Coroana: કોરોના વાયરસના કેસમાં સતત વધારો અને એક્ટિવ કેસ વધતા હવે એ દિવસો ટૂંક સમયાં દૂર નથી જ્યારે કેસોનો રાફડો ફાટી નીકળશે. છેલ્લા 3 વર્ષ કરતાં વધુ સમયથી ટાંપીને બેઠેલા કાળમુખા કોરોનાએ એકવાર ફરી ઉથલો માર્યો છે. જેમાં ભરૂચ શહેરમાં કોરોનાનો આજે પ્રથમ કેસ નોંધાયો છે. ભરૂચ શહેરના વેજલપુરમાં પરિણીત મહિલામાં કોરોનાના લક્ષણો જોવા મળ્યા બાદ તેને ખાનગી હોસ્પિટલમાં ટેસ્ટ કરાવતા કોરોના પોઝિટિવ આવતા હતી. જેથી મહિલાને તાબડતોબ ભરૂચની સિવિલ હોસ્પિટલમાં વધુ સારવાર માટે ખસેડવામાં આવી હતી. હાલ તો મહિલાને સિવિલના કોવિડ સ્પેશિયલ આઈસોલેશન વોર્ડમાં રાખવામાં આવી છે. કોરોનાનો પ્રથમ કેસ આવતાની સાથે જિલ્લા આરોગ્યની ટીમ સતર્ક થઈ છે.

