Home / Business : Retail investors suffer losses in the stock market

શેરબજારમાં રિટેલ રોકાણકારો બન્યા નુકસાનીનો ભોગ,રૂ.1.06 લાખ કરોડ ગુમાવ્યા

શેરબજારમાં રિટેલ રોકાણકારો બન્યા નુકસાનીનો ભોગ,રૂ.1.06 લાખ કરોડ ગુમાવ્યા

શેરબજારની અફરાતફરીનો ભોગ મોટાભાગે નાના અને રિટેલ રોકાણકારો જ બનતા હોય છે. ગત નાણાકીય વર્ષમાં ઈક્વિટી એફએન્ડઓ સેગમેન્ટમાં રિટેલ રોકાણકારોએ આશરે રૂ. 1.06 લાખ કરોડ ગુમાવ્યા છે. જે અગાઉના 2023-24ના વર્ષમાં થયેલા રૂ. 74812 કરોડની તુલનાએ 41 ટકા વૃદ્ધિ દર્શાવે છે. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

દર 10માંથી નવ રોકાણકારોએ મૂડી ગુમાવી

શેરબજારમાં રિટેલ રોકાણકારોની ખોટ નાણાકીય વર્ષ 2024-25ના ત્રણેય ત્રિમાસિકમાં સતત વધી છે. એક અભ્યાસ અનુસાર, છેલ્લા બે નાણાકીય વર્ષમાં લોસ મેકિંગ રિટેલ રોકાણકારોની ટકાવારીમાં કોઈ ફેરફાર થયો નથી. તે 91 ટકા પર સ્થિર રહ્યો છે. અર્થાત્ દર 10માંથી નવ રિટેલ રોકાણકારો એફએન્ડઓ સેગમેન્ટમાં મૂડી ગુમાવે છે. એફએન્ડઓ ટ્રેડિંગ નિયમોમાં ફેરફાર કર્યા હોવા છતાં રોકાણકારોને થતાં નુકસાનમાં કોઈ ઘટાડો જોવા મળ્યો નથી.

આ રિપોર્ટ અમેરિકા સ્થિત અલ્ગો ટ્રેડિંગ કંપની જેન સ્ટ્રીટ વિરુદ્ધ સેબીના આદેશ બાદ જાહેર કરવામાં આવ્યો છે. જેન સ્ટ્રીટે ભારતીય શેરબજારમાંથી 26 મહિનામાં કુલ 36700 કરોડની કમાણી કરી હતી. જેમાંથી રૂ. 4850 કરોડનો નફો ગેરરીતિ આચરી મેળવ્યો હોવાનો ખુલાસો સેબીએ કર્યો હતો.

એફએન્ડઓ સેગમેન્ટના નિયમો કડક છતાં...

સેબીએ એફએન્ડઓ સેગમેન્ટમાં નાના અને રિટેલ રોકાણકારોને થઈ રહેલા નુકસાનને ધ્યાનમાં લેતાં નિયમોમાં અનેક ફેરફાર કર્યા છે. તાજેતરમાં જ એફએન્ડઓ સેગમેન્ટમાં ટ્રેડિંગ માટેના નિયમો કડક કર્યા હતાં. જેના લીધે ઈક્વિટી એફએન્ડઓ સેગમેન્ટમાં વ્યક્તિગત ટ્રેડર્સની સંખ્યા નાણાકીય વર્ષ 2024-25ના પ્રથમ ત્રિમાસિકમાં 61.4 લાખથી ઘટી ચોથા ત્રિમાસિકમાં 42.7 લાખ થઈ હતી.. રોકાણકારોની સંખ્યા તો ઘટી છે, પરંતુ નુકસાનનું પ્રમાણ ઘટ્યું નથી. સેબીએ 20 નવેમ્બર, 2024ના રોજ નિયમોમાં ફેરફાર લાગુ કર્યા હતા.


Icon