IPL 2025 માં લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) તરફથી રમનાર સ્પિનર દિગ્વેશ રાઠી તેના નોટબુક સેલિબ્રેશનને કારણે આખી સિઝન દરમિયાન સમાચારમાં રહ્યો હતો. આ કારણે તેના પર એક મેચ માટે પ્રતિબંધ પણ લગાવવામાં આવ્યો હતો. હવે ફરી એકવાર તે સમાચારમાં છે, આ વખતે તેનું કારણ સ્થાનિક T20 ક્રિકેટ લીગમાં તેની જાદુઈ બોલિંગ છે. તેણે સતત 5 બોલમાં 5 વિકેટ લઈને વિરોધી ટીમને ધ્વસ્ત કરી દીધી હતી.
દિગ્વેશ રાઠીની ગુગલી સામે ન ટકી શક્યા બેટ્સમેનો
આ મેચની 15મી ઓવરમાં, તેણે સતત 5 બોલમાં 5 બેટ્સમેનોને આઉટ કર્યા. તેણે પહેલા ત્રણ બોલ પર રાઈટી બેટ્સમેનોને બોલ્ડ કર્યા, ત્યારબાદ તેણે ચોથા બોલ પર લેફટી બેટ્સમેનને બોલ્ડ કર્યો અને તેણે પાંચમા બોલ પર પણ ગુગલી ફેંકી, જેના પર બેટ્સમેન LBW આઉટ થયો. જોકે, આ મેચ IPL 2025 પહેલાની છે, જેનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. LSG ટીમના માલિક સંજીવ ગોયન્કાએ પણ આ વીડિયો શેર કરીને તેના વખાણ કર્યા છે.
દિલ્હીમાં જન્મેલા 25 વર્ષીય દિગ્વેશ રાઠીને LSG એ તેની બેઝ પ્રાઈસ 30 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. તેણે સિઝનમાં 13 મેચમાં 14 વિકેટ લીધી હતી. તેની ઈકોનોમી 8.25 હતી.
દિગ્વેશ રાઠીનો IPLમાં અભિષેક સાથે ઝઘડો થયો હતો
IPLની 18મી સિઝનમાં દિગ્વેશ પર ઘણી વખત દંડ ફટકારવામાં આવ્યો હતો. સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) સામેની મેચમાં અભિષેક શર્મા સાથે પણ તેનો જોરદાર ઝઘડો થયો હતો. અભિષેકને આઉટ કર્યા પછી તેણે નોટબુક સેલિબ્રેશન કર્યું હતું, ત્યારબાદ બંને વચ્ચે ઝઘડો થયો હતો. આ પછી દિગ્વેશ પર એક મેચ માટે પ્રતિબંધ પણ લાગ્યો હતો.