Home / Entertainment : chitralok: Sandeep Reddy Vanga tested Deepika, the pocket cat scratched her shoulder

chitralok: સંદીપ રેડ્ડી વાંગાએ દિપિકાને પરખાવ્યુ, ખિસિયાની બિલ્લી ખંભા નોચે

chitralok: સંદીપ રેડ્ડી વાંગાએ દિપિકાને પરખાવ્યુ, ખિસિયાની બિલ્લી ખંભા નોચે

દિપિકા પદુકોણની તોતિંગ ફી અને કામના નિશ્ચિત કલાકોની શરતથી વાંગા ભડક્યા?...સંદીપ રેડ્ડી વાંગા અને દિપિકા પદુકોણની સોશ્યલ મિડિયા પર તુતુમેંમેં..ફિલ્મ સ્પિરિટના નિર્દેશક વાંગા વીફર્યા, દિપિકા ગંદી પીઆર ગેમ રમે છે 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

સંદીપ રેડ્ડી વાંગાનો ગુસ્સો ક્યારે કોની પર ફાટી પડે તે નક્કી હોતું નથી. ફિલ્મ ઉદ્યોગમાં સંદીપ રેડ્ડી વાંગા કોઇની પણ સાડીબાર રાખ્યા વિના રોકડું પરખાવી દેવા માટે જાણીતા છે. ભૂતકાળમાં પણ અનેક લોકો સંદીપ રેડ્ડી વાંગાની એનિમલ સાઇડનો ભોગ બની ચૂક્યા છે. તાજેતરમાં સંદીપ રેડ્ડી વાંગા અને હિન્દી ફિલ્મની ટોચની હિરોઇન દિપિકા પદુકોણ વચ્ચે સોશ્યલ મિડિયા પર પ્રોક્સીવોર ફાટી નીકળી છે. મજાની વાત એ છે કે સંદીપ રેડ્ડી વાંગા પહેલીવાર નામ લેવાનું ટાળી પોતાની ભડાશ સોશ્યલ મિડિયા પર ઠાલવી રહ્યા છે. પણ ઘણાં તેમની ભડાશને દિપિકા પદુકોણના નનૈયા સાથે સાંકળીને જોઇ રહ્યા છે. 

૨૦૨૩માં જ્યારે સ્પિરિટ ફિલ્મની પહેલીવાર જાહેરાત થઇ ત્યારેથી જ  અટકળો  તેજ હતી કે આ ફિલ્મમાં દિપિકા પદુકોણ હશે. એ સમયે દિપિકા પદુકોણ પ્રભાસ સામે કલ્કિ ૨૮૯૮ ફિલ્મનું શૂટિંગ કરી રહી હતી. પણ હવે બોલીવૂડમાં ચાલી રહેલી કાનાફૂસી અનુસાર સંદીપ રેડ્ડી વાંગાની આગામી ફિલ્મ સ્પિરિટમાંથી દિપિકા પદુકોણની બાદબાકી થઇ ગઇ છે. દિપિકાના સ્થાને ફિલ્મમાં રૂકમણિ વસંતને લેવા માટે પણ વાટાઘાટો ચાલી હતી. ફિલ્મ સપ્ત સાગરદાચે અલોમાં કામ કર્યા બાદ રૂકમણિ વસંત જાણીતી બની છે.પણ રૂકમણી ફિલ્મના હિરો પ્રભાસ કરતાં વયમાં સત્તર વર્ષ નાની  હોઇ તેની જગ્યાએ આખરે ફિલ્મમાં એનિમલ ફેમ તૃપ્તિ ડિમરીને સાઇન કરવામાં આવી હોવાની વાત છે. તૃપ્તિએ સોશ્યલ મિડિયા પર કરેલી પોસ્ટ અનુસાર હજી તેના માન્યામાં આવતું નથી કે તે ફરી વાંગા સાથે કામ કરવાની છે. 

આ ફિલ્મમાં પ્રભાસ હીરો તરીકે કામ કરવાનો હોઇ દર્શકોને આશા હતી કે તેમને પ્રભાસની સાથે દિપિકા પદુકોણ હિરોઇન તરીકે જોવા મળશે પણ દિપિકાએ ફિલ્મ છોડી દેતાં બધાંને આંચકો લાગ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર દિપિકાએ ફી પેટે ૪૦ કરોડ રૂપિયા માંગ્યા હતા. જેની સામે નિર્માતા-નિર્દેશક તેને દસ કરોડ રૂપિયા જ આપવા તૈયાર હતા. પાછું દિપિકાએ ફિલ્મના નફામાં પણ હિસ્સો માંગ્યો હતો. 

સંદીપ રેડ્ડી વાંગા અને દિપિકા પદુકોણ વચ્ચેનો વિવાદ ઓર વકર્યો  છે.  સંદીપ રેડ્ડી વાંગાએ દિપિકાનું નામ લીધા વિના તેની આડકતરી ટીકા સોશ્યલ મિડિયા પર કરતાં આક્ષેપ કર્યો હતો કે દિપિકા ગંદી પીઆર ગેમ રમે છે. વાંગાએ આક્ષેપ કર્યો હતો કે દિપિકાએ તેની ફિલ્મની સ્ટોરીને લીક કરી તેની જાત બતાવી દીધી છે. આ પોસ્ટ વાઇરલ થઇ ગઇ છે. વાંગાએ એક્સ પર તેમની પોસ્ટમાં લખ્યું છે, જ્યારે હું કોઇ એક્ટરને ફિલ્મની સ્ટોરી સંભળાવું ત્યારે હું તેના પર પુરેપુરો ભરોસો મુકું છું. અમારી વચ્ચે એક વણકહ્યો સ્ટોરી લીક ન કરવાનો કરાર હોય છે પણ તમે સ્ટોરી લીક કરી. તમે એ વ્યક્તિને ઉઘાડી પાડી છે જે તમે છો. એક યંગ એક્ટરને નીચું જોવડાવવું અને મારી ફિલ્મની સ્ટોરીને લીક કરવી એ જ શું તમારો નારીવાદ છે? એક ફિલ્મ નિર્માતા તરીકે મેં ઘણા વર્ષો મહેનત કરી છે. મારા માટે ફિલ્મ નિર્માણ એ જ સર્વસ્વ છે. તમને આ સમજાયું નથી. તમને આ સમજાશે નહીં. તમને આ કદી સમજાશે નહીં. છેલ્લે વાંગાએ કટાક્ષમાં લખ્યું છે, એમ કરો ફરી વાર આખી સ્ટોરી કહી દેજો. કેમ કે મને જરા પણ ફરક પડતો નથી. મને ખિસિયાની બિલ્લી ખંભા નોચે એ કહેવત ખૂબ ગમે છે. 

દિપિકાએ આઠ કલાકનો વર્કિંગ ટાઇમ, તગડી ફી અને ફિલ્મના નફામાં હિસ્સો જેવી માંગણીઓ કરતાં સંદીપ રેડ્ડી વાંગામાં રહેલોં એનિમલ સ્પિરિટ જાગી ગયો હોય એમ તેમણે દિપિકાની ખબર લઇ નાંખી છે.સંદીપ રેડ્ડી વાંગા જ્યારે રોષે ભરાય ત્યારે તેમની ફિલ્મોના હિરો લોગ કરતાં પણ વધારે વિસ્ફોટક બની જાય છે. અત્યાર સુધી પોતાની ફિલ્મોમાં આલ્ફા મેલ હિરો બતાવવા બદલ ટીકાનો સામનો કરી રહેલાં સંદીપ રેડ્ડી વાંગાએ સ્પિરિટમાં રહે છે કે આલ્ફા ફિમેલ પાત્ર લખ્યું છે. જે દિપિકા કરવાની હતી. કાનાફૂસી અનુસાર આ ફિલ્મ સ્પિરિટમાં પ્રભાસ પોલીસ અફસરની ભૂમિકા કરવાનો છે તો તેની હિરોઇન સેક્સી ડોક્ટરની ભૂમિકામાં જોવા મળશે. જે તેના પ્રેમમાં પડે છે. પણ દિપિકાએ આ ફિલ્મ છોડી દેવાનો નિર્ણય લેતાં સંદીપ રેડ્ડી વાંગા વીફર્યા અને સોશ્યલ મિડિયા પર તેમની ભડાશ કાઢી છે. 

બીજી તરફ દિપિકાએ મગનું નામ મરી પાડયુ નથી પણ તેના નિવેદન અને જુના ઇન્ટરવ્યુઝને ટાંકીને જાતજાતની અટકળો સોશ્યલ મિડિયા પર ચાલી રહી છે. પણ સંદીપ રેડ્ડી વાંગાનો રોષ આ પહેલીવાર ફાટયો નથી. અગાઉ જાવેદ અખ્તર અને કિરણ રાવ પણ વાંગાના રોષના ભોગ બની ચૂક્યા છે. કિરણરાવના કિસ્સામાં બન્યું હતું એવું કે સંદીપ રેડ્ડી વાંગાની ફિલ્મ કબીર સિંહને કિરણ રાવે મહિલા વિરોધી ગણાવી હતી. એ પછી એનિમલ ફિલ્મ બાદ એક ઇન્ટરવ્યુમાં કોઇએ કિરણરાવની એ કોમેન્ટને યાદ કરાવતાં વાંગાએ તેમની લાક્ષણિક શૈલીમાં પરખાવ્યું હતું કે કેટલાક લોકો સમજતાં નથી કે તેઓ આખરે શું કહી રહ્યા છે. મારી એક આસિસ્ટન્ટ ડાયરેક્ટરે મને એક સુપરસ્ટારની બીજી એક્સ વાઇફે વખેલો એક લેખ બતાવ્યો હતો જેમાં તે કહી રહી હતી કે બાહુબલિ અને કબીરસિંહ જેવી ફિલ્મો મિસોજીની (એટલે કે સ્ત્રી વિરોધી)અને લોકોમાં મહિલાઓનો પીછો કરવા જેવી વૃત્તિને પ્રમોટ કરે છે. મને લાગે છે કે તેઓ પીછો કરવો અને કોઇનો એપ્રોચ કરવો તે બંને વચ્ચેનો ફરક સમજતાં નથી. પછી આમિરખાનની ફિલ્મ દિલને યાદ કરી તેમણે કટાક્ષ કર્યો હતો કે હું એ મહિલાને કહેવા માંગુ છું કે જાઓ અને આમિરખાનને  ખંભે જૈસી ખડી હૈ ગીત વિશે પૂછો, એ શું હતું? જો તમને દિલ ફિલ્મ યાદ હોય તો તેમાં આમિર લગભગ હિરોઇન પર રેપ કરે છે. તે હિરોઇનને અહેસાસ કરાવે છે કે તેણે ખોટું કર્યું છે. અને પછી બંને જણાં એકબીજાના પ્રેમમાં પડી જાય છે. આ બધું શું હતું? કહેવાની જરૂર નથી કે સંદીપના આ બયાન બાદ કિરણ અને સંદીપ વચ્ચે એકમેકને નિશાન બનાવતી ઘણી પોસ્ટ થઇ હતી.

સિદ્ધાર્થ કન્નનને આપેલી મુલાકાતમાં સંદીપ રેડ્ડી વાંગાએ જાવેદ અખ્તરની કોમેન્ટ પરજવાબ આપતાં જણાવ્યું હતું કે મને ખોટું એ લાગે છે કે એ દેખીતું છે કે તેમણે ફિલ્મ જોઇ નથી અને એટલું જ નહીં એક આર્ટ પીસ પર પથ્થર ફેંકનાર કોઇએ પણ પહેલા પોતાની આસપાસ જોવું જોઇએ. તેમણે પોતાના પુત્ર ફરહાન અખ્તરને તે જ્યારે મિઝાપુર પ્રોડયુસ કરી રહ્યો હતો ત્યારે આ વાત કેમ ન કહી ? દુનિયાભરની ગાળો મિર્ઝાપુર શોમાં છે. અને મેં તે શો પુરો જોયો પણ નહીં. જ્યારે આ શો તેલુગુમાં ટ્રાન્સલેટ થયો જો તમે એ જુઓ તો તમને ઉલટી થઇ જાય. તેઓ તેમના બેટાનું કામ કેમ ચેક કરતા નથી? 

સંદીપ રેડ્ડી વાંગાની એનિમલ ફિલ્મને સમીક્ષકોએ વખોડી ત્યારે એક ઇન્ટરવ્યુમાં તેમણે ફિલ્મ ક્રિટિક્સને અનપઢ અને જોકર્સ પણ કહ્યા હતા. બાય ધ વે, વાંગા સે પંગા? કભી ન લેના! 

Related News

Icon