
સી.આર.પાટીલ દિલ્હીમાં મંત્રી બનતા વ્યસ્ત થઇ ગયા બાદ ગુજરાત ભાજપ રણીધણી વગરનું થઇ ગયું હોય તેમ લાગી રહ્યું છે. ગુજરાતમાં યોજાયેલી કડી અને વિસાવદરની પેટા ચૂંટણીમાં ભાજપ કડીની એક બેઠક જીતવામાં સફળ રહ્યું છે જ્યારે વિસાવદરમાં 17 વર્ષથી ચૂંટણી જીતવાનું સ્વપ્ન અધુરૂ રહ્યું છે. વિસાવદરમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાએ 17581 મતે જીત મેળવી હતી. ગુજરાતમાં ભાજપના દિગજ નેતા અને પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ બાદ ત્યાંની જનતા ભાજપને સ્વીકારતી નથી.તે ફરી એક વખત મતદારોએ સાબિત કર્યું.
વિસાવદરમાં ફરી ભાજપને જનતાએ જાકારો આપ્યો
કડી અને વિસાવદર બેઠકના પેટા ચૂંટણીના પરિણામો સામે આવ્યા. જેમાં કડી બેઠક એટલે કે ભાજપનો ગઢ જળવાઈ રહ્યો પરંતુ ફરી એક વખત વિસાવદરની જનતાએ ભાજપને જાકારો આપ્યો છે અને ભાજપે ઉંધા માથે પછડાટ ખાધી છે.
ચૂંટણી જાહેર નહોતી થઈ ત્યારથી AAPના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા વિસાવદરમાં સક્રિય થઈ ગયા હતા. બીજી તરફ પેજ પ્રમુખના ભરોસે અને ઓવર કોન્ફિડન્સમાં રહેલ ભારતીય જનતા પાર્ટીએ જ્યાં સુધી ઉમેદવાર જાહેર ના કર્યા ત્યાં સુધી સક્રિયતા દાખવી ન હતી અને તેના કારણે ખરાબ પરિણામ ભોગવવું પડ્યું. આમ તો બે બેઠક પર પેટા ચૂંટણી હતી પરંતુ સી આર પાટીલે વિસાવદર બેઠક પર પ્રવાસ કર્યો હતો જેમાં આમ આદમી પાર્ટીઓના નેતાઓને આડેહાથ લીધા હતા અને તેના કાર્યકર્તાઓ સાથે બેઠક કરી હતી પરંતુ ગાજ્યા મેઘ વરસ્યા નહોય તેવો ઘાટ સર્જાયો હતો.
2017માં બીજી વખત કોંગ્રેસમાંથી ચૂંટાયેલા હર્ષદ રીબડીયાને પક્ષ પલટો કરાવ્યો અને 2022માં ટિકિટ આપી પરંતુ તેમની હાર થઈ અને તેની સામે આમ આદમી પાર્ટીના ભુપત ભાયાણીની જીત થઈ હતી જેથી ભાજપે તેમને પણ પક્ષ પલટો કરાવ્યો પરંતુ બંનેમાંથી કોઈને ટિકિટ આપી નહતી અને જૂનાગઢના પૂર્વ જિલ્લા પ્રમુખ કિરીટ પટેલની ટિકિટ આપી. કિરીટ પટેલની ગોપાલ ઇટાલિયા સામે પરાજય થયો હતો.
જુનાગઢ જિલ્લામાંથી જ આવતા મૂળ કોંગ્રેસી અને હાલ ભાજપમાં રહેલા જવાહર ચાવડાની નારાજગી પણ આ પરિણામ પાછળ હોવાનું સામે આવી રહ્યું છે. છેલ્લા ઘણા સમયથી જવાહર ચાવડા ભાજપથી નારાજ હતા અને વિવિધ મુદ્દે પક્ષને પત્ર લખી લેટર બોમ્બ ફોડતા હતા.એવામાં આહીર સમાજે પણ આ વખતે ચૂંટણીમાં ભાજપથી અંતર રાખ્યું હતું. આશરે 14 હજાર જેટલા વોટ નું નુકસાન ભાજપને થયું અને ભાજપે હારનો સામનો કરવો પડ્યો.જે રીતે કેશુભાઈ પટેલે ભાજપથી નારાજ થઈ અલગ GPP પાર્ટી બનાવી હતી ત્યારબાદથી સતત વિસાવદરની જનતા ભાજપને જાકારો આપી રહી છે.