
સુરતમાં અપરાધ અને ઘૂસણખોરી જેવા મુદ્દાઓ સામે રાજ્ય ગૃહ મંત્રીના આદેશ બાદ સુરક્ષા એજન્સીઓ સક્રિય બની છે. હાલ સુરત શહેરના વિવિધ વિસ્તારોમાં ચાલી રહેલા ચેકિંગ અભિયાન પછી હવે સુરત રેલવે સ્ટેશન પર પણ રેલવે પોલીસ દ્વારા અચાનક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. રેલવે પોલીસ સ્ટેશનના પીઆઈ અને તેમની ટીમે રેલવે સ્ટેશન પર મુસાફરોના ઓળખપત્રોની તથા બેગોની વિગતવાર તપાસ શરૂ કરી છે. કોઈપણ શંકાસ્પદ વ્યક્તિ, ખાસ કરીને બાંગ્લાદેશી ઘૂસણખોરોને શોધી કાઢવાના ઉદ્દેશ સાથે આ અભિયાન અમલમાં મુકાયું છે.
પૂછપરછ કરાઈ
પોલીસના એક સૂત્રએ જણાવ્યું કે, કેટલાક દિવસોથી સુરત શહેરમાં વિદેશી નાગરિકોની ગેરકાયદે પ્રવેશની આશંકા વધી રહી હતી. જેને પગલે ગૃહ મંત્રાલયે તમામ મોટા ટ્રાંઝિટ પોઈન્ટ્સ પર ચેકિંગ વધારવાની સૂચના આપી છે. સુરત રેલવે સ્ટેશન પર પ્રવાસીઓના ડોક્યુમેન્ટ્સ ચેક કરીને તેમને પૂછપરછ માટે અટકાવવામાં આવી રહ્યા છે. આ ચેકિંગ અભિયાન દરમિયાન હજુ સુધી કોઈ બાંગ્લાદેશી નાગરિક મળ્યા હોવાની માહિતી મળી નથી, પરંતુ પોલીસ દ્વારા કહેવામાં આવ્યું છે કે આવા અભિયાનો આગળ પણ ચાલુ રહેશે.
નાગરિકોને અપીલ
સ્થાનિક નાગરિકોને પણ અપીલ કરવામાં આવી છે કે તેઓ કોઈ શંકાસ્પદ વ્યક્તિ અંગે પોલીસને તાત્કાલિક જાણ કરે અને પોતાની ઓળખ સાથે સંપૂર્ણ સહયોગ આપે.આ પ્રકારની ચુસ્ત કાર્યવાહીથી શહેરમાં સુરક્ષાનું માહોલ વધુ મજબૂત થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.