
- 'માત્ર નફાને કેન્દ્રમાં રાખી બનતી ફિલ્મોને કારણે ઇનોવેટિવ સ્ટોરીટેલર્સ સાવ વિમુખ થઈ ગયા છે. પરિણામે નિર્માતાઓએ હવે સિકવલ્સ અને રિમેક્સ પર જ આધાર રાખવો પડે છે'
- 'દુનિયાની દરેક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ચડતી-પડતીનું ચક્ર ચાલ્યા કરે છે. હોલિવુડમાં પણ નબળી મૂવીઝ બને જ છે'
ફિક્સ-ઓફિસ કલેક્શન્સ સતત ઘટતા જતા હોવાથી બોલિવુડ ટેન્શનમાં છે. થિયેટરોમાં હિન્દી ફિલ્મો ધાર્યો ટાર્ગેટ પૂરો નથી કરી શકતી. અમુકને તો સારા ઓપનિંગના જ વાંધા પડે છે એટલે ફિલ્મમેકર્સ પોતાના પ્રોજેક્ટસ સીધા ઓટીટી પર રિલિઝ કરવાની સ્ટ્રેટજી અપનાવી રહ્યા છે. 'સ્ત્રી' અને 'સ્ત્રી-૨' જેવી સુપર હીટ મૂવીજના પ્રોડયુસર દિનેશ વિજનનો દાખલો તાજો છે. એમની રાજકુમાર રાવ અને વામિકા ગબ્બર સ્ટાર 'ભૂલચુક માફ' સિનેમાઘરોમાં રિલિઝ થવાની હતી, પરંતુ છેલ્લી ઘડીએ વિજને પ્લાન બદલી ફિલ્મ ઓટીટી પર રિલિઝ કરવાની જાહેરાત કરી દીધી એટલે એક્ઝિબિટર્સ ગિન્નાયા અને મામલો હાઇકોર્ટ સુધી પહોંચ્યા બાદ ભૂલચુક માફ થિયેટરોમાં રિલિઝ થઈ. દેખીતી વાત એ છે કે વિજન જેવા ઇન્ડસ્ટ્રીના ટોપના પ્રોડયુસરના છેલ્લી ઘડીએ પ્લાન બદલવાના નિર્ણય પાછળ એમનો નબળા કલેક્શનનો ડર બોલતો હતો.
મૂળ વાત પર પાછા ફરીએ તો ૨૦૨૪માં બોલિવુડની મૂવીઝની બોક્સ ઓફિસ આવકમાં ૧૩ ટકાનો ઘટાડો નોંધાયો છે. ૨૦૨૩માં રૂ.૫૩૮૦ કરોડનું કલેક્શન થયું હતું, જે પછીના વરસે ઘટીને રૂ.૪૬૭૯ પર આવી ગયું. એમાં પણ મોટી આવક હિન્દીમાં ડબ થયેલી સાઉથ ઇન્ડિયન ફિલ્મોના નામે બોલતી હતી. મુંબઈની હિન્દી ફિલ્મોના રકાસનું કારણ શું હોઈ શકે? શું બોલિવુડમાં નવા આઇડિયાઝનો દુકાળ પડયો છે? શું ઓટીટીએ મૂવીજની થિયેટ્રીકલ રિલિઝનો મૃત્યુઘંટ વગાડી દીધો છે?। શા માટે બોલીવૂડે ૧૯૯૦ના દશકની દર ત્રીજી ફિલ્મ રિ-રિલિઝ કરવી પડે છે? હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની વર્તમાન સ્થિતિ વિશે આવા કેટલાક પ્રશ્નો ચર્ચાઈ રહ્યા છે.
મૂળ મુદ્દો ઇન્વેસ્ટમેંટ સામે થતા પ્રોફિટનો છે અને એ એકધારો ઘટતો જાય છે. એ માટે ઘણાં કારણો છે. ઓટીટી દેખીતી રીતે એનું મુખ્ય કારણ ખરું પરંતુ એ સિવાય પણ બીજી બાબતો છે. દાયકાઓથી ઇન્ડસ્ટ્રી પર એકચક્રી શાસન કરતા ટોપના એકટર્સની ફી પ્રોડયુસરો માટે મંદીમાં માથાનો દુખાવો બની ગઈ છે. ઘણીવાર આ સુપરસ્ટાર્સની ફિલ્મો એમની ઊંચી પ્રાઇઝના પ્રમામમાં સાવ મામૂલી બિઝનેસ કરે છે. એમના મેનેજરથી લઈને બોડીગાર્ડસની ફૌજ સુધીના રસાલાનો ખર્ચ પણ પ્રોડયુસરે ઉઠાવવો પડે છે. કરણ જોહર જેવા મોટા મેકરે પણ કંટાળીને એવું કહેવું પડયું હતું કે જેમની ફિલ્મો રૃા.૩.૫ કરોડનો પણ બિઝનેસ નથી કરી શકતી એવા સ્ટાર્સ રૃા.૩૫ કરોડની ફી માંગે છે.
અનુરાગ કશ્યપે તાજેતરમાં એવી જાહેરાત કરી હતી કે ઓરિજિનાલિટીની કમી અને સિસ્ટમના વિષચક્રને કારણે હું બોલીવૂડ છોડી રહ્યો છું. એમની વાતમાં દમ છે. બોલિવુડમાં ઇનોવેશન એટલે કે નવા આઇડિયાઝ અને અખતરાની ઉણપ વર્તાય છે. બીજુ, મુંબઈની ઇન્ડસ્ટ્રીને સાઉથમાંથી કટ્ટર હરિફાઈ નડી રહી છે. આ બધા કારણોમાંથી આપણે અહીં ઓરિજિનાલિટીના અભાવ વિશે ચર્ચા કરીએ. બોલીવૂડમાં આઇડિયાઝ ખૂટી ગયા છે કે કેમ એ વિશે ઇન્ડસ્ટ્રીના અનુભવીઓના મત જાણીએ ...
આનંદ પંડિત
'હું એમ નહીં કહું કે ઇન્ડસ્ટ્રીમાં આઇડિયાઝ અને ઇન્સ્પિરેશન ખૂટી ગયા છે, પરંતુ હા રિ-ઈવેલ્યુશન (પુન:મૂલ્યાંકન) અને અમુક સુધારાની જરૂર ચોક્કસ છે. મેકરનું ફોકસ ફક્ત નફા પર હોય અને એ ઓટીટી સ્ટ્રીમિંગ રાઇટ્સ, સેટેલાઇટ રાઇટ્સ, મ્યુઝિક રાઇટ્સ અને ઓવરસીઝ રાઇટ્સમાંથી વધુમાં વધુ કસ કાઢી લેવા ઇચ્છતો હોય તો ઓરિજિનાલિટી અને ઇન્સ્પિરેશન માટે બહુ ઓછો અવકાશ રહે છે. જો તમારી દર ત્રીજી હિન્દી ફિલ્મ કોરિયન, સ્પેનિશ કે સાઉથ-ઇન્ડિયન મૂવીની રિમેક હોય તો તમે દર્શકોને નવું શું આપવાના હતા?
આજનો દર્શક તો ઇન્ટરનેશનલ અને પ્રાદેશિક ફિલ્મો ઓટીટી પર જોઈ જ ચુક્યો હોય છે. એક બીજી વાત- હિન્દી સિનેમાની મોટામાં મોટી હિટ ફિલ્મો જુઓ તો તમને એની પાછળ એક કન્વિકશન (મજબુત ભરોસો) જોવા મળશે. આજના ઘણા પ્રોજેક્ટ્સમાંથી એ આત્મવિશ્વાસ ગાયબ છે. એક વાત યાદ રાખો કે પ્રેક્ષકો કોવિડ-૧૯ બાદ બહુ જ સિલેકટીવ બની ગયા છે. હવે બહુ જ સ્ટ્રોંગ કોન્ટેન્ટ જ એમને થિયેટરોમાં જવા પ્રેરી શકે છે એટલે એને ક્રાઇસિસ ગણવાને બદલે મોટી તક ગણી ક્રિયેટિવિટીને મહત્ત્વ આપી ઓથેન્ટિક સ્ટોરીઝ પર પાછા ફરો. દર્શકો સ્પષ્ટ શબ્દોમાં પોતાની માગણી મૂકી રહ્યા છે. એ સાંભળીને આપણે થોડા બોલ્ડ અને ક્રિયેટીવ રિસ્ક લેતા થઈશું તો હિન્દી સિનેમા ટકશે જ નહિ, આબાદ પણ થશે.'
સંજય ખાન
'બોલિવુડમાં તાત્પુરતો વિરામ આવ્યો છે, પણ એનો અર્થ એવો નથી કે ઇન્ડસ્ટ્રી પાસે નવા આઇડિયા જ ખૂટી પડયા છે. દુનિયાની દરેક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ચડતી પડતીનું ચક્ર ચાલ્યા કરે છે. હોલિવુડમાં પણ નબળી મૂવીઝ બને જ છે. હાલ, ભારતમાં રિપીટ થયા કરતી થીમ્સ અને આજની સામાજિક - આર્થિક સચ્ચાઈ બયાન કરતી સ્ટોરીઝને કારણે એ મંદીમાં આવી છે. પરંતુ બોલિવુડ પાસે ઘણી ક્રિયેટિવિટી અને ટેલેન્ટ છે એટલે એ ઇનોવેટિવ આઇડિયાઝ અને ફ્રેશ કોન્ટેન્ટના જોરે આ તબક્કામાંથી ચોક્કસ બહાર આવશે અને વધુ સ્ટ્રોંગ બનશે.'
અર્ચના પૂરણ સિંહ
'આપણી ઇન્ડસ્ટ્રી જ નહિ, હોલીવૂડ પણ કોન્ટેન્ટની ક્રાઇસિસનો સામનો કરી રહ્યું છે. કોર્પોરેટ કંપનીઓના કન્ટ્રોલ અને માત્ર નફાને કેન્દ્રમાં રાખી બનતી ફિલ્મોને કારણે ઇનોવેટિવ સ્ટોરીટેલર્સ સાવ વિમુખ થઈ ગયા છે. પરિણામે મેકર્સ હવે સિકવલ્સ અને રિમેક્સ પર જ આધાર રાખવો પડે છે. એમાં યુવા દર્શકોને એકને એક બીબાંઢાળ કોન્ટેન્ટ પીરસાઈ રહી છે. મેકર્સ એ હકીકત ભૂલી ગયા છે કે આજના યંગસ્ટર્સનો ટેસ્ટ ઓટીટી અને યુટયુબ જેવા વિકલ્પો મળવાથી બદલાઈ ગયો છે. ઇન શોર્ટ, હવે અહીંથી પાછા વળવું હોય તો દર્શકોને કશુક નવું અને ઇનોવેટિવ આપ્યા વિના છુટકો નથી.'