છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના માંકણી જિલ્લા પંચાયત બેઠકના ભાજપ પાર્ટીના બેનર ઉપર ચૂંટાયેલા જિલ્લા પંચાયત સદસ્યના પતિની સસ્તા અનાજની દુકાનમાંથી રાત્રિના સમયે અનાજ સગેવગે કરાતું હતું. ગ્રામજનોએ વીડિયો બનાવી મમતદારને જાણ કરી હતી. જેથી મામલતદારે રાત્રિના સમયે દુકાન સીલ કરી હતી.
ગ્રામજનોનો આક્ષેપ
ગ્રામજનોનો આક્ષેપ છે કે, જિલ્લા પંચાયત સદસ્યના પતિ હસમુખભાઈ છોટાભાઈ બારિયાના નામની સસ્તા અનાજની દુકાન બોડેલી તાલુકાના બાંગાપુરા ગામે ચાલે છે. લોકોને અનાજ ઓછું આપવામાં આવે છે. અનાજની કુપન આપવામાં આવતી નથી. રાજકીય વગ ધરાવતા સસ્તા અનાજ સંચાલક અનાજ ઓછું આપીને રેશનકાર્ડ ગ્રાહકોને છેતરે છે. બુધવારના રોજ રાત્રિના સમયે 10 વાગ્યાની આજુબાજુ દુકાન સંચાલક દુકાનમાંથી અનાજનો જથ્થો ટ્રેક્ટરમાં ભરતો હતો. જેની જાણ ગ્રામજનોને થતા લોકો સ્થળ ઉપર દુકાને પહોંચીને તેના વીડિયો બનાવી દીધા હતા.
પરવાનો રદ્દ થાય તેવી માગ
લોકો આવી જતા ટ્રેક્ટરમાંથી અનાજ પરત દુકાનમાં નાખી દીધું હતું. ગ્રામજનોએ મામલતદારને જાણ કરતા મોડી રાત્રે સસ્તા અનાજની દુકાને અધિકારીઓની ટીમ દુકાને પહોંચી અને સસ્તા અનાજની દુકાનને સીલ મારી દીધું હતું. જ્યારે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ગુરુવારના રોજ અધિકારીઓની ટીમ ગ્રામજનોની હાજરીમાં દુકાનનું સીલ ખોલવાની કાર્યવાહી કરી હતી. મામલતદારના જણાવ્યા મુજબ દુકાનની તપાસ હાથ ધરવામાં આવશે. અનાજ ક્યાં લઈ જવાતું હતું તેની પણ તપાસ કરવામાં આવશે. ગ્રામજનો સસ્તા અનાજ સંચાલક સામે મોરચો માંડતા ખળભળાટ મચી ગયો છે. ભાજપની ઓથમાં સસ્તા અનાજ સંચાલક અનાજ સગેવગે કરીને ગરીબ રેશનકાર્ડ ગ્રાહકોને છેતરતો હતો. હાલ તો ગ્રામજનો સસ્તા અનાજ સંચાલકનો પરવાનો રદ્દ થાય તેવી માંગ કરી રહ્યાં છે.