
Ahmedabad Crime news: અમદાવાદ શહેરમાં આવેલા સરખેજમાં 14 વર્ષની સગીરાનું પાડોશી દંપતીએ અપહરણ કરીને રાજસ્થાન વેચી દીધી હતી. ત્યારબાદ રાજસ્થાનના યુવક સાથે લગ્ન કરાવવાના નામે પાંચ લાખ રૂપિયા પડાવ્યા હતા.સગીરાના ગુમ થવાની જાણ પાલક માતા-પિતાને થતા સરખેજ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જેથી સરખેજ પોલીસે તપાસ કરીને બે મહિલા સહિત ત્રણ આરોપીની ધરપકડ કરીને કેસ સફળતાથી ઉકેલી લીધો છે.
મળતી માહિતી અનુસાર, સરખેજ પોલીસે ઝડપી પાડેલા આરોપી ભરતજી ઉર્ફે ગોવિંદજી ઠાકોર અને તેની પત્ની ભારતી ઠાકોર તેમજ ટીના ઠાકોરની 14 વર્ષની સગીરાનું અપહરણ કરી રાજસ્થાનમાં વેચી દેવાના કેસમાં તમામ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ સમગ્ર ઘટનાની વાત કર્યે તો 29 એપ્રિલ ના રોજ 14 વર્ષની સગીરા ઘરેથી ગુમ થઈ ગઈ હતી. તેના પાલક માતા-પિતાએ શોધખોળ કરી પરતુ તે મળી આવી ન હતી. આ ઉપરાંત પાડોશમાં રહેતા દંપતી ભરત ઠાકોર અને તેની પત્ની ભારતી ઘરેથી ગાયબ હતા. જેથી પાલક માતા પિતાએ તપાસ કરતા આ દંપતી એ સગીરાનું અપહરણ કરીને રાજસ્થાનના યુવક સાથે લગ્ન કરાવીવેચી દીધી હતી. જે મામલે સરખેજ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બનાસકાંઠા નજીક તેને સલામત મુક્ત કરાવી હતી.જયારે સગીરાનું અપહરણ કરનાર દંપતી સહિત 3ની ધરપકડ કરીને સગીરાને લગ્ન માટે વેચવાના રેકેટનો પર્દાફાશ કર્યો છે.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે પકડાયેલ પાડોશી દંપતી મૂળ મહેસાણાના રહેવાસી છે અને આરોપી ટીના ઠાકોર બનાસકાંઠાના ભાભોર જિલ્લાની વતની છે. આ ટોળકી સાથે અન્ય ચાર વોન્ટેડ આરોપીઓની સંડોવણી સામે આવી છે જેમાં બનાસકાંઠાનો વનરાજ રાઠોડ, મેઘરાજ રાઠોડ, હીના રાઠોડ અને રાજસ્થાનના વીરસિંહ રાઠોડ સમાવેશ થાય છે. આ ટોળકી સગીરાનું અપહરણ કરીને લગ્નના બહાને વેચી દેતા હતા.સરખેજની 14 વર્ષની સગીરાને 5 લાખમાં વેચી હતી. આ સગીરાને લગ્નના બહાને એક રાત્રિ મોકલી અને પરત લઈ આવ્યા હતા.
આ રીતે રાજસ્થાનના યુવક વીરસિંહ સાથે પૈસા લઈ ઠગાઈ કરી હતી જોકે પાડોશી દંપતી ભરત ઠાકોર અને ભારતી સિવાય અન્ય વચેટિયા હોવાનું ખુલાસો થતા પોલીસે આ નેટવર્કને લઈને તપાસ શરૂ કરી છે. સગીરાને વેચી દેવાના નેટવર્કની તપાસ મામલે સરખેજ પોલીસે રિમાન્ડની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે ફરાર ચાર આરોપીની પકડવાની શોધખોળ હાથ ધરી છે. આ નેટવર્ક રાજસ્થાન અને ગુજરાત સુધી જ સીમિત છે કે અન્ય કોઈ રાજ્યોના લોકોને પણ ટાર્ગેટ બનાવ્યા છે કે કેમ તે દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે.