
ગુજરાતના રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ મહત્વપૂર્ણ જાહેરાત કરતા જણાવ્યું કે ગુજરાત સરકારના કાયદા અનુસાર જે કોઈ વ્યક્તિ ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાઈ હોય, તેના બંદૂકના લાઈસન્સ રદ કરવામાં આવશે. આ અંતર્ગત પોલીસ વિભાગે હવે પગલાં લેવાનું શરૂ કર્યું છે અને પ્રથમ પગલું તરીકે ગાંધીધામ પોલીસ દ્વારા એક કેસ દાખલ કરવામાં આવ્યો છે. હર્ષ સંઘવીએ વધુમાં જણાવ્યું કે વ્યાજખોરી જેવા ગંભીર ગુનામાં સંડોવાયેલા આરોપીઓ સામે કડક પગલાં લેવામાં આવી રહ્યા છે. આવા આરોપીઓએ પોતાના કૌભાંડમાંથી કમાવેલી રકમથી ખરીદેલી મિલ્કતો પણ હવે જપ્ત કરવામાં આવી રહી છે. આ પગલાં રાજયમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુધારવા માટે લીધા ગયા છે.
ભારતીય સેનાની પ્રશંસનીય કામગીરી
ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ દેશની સેનાની તત્પરતા અને બહાદૂરી અંગે પણ જણાવ્યું. તેમણે કહ્યું કે આપણા દેશના નિર્દોષ નાગરિકો પર હુમલો કરનારા આતંકવાદીઓના ઠેકાણાઓ ભારતીય સેનાએ ખંડેરમાં ફેરવી દીધા છે. ભારતીય વાયુસેનાએ માત્ર એક જ રાતમાં આ મહામૂલ્યાં કાર્યવાહી કરી હતી.વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા છેલ્લા દાયકામાં સેનાને આધુનિક સાધનો અને ટેક્નોલોજીથી સજ્જ કરાતા હવે ભારતીય સેના પાકિસ્તાનના દરેક ડ્રોનને પણ સફળતાપૂર્વક નષ્ટ કરી રહી છે. હર્ષ સંઘવીએ દેશના નાગરિકોને વિનંતી કરી કે તેઓ મંદિરમાં ઈશ્વરની પ્રાર્થના કરે ત્યારે દેશના જવાનોની સલામતી માટે પણ પ્રાર્થના કરે.
ડુમસ કેનાલ રોડ પર 21.28 કરોડના વિકાસના કામો
સુરત શહેરમાં વિકાસની દિશામાં વધુ એક પગલું ભરાયું છે. ડુમસ કેનાલ રોડ પર કુલ 21.28 કરોડના ખર્ચે પૂર્ણ થયેલા વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ ચોર્યાસી વિધાનસભાના ધારાસભ્ય સંદીપભાઈ દેસાઈની અધ્યક્ષતામાં યોજાયો હતો. કાર્યક્રમમાં સુરતના મેયર દક્ષેશ માવાણી, સ્થાનિક કોર્પોરેટર તેમજ ભાજપના અનેક કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. હર્ષ સંઘવીએ વિકાસ કાર્યો માટે સરકારના પ્રતિબદ્ધતાની પુષ્ટિ આપી અને શહેરના વધુ વિકાસ માટે સતત પ્રયાસ કરાશે તેમ જણાવ્યું.