નર્મદા જિલ્લાના એકતાનગરના ગોરા ગામમાં ત્રણ નર્મદા પ્રોજેક્ટના અસરગ્રસ્તો પોતાના હક અને ન્યાયની માંગ સાથે આજે ટાવર પર ચડી જતા ભારે હલચલ મચી ગઈ છે. લોખંડના ટાવર પર કાળઝાળ ગરમીમાં કલાકોથી બેઠેલા આ ત્રણ યુવકોની તબિયત હવે લથડી રહી છે, કારણ કે તાપમાન ઉંચું છે, ટાવર તપતોય છે અને અસરગ્રસ્તો પાસે પીવાનું પાણી પણ ઉપલબ્ધ નથી.
અધિકારીઓ ઘટના સ્થળે
આંદોલનકારીઓમાંથી બે ડભોઇ તાલુકાના અને એક નસવાડી તાલુકાના બરોલી ગામના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. આ ઘટના જાણ થતાં વહીવટી તંત્ર હરકતમાં આવી ગયું છે. ડીવાયએસપી, ડેપ્યુટી કલેક્ટર તેમજ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમો ઘટના સ્થળે પહોંચી છે અને તેમને સલામત રીતે નીચે ઉતારવાનો પ્રયાસ શરૂ કર્યો છે.
વાયદા પ્રમાણે વળતર ન મળ્યું
2017માં પૂર્વ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કેવડિયા ખાતે નર્મદાના અસરગ્રસ્તોના આંદોલન સમયે તેમને નોકરી અને વળતરની ખાતરી આપી હતી. જોકે, ત્યારબાદ સરકારે વાયદા પાળ્યા નથી. આજ સુધી આ આદિવાસી સમાજના અનેક લોકોને નોકરી કે વળતર મળ્યું નથી. આ અન્યાયના વિરોધમાં આ યુવાનોએ જીવના જોખમે ટાવર પર ચડીને અવાજ ઉઠાવ્યો છે.
જમીનના વળતરની માંગ
નર્મદા નિગમ દ્વારા કેનાલ, ડેમ, સ્ટેચ્યુ ઑફ યુનિટી અને એકતાનગરના વિકાસ માટે ગ્રામીણ વિસ્તારોની જમીનો લેવાઈ હતી. જોકે, ઘણા ખેડૂતોને અત્યાર સુધી વળતર મળ્યું નથી. ગોરા ગામના યુવાનો એ ચીમકી ઉચ્ચારી છે કે જો તાત્કાલિક ન્યાય ન મળે તો સમગ્ર ગામ ટાવર પર ચડી જશે.વહીવટી તંત્ર હાલ ત્રણે યુવાનોને સલામત રીતે નીચે ઉતારવાનો પ્રયાસ કરી રહ્યું છે. પરંતુ તેમની તબિયત ઝડપથી બગડી રહી હોવાથી સ્થિતિ ગંભીર બની છે.