
મહારાષ્ટ્ર પ્રદેશ કોંગ્રેસ સમિતિના ભૂતપૂર્વ પ્રમુખ નાના પટોલેએ ઓપરેશન સિંદૂર અંગે વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. આ ઘટનાને વીડિયો ગેમ સાથે સરખાવી છે. તેમણે કેન્દ્રની ભાજપ સરકાર પર પણ કટાક્ષ કર્યો છે. નાના પટોલેએ કહ્યું, "વિદેશ મંત્રીના નિવેદનથી સ્પષ્ટ થઈ ગયું હતું કે, આપણે પાકિસ્તાનમાં કયા સ્થળોને નિશાન બનાવવાના છીએ, પછી તેમણે તે સ્થળોએથી પોતાના લોકોને દૂર કર્યા. આનો અર્થ એ થયો કે, આ તો કમ્પ્યુટર પર બાળકો દ્વારા રમાતી વિડિઓ ગેમ જેવું હતું." ભારતે પાકિસ્તાનને પહેલાથી જ કહી દીધું હતું કે, તેઓ કયા સ્થળો પર હુમલો કરવાના છે.
પટોલેના નિવેદનનો વિરોધ કરતા રાજ્ય ભાજપના વડા અને મહેસૂલમંત્રી ચંદ્રશેખર બાવનકુલેએ કહ્યું, નાના પટોલેએ ઓપરેશન સિંદૂરને કમ્પ્યુટર ગેમ કહીને અપમાનજનક નિવેદન આપીને સાબિત કર્યું છે કે, કોંગ્રેસનો હાથ પાકિસ્તાન સાથે છે.
ભાજપનો વળતો પ્રહાર
ચંદ્રશેખર બાવનકુલેએ કહ્યું, "ભારતના દુશ્મનોના દિલમાં ડર ઊભો કરનાર આ ઓપરેશનનું અપમાન કરવું એ ફક્ત આપણા બહાદુર સૈનિકો જ નહીં પરંતુ તેમના શૌર્યનું, સમગ્ર ભારત દેશનું અપમાન છે. બાવનકુલેએ કોંગ્રેસના નેતા પર નિશાન સાધતા કહ્યું કે, શું આ અસંવેદનશીલ વ્યક્તિ નાના પટોળેને એ પણ ખ્યાલ છે કે તેમના આવા વાહિયાત નિવેદનથી આપણા શહીદોના પરિવારોને કેટલું દુઃખ થશે?
મહારાષ્ટ્ર ભાજપ પ્રમુખે પટોળેના નિવેદન પર સખ્તાઈભરી પ્રતિક્રિયા આપતા કહ્યું, "ઓપરેશન સિંદૂર કોઈ કમ્પ્યુટર ગેમ નથી. તે પાકિસ્તાનના આતંકવાદી ઠેકાણાઓ સામે એક સાહસિક વીરતાપૂર્ણ કાર્યવાહી છે. તે બહાદુરીની સળગતી ગાથા છે, જે દેશદ્રોહીઓના દિલમાં ડર પેદા કરી રહી છે."
ચંદ્રશેખર બાવનકુલેએ કહ્યું, "શું કોંગ્રેસ એવું માને છે કે આપણા દેશના સૈનિકોની હિંમત, આતંકવાદ સામે કરવામાં આવેલી કાર્યવાહી અને ભારત માતાની રક્ષા માટેનો સંઘર્ષ, બધું ફક્ત એક રમત હતી? તમારા નેતા રાહુલ ગાંધી વિદેશમાં પણ ભારતનું અપમાન કરે છે. સર્જિકલ સ્ટ્રાઈકના પુરાવા માંગીને કોંગ્રેસે પહેલેથી જ તેની ઘૃણાસ્પદ માનસિકતા દર્શાવી દીધી છે."
બાવનકુલેએ કોંગ્રેસ પર નિશાન સાધ્યું
ચંદ્રશેખર બાવનકુલેએ કહ્યું, આજે દેશ જાગી ગયો છે અને દેશ જોઈ રહ્યો છે કે આપણા બહાદુર સૈનિકો સાથે કોણ ઉભું છે અને પાકિસ્તાન સાથે કોણ ઉભું છે. ભારત તમારી રાષ્ટ્ર વિરોધી માનસિકતાને ક્યારેય માફ નહીં કરે. તમારું દિલ અને દિમાગ બંને ભ્રષ્ટ થઈ ચૂક્યું છે.