
ગુજરાતભરમાંથી છેલ્લા ઘણા સમયથી ડૂબવાની ઘટનાઓ સતત સામે આવી રહી છે. તેમાં પણ ભારે વરસાદ પડવાને કારણે આ પ્રકારની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. એવામાં દાહોદ અને અમદાવાદમાંથી ડૂબવાની ઘટના સામે આવી રહી છે.
દાહોદમાં પાનમ નદીમાં યુવક તણાયો
દાહોદમાં ચેનપુર ગામની પાનમ નદીમાં એક ઈસમ તણાયો હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. ફાયર વિભાગ દ્વારા બીજા દિવસે પણ વ્યક્તિની શોધખોળ ચાલી રહી છે. ફાયર વિભાગના 6 કર્મચારીઓ શોધખોળ કરી રહ્યાં છે. ગઈ કાલે ચેનપુર ગામના નદી ફળિયામાં રહેતો વ્યક્તિ તણાયો હતો. 30 વર્ષીય પોપટ સબૂર ભાઈ નદીમાં તણાયો હતો. ચેનપુર ગામથી રાણીપુરા ગામે જતા પાણીના વહેણમાં તણાયો હતો. ગ્રામજનો સાથે પોલીસ પણ ઘટનાસ્થળે તપાસ કામગીરીમાં લાગી હતી.
અમદાવાદમાંથી પણ ડૂબવાની ઘટના સામે આવી રહી છે
અમદાવાદ શહેરમાં નિકોલ તળાવમાં બે લોકો ડૂબ્યા હોવાની માહિતી મળી રહી છે. મામલાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર પહોંચી હતી અને તપાસની કામગીરી શરુ કરી હતી. મળતી માહિતી પ્રમાણે એક વ્યક્તિ બહાર નીકળ્યો છે જ્યારે બીજાની શોધખોળ ચાલી રહી છે.