
Sensex today: વૈશ્વિક બજારોમાં સકારાત્મક વલણ હોવા છતાં, ભારતીય શેરબજારો બુધવારે (28 મે) સતત બીજા ટ્રેડિંગ સત્રમાં લાલ નિશાનમાં બંધ થયા. વધઘટ થતા વેપારમાં, બજાર મોટાભાગે લાલ નિશાનમાં જ જોવા મળ્યું હતું. ઈન્ડેક્સના દિગ્ગજ શેર આઇટીસી અને રિલાયન્સના શેરમાં ઘટાડાને કારણે બજાર નીચે તરફ ધકેલાઇ ગયું હતું. વ્યાપક બજારમાં, નિફ્ટી મિડ-કેપ 100 0.02 ટકાના નજીવા ઘટાડા સાથે બંધ થયો. જ્યારે બીજી તરફ, નિફ્ટી સ્મોલકેપ 100 0.33 ટકાના વધારા સાથે બંધ થયો હતો.
30 શેરોવાળો બીએસઈ સેન્સેક્સ આજે 100 પોઈન્ટથી વધુ ઘટીને 81,457 પર ખુલ્યો. ટ્રેડિંગ દરમિયાન, તે 81,613 પોઈન્ટની ઊંચી સપાટી અને 81,244 પોઈન્ટની નીચી સપાટીએ પહોંચ્યો હતો. તે અંતે 239.31 પોઈન્ટ અથવા 0.29% ઘટીને 81,312.32 પર બંધ થયો.
તેવી જ રીતે, નેશનલ સ્ટોક એક્સચેન્જ નો નિફ્ટી-50 પણ આજે લગભગ ફ્લેટ 24,832.50 પર ખુલ્યો. ટ્રેડિંગ દરમિયાન તે 24,737.05 પોઈન્ટ પર ગબડી ગયો હતો. તે અંતે ૭૩.૭૫ પોઈન્ટ અથવા ૦.૩૦% ઘટીને ૨૪,૭૫૨.૪૫ પર બંધ થયો હતો. મંગળવારે શરૂઆતમાં, બજાર ઊંચા વધઘટ વચ્ચે ઘટાડે બંધ થયું હતું. બીએસઈ સેન્સેક્સ 624.82 પોઈન્ટ અથવા 0.76 ટકા ઘટીને 81,551.6 પર બંધ થયો હતો, જ્યારે નિફ્ટી 50 174.95 પોઈન્ટ અથવા 0.7 ટકા ઘટીને 24,826.2 પર બંધ થયો હતો.
ઉપરાંત, બીએસઇ મિડકેપ ઈન્ડેક્સ પણ 0.22 ટકાના ઘટાડા સાથે બંધ થયો, જ્યારે સ્મોલકેપ ઈન્ડેક્સમાં નજીવો વધારો જોવા મળ્યો અને તે 0.50 ટકાના વધારા સાથે બંધ થયો.આ સમયગાળા દરમિયાન, બીએસઇ પર લિસ્ટેડ બધી કંપનીઓનું માર્કેટ કેપ રૂ. 75,151 કરોડથી ઘટીને રૂ. 443.71 લાખ કરોડ થયું.
ટોપ ગેનર્સ અને ટોપ લૂઝર્સ
એચડીએફસી શેર નિફ્ટી 50ના ટોપ ગેઈનર્સની યાદીમાં ટોચ પર હતો, જેમાં ૧.૭૬ ટકાનો વધારો જોવા મળ્યો હતો. આ પછી, ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડમાં 1.32 ટકા, બજાજ ફાઇનાન્સમાં 1.06 ટકા, ભારતી એરટેલમાં 0.67 ટકા, હીરો મોટોકોર્પમાં 0.56 ટકાનો વધારો જોવા મળ્યો. જો આપણે નિફ્ટી ૫૦ ના ટોચના ઘટાડા પર નજર કરીએ તો, આઇ ટીસી ટોચ પર હતો, જેમાં ૩.૧૬ ટકાનો ઘટાડો જોવા મળ્યો. આ પછી, ઇન્ડસઇન્ડ બેંક 1.9 ટકા, નેસ્લે ઇન્ડિયા 1.71 ટકા, એપોલો હોસ્પિટલ્સ 1.66 ટકા અને અલ્ટ્રાટેક સિમેન્ટ્સ 1.61 ટકા ઘટ્યા હતાં.
સેક્ટોરલ ઈન્ડેક્સ
ક્ષેત્રીય ઈન્ડેક્સમાં, નિફ્ટી મીડિયા સૌથી વધુ વધ્યો હતો, જેમાં 1.04 ટકાનો વધારો જોવા મળ્યો હતો. આ પછી, નિફ્ટી પીએસયુ બેંકમાં 0.97 ટકા, નિફ્ટી ઇન્ડિયા ડિફેન્સમાં 0.91 ટકા, નિફ્ટી બેંકમાં 0.12 ટકાનો વધારો જોવા મળ્યો. ક્ષેત્રીય સૂચકાંકોમાં, નિફ્ટી એફએમસીજીમાં સૌથી વધુ ઘટાડો થયો હતો, જેમાં 1.49 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. આ પછી, નિફ્ટી ઓટો 0.68 ટકા અને નિફ્ટી ફાર્મા 0.61 ટકા ઘટ્યા હતાં.
એલઆઇસીના શેર 8% વધ્યા
બુધવારે સરકારી વીમા કંપની લાઇફ ઇન્શ્યોરન્સ કોર્પોરેશન (એલઆઇસી)ના શેર લગભગ 8 ટકા વધીને બંધ થયા. કંપનીના શેરમાં આ વધારો માર્ચ ક્વાર્ટરના સારા પરિણામોને કારણે થયો છે. નાણાકીય વર્ષ-2025ના ચોથા ક્વાર્ટરમાં એલઆઇસીનો ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે 38 ટકા વધીને રૂ. 19,012 કરોડ થયો. ખર્ચમાં ઘટાડાથી કંપનીને નફામાં મજબૂત વૃદ્ધિ નોંધાવવામાં મદદ મળી.
આઇટીસીના શેર 4% ઘટ્યા
ટોચના શેરધારક બ્રિટિશ અમેરિકન ટોબેકોએ તેના પાછલા બંધ ભાવ કરતાં 4.8% ડિસ્કાઉન્ટ પર 1.5 અબજ ડોલરનો 2.5% હિસ્સો વેચ્યા પછી, નિફ્ટી 50 પર છઠ્ઠા ક્રમનો સૌથી મોટો શેર, આઇટીસી , 3.2% ઘટ્યો. આ ઘટાડાને કારણે નિફ્ટી એફએમસીજી ઈન્ડેક્સ 1.5% નીચે ગયો. યુએસ કન્ઝ્યુમર કોન્ફિડન્સ ડેટામાં આશ્ચર્યજનક ઉછાળા પછી ડોલર મજબૂત થવાને કારણે મેટલ ઈન્ડેક્સ 0.6% ઘટ્યો.
વૈશ્વિક બજારોમાંથી શું સંકેતો મળી રહ્યા છે?
એશિયન બજારોમાં તેજી જોવા મળી. આ ઉછાળો વોલ સ્ટ્રીટ પરના ફાયદાને કારણે આવ્યો. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઇયુ આયાત પર 50 ટકા ટેરિફની સમયમર્યાદા 9 જુલાઈ સુધી લંબાવી દીધા પછી રોકાણકારોના સેન્ટિમેન્ટમાં સુધારો થયો છે. નિક્કીમાં 0.69 ટકાનો વધારો થયો હતો. જ્યારે બ્રોડર ઈન્ડેક્સમાં 0.47 ટકનો વધારો નોંધાયો હતો. કોસ્પીમાં 1.42 ટકાની વૃદ્ધિ થઇ હતી. અને એએસએક્સ 200માં 0.4 ટકકાનો વધારો નોંધાયો હતો.
યુએસ શેરબજારમાં તેજી
અમેરિકામાં ત્રણેય મુખ્ય સૂચકાંકો રાતોરાત ઊંચા બંધ થયા. ડાઉજોન્સ 1.78 ટકા વધ્યો. S&P 500 2.05 ટકા વધ્યો અને નાસ્ડેક કોમ્પોઝિટ 2.47 ટકા વધ્યો. ઉપરાંત, ટેસ્લા જેવા ટેકનોલોજી શેરોમાં પણ મજબૂત તેજી જોવા મળી. આ તેજીએ ડાઉ અને S&P 500 માટે ચાર દિવસની ઘટાડાનો સિલસિલો તોડી નાખ્યો.
મંગળવારે એફઆઇઆઇ એ રૂ. 348.45 કરોડના શેર ખરીદ્યા
સંસ્થાકીય પ્રવૃત્તિના મોરચે, વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઇઆઇ) એ રૂ. 348.45 કરોડના શેર ખરીદ્યા. તેવી જ રીતે, સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (ડીઆઇઆઇ) એ 27 મેના રોજ રૂ. 10,104.66 કરોડના શેર ખરીદ્યા હતા.