
ભરુચના જંબુસરમાં રખડતા ઢોરની સમસ્યા યથાવત રહી છે. જેથી લોકો માટે આ એક મોટો પડકાર બની ગયો છે. શહેરની વિવિધ સોસાયટીઓમાં રખડતા ઢોરથી લોકો હેરાન પરેશાન થઈ ગયા છે. આજે એક ગાયે ત્રણ લોકોને અડફેટે લીધા હતાં. જેથી ત્રણમાંથી એકને પેટના ભાગે ગંભીર ઈજા પહોંચતા હોસ્પિટલ ખસેડવાની નોબત આવી હતી.
મહિલાને પણ ઈજા
ગાયના હુમલામાં આતિયાપાર્ક વિસ્તારમાં એક મહિલા સહિત ત્રણ લોકો ગાયનો ભોગ બન્યા હતા. ઈસ્માઇલ નગરના રહેવાસી તૌફીક આસિફ મલેકને પેટના ભાગે ગંભીર ઈજા થઈ હતી. લાંબી દોડધામ બાદ આખરે આ ગાયને પાંજરે પૂરવામાં સફળતા મળી હતી.
કાર્યવાહીની માગ
ગાયના હુમલાની ઘટનાથી સ્થાનિક રહેવાસીઓમાં ભયનો માહોલ છે. લોકોએ મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે રખડતા ઢોરો સામે કડક પગલાં લેવાની માંગણી કરી છે. શહેરમાં રખડતા ઢોરોની વધતી સંખ્યાને કારણે લોકોની સુરક્ષા જોખમાઈ રહી છે. મનપા તરફથી અસરકારક કાર્યવાહી થાય તેવી લોક માગ વધી રહી છે.