
હિટમેન રોહિત શર્માના ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ બાદ ભારતીય ટીમમાં ઉથલપાથલ છે. BCCI અને ભારતીય ટીમના સિલેક્ટર્સ આગામી ટેસ્ટ કેપ્ટન પસંદ કરવા માટે મથામણ કરી રહ્યા છે. આ દરમિયાન એવા અહેવાલો પણ આવ્યા કે હવે વિરાટ કોહલી પણ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવા માંગે છે. એક અહેવાલ મુજબ, વિરાટ કોહલીએ BCCI સમક્ષ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાનો ઈચ્છા વ્યક્ત કરી છે.
શું શુભમન ગિલ ફરીથી ઓપનિંગ પોઝિશન પર જશે?
રોહિત શર્માની નિવૃત્તિ બાદ હવે ભારતીય ટેસ્ટ ટીમમાં ઓપનરની જગ્યા ખાલી છે. આવી સ્થિતિમાં, શુભમન ગિલ પાસે ટેસ્ટ ક્રિકેટમાં નંબર-3 પરથી ફરીથી ઓપનર બનવાની સંપૂર્ણ તક છે. શુભમન ગિલે પોતાની ટેસ્ટ કારકિર્દીની શરૂઆત ઓપનર તરીકે કરી હતી અને રોહિત શર્મા સાથે ઈનિંગની શરૂઆત કરતો હતો. જોકે, જ્યારે પસંદગીકારોએ ચેતેશ્વર પૂજારાને ભારતીય ટેસ્ટ ટીમમાંથી બહાર કરી દીધો, ત્યારે શુભમન ગિલને નંબર-3 બેટિંગ પોઝિશન પર ફિક્સ કરવામાં આવ્યો હતો.
ચેતેશ્વર પૂજારા માટે ટેસ્ટ ટીમના દરવાજા ખુલી શકે છે
રોહિત શર્માની નિવૃત્તિ પછી, શુભમન ગિલ ભારતીય ટેસ્ટ કેપ્ટન બનવાની રેસમાં આગળ છે. જો તે કેપ્ટન બનશે, તો તેને કયા નંબર પર બેટિંગ કરવી તે નક્કી કરવાની સ્વતંત્રતા હશે. જો શુભમન ગિલ ઓપનિંગમાં પાછો ફરે છે, તો નંબર-3 બેટિંગ પોઝિશન ખાલી થઈ જશે. આવી સ્થિતિમાં ચેતેશ્વર પૂજારા માટે ભારતીય ટેસ્ટ ટીમમાં પાછા ફરવાની તક રહેશે. ચેતેશ્વર પૂજારા એક દાયકાથી વધુ સમયથી ભારતીય ટેસ્ટ ટીમનો અભિન્ન ભાગ રહ્યો છે.