
રાજ્યવ્યાપી આરોગ્ય કર્મચારીઓની હડતાળના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. છેલ્લા 9 દિવસ સુધી ગાંધીનગર ખાતે આરોગ્ય કર્મચારીઓના ધરણાં- હડતાળ મુદ્દે સરકારે ચેતવણી આપી હતી. એ અનુસંધાને સાબરકાંઠા જિલ્લામાં 700 આરોગ્ય કર્મચારીઓમાંથી હડતાળ ઉપર રહેલા 400 કર્મીઓને ફરજ મોકૂફ કરાયા છે. સાબરકાંઠા જિલ્લા વિકાસ અધિકારીએ આદેશ આપ્યો છે. જે મુજબ હડતાળ ઉપર રહેલા 400 કર્મીઓ સામે ખાતાકીય પરીક્ષાનું કારણ આગળ ધરી કર્મીઓને ફરજ મોકૂફ કરાયા છે. એકાએક ફરજ મોકૂફ કરાઈ દેતા આરોગ્ય કર્મીમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આરોગ્ય કર્મચારી મંડળના પ્રમુખ આશિષ બ્રહ્મભટ્ટ સહિત 400 કર્મીઓ ફરજ મોકૂફ કરાયા છે.
અમરેલીમાં 251 કર્મચારીઓને છૂટા કર્યા
અમરેલી જિલ્લામાં પણ આરોગ્ય વિભાગના 251 કર્મચારીઓ છુટા કર્યા છે. આરોગ્ય કર્મચારીના એફ.એચ.ડબ્લ્યુ અને એમ.પી.એચ.ડબ્લ્યુ જેવા કર્મચારીઓનો સમાવેશ થાય છે. આ કર્મચારીઓએ કેટલીક પરીક્ષાઓ પાસ ન કરી હોવાથી કર્મચારીઓને છુટા કર્યાનું જણાવાયું છે. જુદા જુદા જિલ્લાઓમાં આરોગ્ય કર્મીઓને છૂટા કરાતાં હવે જિલ્લા આરોગ્ય કર્મચારીઓમાં રોષ આવતા દિવસોમાં આંદોલન રૂપે ફરીથી ભડકી શકે છે.
અરવલ્લીમાં 307 કર્મચારીઓને છૂટા કર્યા
અરવલ્લીમાં પડતર માંગને લઈ હડતાળમાં જોડાયેલા આરોગ્ય કર્મચારીઓ વિરુદ્ધ સરકારે આકરી કાર્યવાહી કરી છે. જિલ્લાના 307 કર્મચારીઓ વિરુદ્ધ ફરજ મુક્તની કાર્યવાહી કરવામાં આવી. આરોગ્ય વિભાગ દ્વારા આ કર્મચારીઓને ફરજ પર હાજર થવા માટે નોટિસ પાઠવવામાં આવી હતી, જોકે તેઓ નિર્ધારિત સમયમાં ફરજ પર હાજર ન થતાં આ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવી છે. 23 કર્મચારીઓને ચાર્જશીટ આપી કાર્યવાહી હાથ ધરવામાં આવી.
આરોગ્ય કર્મીઓની મુખ્ય માંગણીઓમાં ટેક્નિકલ કૌશલ્ય આધારિત પગારધોરણ લાગુ કરો, ખાતાકીય પરીક્ષા રદ કરો, ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘ દ્વારા આરોગ્ય કર્મચારીઓની અચોક્કસ મુદ્દતની હડતાળનો આઠમો દિવસ હોવા છતાં રાજ્ય સરકાર દ્વારા કોઈ હકારાત્મક જવાબ આપવામાં આવ્યો નથી. આરોગ્ય કર્મચારીઓએ ગ્રેડ પેમાં સુધારો કરવા, ટેકનિકલ ગ્રેડ પેનો સમાવેશ કરવો, ખાતાકીય પરીક્ષામાંથી મુક્તિ આપવી અને ટેકનિકલ કેડરમાં સમાવેશ કરવા માંગ સાથે અચોક્કસ મુદતની હડતાળ પાડી છે. હડતાળને એક સપ્તાહ થવા આવ્યું છે ત્યારે આરોગ્ય વિભાગે આંદોલનકારી કર્મચારીઓને આખરી અલ્ટીમેટમ આપ્યું છે.
આરોગ્યમંત્રીએ ઉચ્ચારી હતી ચીમકી
આરોગ્ય કર્મીઓની હડતાળને લઈને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આંદોલન કરનારાને હડતાળ સમેટી લેવા ચીમકી આપી છે. આ ચીમકીમાં તેમણે ઘણી બધી સૂફિયાણી વાતો કરી, પરંતુ બે વાત ઘણી મહત્ત્વની છે. આરોગ્ય કર્મીઓની વિવિધ માગ મુદ્દે ઋષિકેશ પટેલનું કહેવું છે કે, ‘આરોગ્ય કર્મીઓની બધી માગ વહીવટનો વિચાર કર્યા વગર સ્વીકારી ના લેવાય, ટેક્સનો પૈસો રાજ્યની તિજોરીમાં આવતો હોય ત્યારે લોકોની સુખાકારીમાં અને લોકોની સગવડો માટે એ પૈસો વપરાવવો જોઈએ.' તેમનો બીજો મુદ્દો એ છે કે, 'આરોગ્યકર્મીઓની હડતાળથી નાગરિકો મુશ્કેલીમાં મૂકાય છે'.