકવાની પણ તૈયારી કરવામાં આવી રહી છે. 

પોલીસ અધિકારીએ આ મામલે શું કહ્યું

અમરેલી જિલ્લાના મોટા મુંજ્યાસર ગામની પ્રાથમિક શાળામાં બનેલા બ્લેડકાંડના મામલે એસીપીની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે જણાવ્યું કે, પોલીસે બાળકો, વાલીઓ અને શિક્ષકોના નિવેદનો લીધા બાદ જાણવા મળ્યું છે કે 20થી 25 બાળકોએ પોતાના હાથ અને પગ પર જાતે જ બ્લેડના કાપા માર્યા હતા. આ માટે તેમણે પેન્સિલ શાર્પનરની બ્લેડનો ઉપયોગ કર્યો હતો. તપાસમાં ખુલાસો થયો છે કે, બાળકોએ 10 રૂપિયાની શરત લગાવીને આ કૃત્ય કર્યું હતું. ASP જયવીર ગઢવીના જણાવ્યા મુજબ, આ ઘટનામાં કોઈ ગુનાહિત પ્રવૃત્તિ સામે આવી નથી. ઘટના બન્યા બાદ તાત્કાલિક વાલી મીટિંગ બોલાવવામાં આવી હતી, જેમાં બાળકો પાસેથી ભવિષ્યમાં આવું નહીં કરવાની બાંહેધરી લેવામાં આવી છે.

સરકાર આવી ઘટનાઓને ગંભીરતાથી લેતી નથી- કોંગ્રેસ ધારાસભ્ય કિરિટ પટેલ

અમરેલી ઘટના મામલે કોંગ્રેસે પણ સવાલ ઉઠાવ્યા છે. ધારાસભ્ય કિરીટ પટેલે કહ્યું કે, ઓનલાઈન મોબાઈલ ગેમને લીધે નાના બાળકો પર માનસિક અસર જોવા મળી છી. નાના બાળકો માટે ખૂબ ખરાબ બાબત છે. અગાઉ પણ અનેક બાળકોએ આત્મહત્યા કરી છે. અમે વારંવાર વિધાનસભામાં કહીએ છીએ કે, ઓનલાઈન છેતરપિંડી સાથે આવી ઘટનાઓ દુઃખદ છે. સરકાર આવી ઘટનાઓને ગંભીરતાથી લેતી નથી. આવી પ્રવૃતિઓ ડામવા સરકારે પગલા લેવા જોઈએ. વિદ્યાથીઓ - નાના બાળકો પર ખરાબ અસર થઈ રહી છે. 

બાળકોએ બ્લેડ મારી એ દુઃખદ ઘટના- ધારાસભ્ય જે.વી. કાકડિયા

અમરેલીનાં બગસરાનાં મોટા મુંજયાસર ગામે બાળકો દ્વારા હાથમાં બ્લેડ મારવાનો મામલામાં ધારાસભ્ય જે.વી કાકડિયાનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, બાળકોએ બ્લેડ મારી એ દુઃખદ ઘટના છે. 8 દિવસ પહેલા બનેલી ઘટના હવે સામે આવી છે. તપાસ માટે અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા છે. પીઆઇ અને શિક્ષણ વિભાગના અધિકારીઓ પણ સ્થળ પર પહોંચ્યા છે. તપાસના અંતે જે સામે આવશે તેમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. આ ઘટનામાં 15થી 20 બાળકો ભોગ બન્યા છે અને તપાસ ચાલી રહી છે. 

શાળાના આચાર્યે શું કહ્યું

બગસરા તાલુકા મુંજિયાસર ગામની પ્રાથમિક શાળામાં બ્લેડકાંડનો મામલે હવે શાળાના આચાર્ય હર્ષાબેન મકવાણાએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે, શાળામાં આવી ઘટનાની જાણ થતાં તુરંત વાલી મિટિંગ બોલાવવામાં આવી હતી. વાલીઓની હાજરીમાં મીટિંગમ બોલાવી બાળકોને પુછતા ગેમમા એક કાપાના દસ રૂપિયા મળતા હોવાનું કારણ સામે આવ્યું છે. આ ઘટનાની જાણ 18/19 તારીખે થતા તુરંતજ વાલી મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.  

ઉલ્લેખનીય છે કે હાલ એ વાત સામે આવી છે. પોલીસ અને શિક્ષણ વિભાગની તપાસમાં સામે આવશે કે શા માટે બાળકોએ હાથ અને પગ પર બ્લેડના કાપા માર્યા છે.

સીસીટીવીની મદદ લેવાશે 

અત્રે ઉલ્લેખનીય છે કે શાળામાં આવેલા સીસીટીવી કેમેરાની તપાસ કરવામાં આવે તો સાચી બાબતો બહાર આવી શકે તેમ છે. સમગ્ર ઘટના બાબતે ગામના સરપંચ જયસુખભાઈ ખેતાણીના જણાવ્યા અનુસાર શાળામાં આ વિચિત્ર ઘટના બનવા પાછળનો કારણ જો અત્યારે શોધવામાં નહીં આવે તો ભવિષ્યમાં કોઈ બાળક જીવ ખોઈ બેસે તેવી પણ શક્યતા રહેલી છે. 

તપાસની ઉગ્ર માગ 

આ બાબતે વિદ્યાર્થીઓને વાલી દ્વારા પૂછપરછ કરવામાં આવતા બાળકોએ ‘અમને શિક્ષકોએ કહેવાની ના પાડી છે ’એવું કહીને જવાબ ટાળ્યા હતા. જેથી માતા પિતાને સંતોષકારક જવાબ ન મળતા તેઓ શાળાએ પહોંચ્યા હતા,જ્યાં પણ પ્રશ્નનો નિવારણ ન થતા ગ્રામ પંચાયત દ્વારા આ બાબતે પોલીસને અરજી આપી તપાસની માંગણી કરી છે. આ ઘટનામાં વિદ્યાર્થીઓએ જાતે જ ઈજા પહોંચાડી છે કે અન્ય કોઈ વ્યક્તિ દ્વારા આવું કરવામાં આવેલ છે તેની તપાસ કરવા માગણી કરેલ છે. 

ઘટનાનું કારણ શું? 

માહિતી અનુસાર વીડિયો ગેમના રવાડે ચઢી વિદ્યાર્થીઓએ જાતે જ એકબીજાના હાથ પર પેન્સિલના શાર્પનરથી ચીરાં પાડ્યાનો દાવો કરવામાં આવ્યો છે. એક બાળકે તો તેના સાથી વિદ્યાર્થીઓને હાથ પર બ્લેડના કાપા મારવા માટે 10 રૂપિયા આપવા સુધીની ઓફર કર્યાની પણ જાણકારી મળી રહી છે. આ મામલો લગભગ આઠ દિવસ સુધી છુપાવાયો હતો અને આખરે ઘટના ઉઘાડી પડી જતાં મામલો પોલીસ સુધી પહોંચી ગયો છે. 

ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા બ્લૂ વ્હેલ નામની ગેમ આવી હતી જેમાં લોકોને પોતાની જાતને નુકસાન પહોંચાડવા અને જીવને જોખમમાં મૂકે તેવા ટાસ્ક આપવામાં આવતા હતા. તે એપ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. હવે અમરેલીના બગસરામાં આ વિદ્યાર્થીઓ હાલ કઈ ગેમ રમી રહ્યા હતા તે તપાસનો વિષય છે. 

Related News

Icon