
ઉનાળામાં વિકાસના કામો પણ તેજ ગતિએ થતાં હોય છે. ત્યારે દમણના રીંગણવાળા વિસ્તારમાં નવા રસ્તાના કામ વખતે ખોદકામના મશીનથી ગેસ લાઈનમાં ભંગાણ પડ્યું હતું. આ દુર્ઘટનામાં ગેસ લાઈનમાંથી લીકેજ થતાં આગ ભભૂકી ઊઠી હતી. આગની જ્વાળાઓ 15થી 20 ફૂટ સુધી ઊંચે ઊઠી હતી અને મશીન પણ આગની લપેટમાં આવી ગયું હતું.
ગેસ લાઈનમાં ભંગાણ
ગેસ લાઈનમાં ભંગાણ પડવાથી લાગેલી આગને કારણે વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. લોકોએ કહ્યું કે, રસ્તાના ખોદકામ કરતી એજન્સીના કર્મચારીઓની બેદરકારી સામે આવી છે. આ પહેલા પણ પાણીની પાઈપલાઈન, કેબલ, ફાઈબર અને ગેસ લાઈનને નુકસાન પહોંચાડવાના કિસ્સાઓ બન્યા છે.
ફાયરબ્રિગેડ દોડી આવ્યું
આગ લાગ્યા અંગેની જાણ થતાં જ ફાયર વિભાગ અને ગેસ લાઈનની ઈમરજન્સી ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ માળખાકીય સુવિધાઓને નુકસાન થયું છે.