
Muhammad Yunus Bangladesh: બાંગ્લાદેશમાં વચગાળાની સરકાર ચલાવી રહેલા મોહમ્મદ યુનુસ વિરૂદ્ધ રોષ વધી રહ્યો છે. બુધવારે હજારો લોકો ઢાકાના રસ્તાઓ પર ઉતરી આવ્યા હતાં. તેઓ 'ફાસીવાદ' ખતમ કરોના સુત્રોચ્ચાર કરી રહ્યા હતાં. યુનુસનો વધતો વિરોધ તેમને રાજીનામું આપવા મજબૂર કરી રહ્યો છે.
બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન બેગમ ખાલિદા જિયાની પાર્ટી બીએનપીએ આ આંદોલન શરૂ કર્યુ હતું. જેમાં દેશભરમાંથી હજારો લોકો જોડાયા છે. ઢાકાના તમામ મુખ્ય માર્ગો પર ચક્કાજામ કરી દીધો છે. તેમજ યુનુસને પદ પરથી દૂર કરવા આંદોલનો કરી રહ્યા છે. બાંગ્લાદેશની નેશનલિસ્ટ પાર્ટીની રેલીમાં ટૂંકસમયમાં સામાન્ય ચૂંટણી કરાવવાની માગ ઉભી થઈ છે. આ વર્ષના અંત સુધીમાં ચૂંટણી થવાની શક્યતા છે.
યુનુસે પણ આપ્યો હતો સંકેત
બીજી તરફ છેલ્લા થોડા દિવસથી મોહમ્મદ યુનુસ પણ સત્તા પર મજા ન આવતી હોવાનું નિવેદન આપતાં રાજીનામાંની વાત કરી રહી છે. તેમણે કહ્યું હતું કે, આ વર્ષના અંત સુધીમાં ચૂંટણી કરાવવી મુશ્કેલ લાગી રહી છે. જૂન, 2026 સુધી ચૂંટણીનું આયોજન કરી શકીએ છીએ. પરંતુ બીએનપી સહિત અનેક પક્ષોનું કહેવું છે કે, ચૂંટણી પહેલાં થવી જોઈએ. બાંગ્લાદેશના સેના પ્રમુખ વકાર-ઉજ-જમાં પણ વર્ષના અંત સુધીમાં ચૂંટણી કરાવવા માગે છે. જો મોહમ્મદ યુનુસની વચગાળાની સરકારે આ મામલે કોઈ ચોક્કસ નિર્ણય ન લીધો તો રાજકીય અસ્થિરતા સર્જાઈ શકે છે. ગતવર્ષે શેખ હસીનાના સત્તા પલટા બાદ યુનુસ વચગાળાની સરકાર ચલાવી રહ્યા છે.
યુનુસ સત્તા પર નિષ્ફળ રહ્યાં
અર્થવ્યવસ્થાના સિદ્ધાંતોમાં નોબલ મેળવનારા યુનુસ સત્તા પર નિષ્ફળ રહ્યા છે. તેમના પર કટ્ટરપંથી તત્વોને મજબૂત બનાવવાનો આરોપ પણ મૂકાયો છે. યુનુસને શેખ હસીનાના સત્તાપલટા માટે રમખાણો અને આંદોલનો કરાવવાનો પણ આરોપ છે. બીએનપીના વડા તારિક રહમાન લંડનથી અનેક વખત ચૂંટણીઓ વહેલાસર કરવાની માગ કરી ચૂક્યા છે. પરંતુ આ માગને મોહમ્મદ યુનુસે ફગાવી છે. તેઓ જૂન, 2026 સુધીમાં ચૂંટણી કરાવવા માગે છે. બાંગ્લાદેશ નેશનલિસ્ટ પાર્ટીની સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય મિર્જા અબ્બાસે યુનુસની વચગાળાની સરકાર સડી ગયેલી હોવાનું નિવેદન આપ્યું છે.
આ સરકાર તો શેખ હસીનાથી પણ ખરાબ
બીએનપીના નેતા તારિક રહમાને યુનુસ સરકાર પર કટાક્ષ કરતાં કહ્યું હતું કે, આ વચગાળાની સરકાર શેખ હસીનાની સરકાર કરતાં પણ અત્યંત ખરાબ છે. ગતવર્ષે જુલાઈમાં શેખ હસીના વિરૂદ્ધ આંદોલન થયું હતું. વિદ્યાર્થીઓના પ્રદર્શન હિંસક બન્યા હતાં. બાદમાં શેખ હસીના પલાયન કરી ભારત આવ્યા હતાં. ત્યારથી મોહમ્મદ યુનુસની વચગાળાની સરકાર બાંગ્લાદેશની કમાન સંભાળી રહી છે.