
જમ્મુ કાશ્મીરના પહેલગામમાં મોટો આતંકવાદી હુમલો થયો છે. આતંકવાદીઓએ પર્યટકો અને સ્થાનિકોને નિશાન બનાવીને ફાયરિંગ કર્યું હતું. જેમાં 20થી વધુ પ્રવાસીઓનું મોત થયાનું સૂત્રો દ્વારા જાણકારી મળી રહી છે, જ્યારે 10થી વધુ લોકો ઘાયલ થઈ ગયા છે. બીજી તરફ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ કાશ્મીર જવા રવાના થયા છે.
20 થી વધુ લોકોના મોતની આશંકા
સૂત્રોના જણાવ્યા અનુસાર, પહેલગામ આતંકવાદી હુમલામાં 20થી વધુ લોકોના મોતની આશંકા છે. 2 થી 3 આતંકવાદીઓએ પ્રવાસીઓ પર 40 થી વધુ રાઉન્ડ ફાયરિંગ કર્યું. NIA ટીમ કાલે પહેલગામ જઈ શકે છે. જો કે આ મામલે હજુ સુધી કોઈ અધિકારીક પૃષ્ટિ કરવામાં આવી નથી.
https://twitter.com/AFP/status/1914677005716508851
પ્રવાસીઓ પર અંધાધૂંધ ગોળીબાર
આતંકવાદી હુમલામાં ચાર પ્રવાસીઓ ઈજાગ્રસ્ત હોવાની પ્રાથમિક માહિતી પ્રાપ્ત થઈ રહી છે. ઈજાગ્રસ્તોની સંખ્યા વધવાની આશંકા છે. માર્ચમાં હિમવર્ષા બાદ સેકડોંની સંખ્યામાં પર્યટકો જમ્મુ-કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. એવામાં પહલગામમાં ટ્રેકિંગ માટે આવેલા પ્રવાસીઓ પર અંધાધૂંધ ગોળીબાર કરવામાં આવ્યો છે. પ્રવાસીઓ જ્યારે એક પહાડ પર ટ્રેકિંગ કરવા માટે જઈ રહ્યા હતા ત્યારે છુપાઈને બેઠેલા આતંકવાદીઓએ ગોળીબાર કર્યો હતો.
વડાપ્રધાન મોદીએ આપ્યા નિર્દેશ, અમિત શાહે બેઠક કરી
સાઉદી અરેબિયાના બે દિવસના પ્રવાસે ગયેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે ફોન પર વાત કરી હતી અને આ મામલે નક્કર અને કડક કાર્યવાહી કરવા નિર્દેશ આપ્યા છે. વડાપ્રધાને ગૃહમંત્રીને પણ ઘટનાસ્થળની મુલાકાત લેવા જણાવ્યું હતું. આ દરમિયાન, અમિત શાહે નવી દિલ્હીમાં એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહા, મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા, સીઆરપીએફ ડીજી, જમ્મુ અને કાશ્મીર ડીજીપી અને સેનાના અધિકારીઓએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા બેઠકમાં હાજરી આપી હતી. અમિત શાહે કહ્યું હતું કે, 'આતંકવાદીઓને કોઈપણ કિંમતે બક્ષવામાં આવશે નહીં.'
https://twitter.com/narendramodi/status/1914665856799302066
વડાપ્રધાન મોદીએ દુઃખ વ્યક્ત કર્યું
આતંકી હુમલા અંગે X પર વડાપ્રધાન મોદીએ લખ્યું હતું, 'જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાની હું સખત નિંદા કરું છું. જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે તેમના પ્રત્યે સંવેદના. હું પ્રાર્થના કરું છું કે ઘાયલો વહેલી તકે સ્વસ્થ થાય. અસરગ્રસ્તોને શક્ય તેટલી બધી સહાય પૂરી પાડવામાં આવી રહી છે.
આ ઘૃણાસ્પદ કૃત્ય પાછળના લોકોને ન્યાયના કઠેડામાં લાવવામાં આવશે. દોષિતોને બક્ષવામાં નહીં આવે. આતંકવાદીઓના એજન્ડા સફળ નહીં થાય. આતંકવાદ સાથે લડવાનો અમારે સંકલ્પ અટલ છે અને તે વધુ મજબૂત બનશે.'
અમરનાથ યાત્રા પહેલા જ આતંકવાદી હુમલો
થોડા દિવસ બાદ કાશ્મીરમાં અમરનાથ યાત્રા શરૂ થવાની છે, આ યાત્રામાં પહેલગામમાં જ બેઝ કેમ્પ બનાવવામાં આવે છે. ગરમીના કારણે કાશ્મીરમાં ટુરિઝમને પણ પ્રોત્સાહન મળી રહ્યું છે. એવામાં આ આતંકવાદી હુમલાના કારણે કાશ્મીર ગયેલા અન્ય ટૂરિસ્ટોના જીવ પડીકે બંધાયા છે. સાથે સાથે આગામી સમયમાં થનારી અમરનાથ યાત્રાની સુરક્ષાને લઈને પણ સવાલ ઊભા થયા છે. પર્યટકો પર આ પ્રકારના હુમલાના કારણે કાશ્મીરના વેપાર ઉદ્યોગ પર પણ અસર પડશે.