
અમદાવાદ અને રાજકોટમાં દબાણ હટાવની કામગીરી ફરી શરૂ થવા જઈ રહી છે. જેમાં અમદાવાદના પૂર્વમાં આવેલા ચંડોળા તળાવમાં આગામી 20મી મેના રોજ બીજા તબક્કાની ડિમોલિશનની કામગીરી શરૂ કરવામાં આવશે. જેથી ચંડોળા તળાવ અને આસપાસમાં દબાણ કરી રહેતા લોકોને ઘર ખાલી કરવાની એએમસી તંત્રએ સૂચના આપી છે. જેના પગલે બાંગ્લાદેશીઓ સિવાય તમામને મકાન આપવાની જાહેરાત કરવામાં આવી છે. આ માટે મકાનો માટે ત્રણ હજાર ફોર્મનું વિતરણ થયું છે. ફોર્મ ભરીને જરૂરી પુરાવા સાથે પરત કરવા તંત્રએ જણાવ્યું છે.
રાજકોટમાં વધુ એક ગુનાહિત ઈતિહાસ ધરાવનાર શખ્સના ઘર પર તંત્રએ બુલડોઝર ફેરવી દીધું છે. રાજકોટ શહેરમાં પોપટપરા શેરી નં-14માં આવેલા અજય માનસિંગ પરસોંડાના ઘર પર રાજકોટ મનપાનો હથોડો વીંઝાયો હતો. અજય પરસોંડાએ પોતાનું ઘર સરકારી જમીન પર ગેરકાયદે રીતે બનાવ્યું હોવાનું સામે આવ્યું હતું. અજય પરસોડા સામે વાહનચોરી, મારામારી, અપહરણ, ચીલઝડપ, રાયોટિંગ સહિતના ગુનાઓ નોંધાયેલા છે. જેથી માથાભારે અજય પરસોંડાના ઘરમાં બુલડોઝર ફર્યું હતું. આ અસમાજિક તત્વ સામે રાજકોટ, મોરબી, જામનગરના જુદાજુદા પોલીસ સ્ટેશનમાં 15 ફરિયાદ નોંધાઈ ચુકી છે.