આ વર્ષે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ફક્ત એક જ ભારતીય ફીચર ફિલ્મ 'હોમબાઉન્ડ' (Homebound) નું પ્રીમિયર થયું. નીરજ ઘાયવાનની ફિલ્મ 'હોમબાઉન્ડ' (Homebound) નું પ્રીમિયર Un Certain Regardમાં થયું હતું. આ ફિલ્મને ત્યાં 9 મિનિટ માટે સ્ટેન્ડિંગ ઓવેશન મળ્યું હતું. હવે આ ફિલ્મની ચર્ચા દરેક જગ્યાએ થઈ રહી છે.
કાન્સમાં 'હોમબાઉન્ડ' ને મળ્યું સ્ટેન્ડિંગ ઓવેશન
ફિલ્મને મળેલા સ્ટેન્ડિંગ ઓવેશનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં કરણ જોહર ઈમોશનલ થતો જોવા મળ્યો હતો. કરણ જોહરે આ ફિલ્મ પ્રોડ્યુસ કરી છે. આ ફિલ્મમાં જાહ્નવી કપૂર, ઈશાન ખટ્ટર અને વિશાલ જેઠવા છે. ફિલ્મના ત્રણેય સ્ટાર્સ પણ પ્રીમિયરમાં જોવા મળ્યા હતા. જાહ્નવી કપૂરના પિતા બોની કપૂર અને બહેન ખુશી કપૂર પણ ત્યાં હાજર હતા.
'હોમબાઉન્ડ' (Homebound) ની સ્ક્રિપ્ટ નીરજ અને સુમિત રોય દ્વારા લખવામાં આવી છે. કરણ જોહર, આદર પૂનાવાલા, અપૂર્વ મહેતા અને સોમેન મિશ્રા ફિલ્મના પ્રોડ્યુસર છે. ઓસ્કાર એવોર્ડ વિજેતા દિગ્દર્શક માર્ટિન સ્કોર્સી આ ફિલ્મના એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર છે.
'હોમબાઉન્ડ' ફિલ્મ શેના વિશે છે?
'મસાન' ફેમ ડિરેક્ટર નીરજ ઘાયવાને 'હોમબાઉન્ડ' (Homebound) ફિલ્મ બનાવી છે જે બે છોકરાઓની મિત્રતા દર્શાવે છે. ફિલ્મમાં ઈશાન ખટ્ટર 'મોહમ્મદ શોએબ અલી' ની ભૂમિકા ભજવી રહ્યો છે જ્યારે વિશાલ જેઠવા 'ચંદન કુમાર' ની ભૂમિકામાં જોવા મળશે. બંનેનું સ્વપ્ન છે કે તેઓ પોલીસ કોન્સ્ટેબલની નોકરી મેળવે જેથી તેમને ક્યારેય ન મળેલું સન્માન મળી શકે. આ દરમિયાન, 'ચંદન' 'સુધા ભારતી' એટલે કે જાહ્નવી કપૂરને મળે છે જે તેને અભ્યાસ કરવાનું કહે છે. બીજી બાજુ, 'મોહમ્મદ શોએબ અલી' નાણાકીય સમસ્યાઓનો સામનો કરી રહ્યો છે.
જાહ્નવીએ કાન્સમાં ડેબ્યુ કર્યું
કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં સ્ટાર્સ પોતાની ફેશનનું પણ પ્રદર્શન કરી રહ્યા છે. અભિનેત્રી જાહ્નવી કપૂરે પણ કાન્સમાં ડેબ્યુ કર્યું હતું. જાહ્નવીના કાન્સના લુકની વાત કરીએ તો તે પિંક કલરના આઉટફિટમાં જોવા મળી હતી. તેના માથા પર સ્કાર્ફ હતો. તેણે ટાઈટ બન અને પર્લ જ્વેલરીથી લુક કમ્પ્લીટ કર્યો હતો. જાહ્નવી કપૂરના હાથમાં કાળો દોરો બાંધેલો હતો. આ સિવાય જાહ્નવી કપૂરનો બીજો લુક સામે આવ્યો હતો. આમાં તે ગ્રીન કલરના બેકલેસ ગાઉનમાં જોવા મળી હતી. જાહ્નવીનો આ લુક પણ લોકોને ખૂબ જ પસંદ આવ્યો હતો.