
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બ્રિટનની સાથે એક વેપાર સમજૂતીમાં બ્રિટનના ઓટો, સ્ટીલ અને એલ્યુમિનિયમ પર ટેરિફમાં ઘટાડો કરવા અંગે સંમતિ વ્યક્ત કરી છે. આ સંમતિ હેઠળ અમેરિકાથી વધુ ગોમાંસ ખરીદવામાં આવશે અને અમેરિકાથી આવનારી વસ્તુઓ માટે કસ્ટમ્સ પ્રોસેસને વધુ સુવ્યવસ્થિત કરવામાં આવશે.
ગુરુવારે જાહેર કરવામાં આવેલી આ સમજૂતીને હજુ અંતિમ સ્વરૂપ આપવાનું બાકી છે. સમજૂતી મુજબ ટ્રમ્પ હજુ પણ અન્ય દેશો સાથે મંત્રણા કરવા સક્ષમ છે કારણ કે તેમના ટેરિફ યુદ્ધને કારણે સમગ્ર વિશ્વમાં આર્થિક મંદી અને ઉંચા ફુગાવાનો દર વધી ગયો છે.
આજની આ જાહેરાતે બ્રિટનના વડાપ્રધાન કીર સ્ટારમરને રાજકીય વિજય અપાવ્યો છે અને ટ્રમ્પના એ દાવાને કેટલીક હદ સુધી સમર્થન આપ્યું છે કે વેપાર પર તેમના અશાંત દૃષ્ટિકોણથી વૈશ્વિક અર્થતંત્રને તેમની પસંદગીવાળી શરતો પર પુનઃસંતુલિત કરવામાં આવી શકે છે.
અમેરિકાના પ્રમુખે ઓવલ ઓફિસમાં પત્રકારો સાથેની વાતચીતમાં આ સમજૂતીની વિગતો આપી હતી. જો કે હજુ આ સમજૂતીને અંતિમ સ્વરૂપ આપવાનું બાકી છે. ટ્રમ્પે પત્રકારોને જણાવ્યું હતું કે અંતિમ વિગતો લખવામાં આવી રહી છે. આગામી દિવસોમાં આ અંગેની વિગતવાર માહિતી આપવામાં આવશે.
ટ્રમ્પે વધુમાં જણાવ્યું હતું કે આ સમજૂતીથી બ્રિટનને વધુ પ્રમાણમાં ગોમાંસ અને ઇથેનોલની નિકાસ કરી શકાશે. જેના કારણે કસ્ટમ્સના માધ્યમથી અમેરિકાની વસ્તુઓની નિકાસની પ્રક્રિયા વધુ સુવ્યવસ્થિત બનાવી શકાશે.
કોમર્સ સેક્રેટરી હોવાર્ડ લુટનિકે જણાવ્યું હતું કે બેઝલાઈન 10 ટકા ટેરિફ યથાવત રહેશે. બ્રિટનના અધિકારીઓના જણાવ્યા અનુસાર 1,00,000 વાહનાના ક્વોટા પર ટેરિફ 27.5 ટકાથી ઘટી 10 ટકા થઈ જશે. જ્યારે સ્ટીલ અને એલ્યુમિનિયમની આયાત ડયુટી 25 ટકાથી ઘટી શૂન્ય થઈ જશે.