છોટાઉદેપુરના નસવાડી તાલુકાના ચુનાખાણ ગામે લો લેવલનો કોઝ વે તૂટી જતા ત્રણ વર્ષથી ગ્રામજનો હેરાન પરેશાન થયા છે. પ્રાથમિક શાળાના શિક્ષકો સહિત 30 જેટલા બાળકોને દરરોજ લેવા અને મૂકવા માટે જાય છે. કોઝ વેની એક દિવાલ ઉપરથી બાળકો પ્રાથમિક શાળાએ આવે છે. લોકો ત્રણ વર્ષથી કોઝ વે બનાવવા માટે રજૂઆત કરે છે.
મુશ્કેલીમાં વધારો
નસવાડીથી બે કિલોમીટર દૂર ચુનાખાણ ગામ આવેલું છે. 400 કેટલા લોકોની વસ્તી ધરાવતું ગામ છે. ગામમાં પ્રવેશવાના માર્ગ ઉપર એક કોતર ઉપર લો લેવલનો કોઝ વે તૂટીને ભાંગીને ભૂક્કો થઈ ગયો છે. એક જ દિવાલ સાઇડની ઊભી છે. તે દિવાલ લોકોને પગપાળા અવરજવર માટે ઉપયોગી બની છે. ગામમાં 108 એમ્બ્યુલન્સ આવતી નથી. કોઈ બીમાર પડે ત્યારે ખાટલામાં નાખીને રોડ ઉપર લાવવામાં આવે છે. સૌથી વધારે મુશ્કેલી પ્રાથમિક શાળા અને આંગણવાડીના બાળકોને છે. શાળા અને આંગણવાડી ગામના બીજા છેડા ઉપર છે. વચ્ચે કોતર છે.
કલાકનો સમય વ્યય થાય છે
આંગણવાડી અને પ્રાથમિક શાળાના બાળકોને દરરોજ એક કોક્રિંટની દિવાલ ઉપરથી શાળાએ જવા અને આવવા માટે રસ્તો છે. શિક્ષક બાળકોની ચિંતા કરીને આ દિવાલ ઉપરથી બાળકો પસાર થાય અને કોઝ વેમાં ન પડે તેના માટે દરરોજ બાળકોને લેવા અને મૂકવા માટે એક કલાકનો સમય બગડે છે. ત્રણ વર્ષથી ગ્રામજનો દરેક ચૂંટાયેલી પાંખના નેતાઓને રજૂઆત કરી ચૂક્યા છે. પરંતુ નેતાઓ પ્રજાની રજૂઆત સાંભળતા નથી. હાલ તો લોકો મુશ્કેલીમાં છે.