
ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 સામાન્ય પ્રવાહના પરિણામો આજે જાહેર કરવામાં આવ્યા છે. પરિણામે સમગ્ર રાજ્યમાં ખુશીની લહેર જોવા મળી રહી છે, ત્યારે સુરત જિલ્લાએ એકવાર ફરીથી શૈક્ષણિક મેદાનમાં પોતાનું પ્રભુત્વ સાબિત કર્યું છે. સુરત જિલ્લાનું કુલ પરિણામ 93.97 ટકા નોંધાયું છે, જે રાજ્યના ટોચના જિલ્લાઓમાં સુરતને સ્થાન આપે છે.
A1 અને A2 ગ્રેડમાં પણ સુરતના વિદ્યાર્થીઓએ માર્યુ મેદાન
વિદ્યાર્થીઓના ગુણવત્તાયુક્ત પરિણામોમાં પણ સુરત આગળ છે. A1 ગ્રેડ (91થી 100 ટકા માર્કસ)માં સુરતના 1672 વિદ્યાર્થીઓએ સ્થાન મેળવ્યું છે, જ્યારે A2 ગ્રેડ (81થી 90 ટકા માર્કસ)માં 6669 વિદ્યાર્થીઓ સફળ થયાં છે. આ આંકડાઓ બતાવે છે કે સુરતના વિદ્યાર્થીઓ માત્ર પાસ થવામાં નહીં, પણ ઉત્તમ ગુણોથી શિર્ષક સ્થાને આવી રહ્યાં છે.
શાળાઓ અને શિક્ષકોના પ્રયત્નો અપાર
તપોવન શાળાના આચાર્ય મનસુખભાઈ ગોટીએ કહ્યું કે, આ સફળતાનું શ્રેય માત્ર વિદ્યાર્થીઓની મહેનતને નહીં, પરંતુ શાળાઓની શૈક્ષણિક રણનીતિ, શિક્ષકોની તૈયારી અને વાલીઓએ આપેલા સહયોગને પણ જાય છે. કોર્સ પૂર્ણ કરવા ઉપરાંત, રિવિઝન સત્રો, મોક ટેસ્ટ, અને ટેક્નોલોજી આધારિત શિક્ષણ પદ્ધતિઓએ પણ પરિણામ સુધારવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.
શિક્ષણવિભાગ દ્વારા અભિનંદન
જિલ્લા શિક્ષણાધિકારીએ કહ્યું કે, “સુરતના વિદ્યાર્થીઓએ જે શૈક્ષણિક શિખર પ્રાપ્ત કર્યું છે તે તમામ માટે ગર્વની વાત છે. અમે તમામ વિદ્યાર્થીઓને તેમના ઉજળા ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવીએ છીએ.” આ પરિણામ માત્ર એક અંક નથી, પણ તે સંકેત આપે છે કે સુરત જેવી વિકાસશીલ નગરી શૈક્ષણિક ક્ષેત્રમાં પણ સમાન ઝૂઝારી મનોબળ સાથે આગળ વધી રહી છે. ભવિષ્યમાં આ વિદ્યાર્થીઓ રાષ્ટ્રના વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર યોગદાન આપશે તેવી આશા છે.