
NCB અમદાવાદ ઝોનલ યુનિટે જાન્યુઆરી, 2003 માં 2.03 કિલોગ્રામ હેરોઈન જપ્ત કર્યું અને અનવર ખાન પઠાણ અને ફિરદોશ ખાન પઠાણ નામના 02 આરોપીઓની ધરપકડ કરી. ટ્રાયલ દરમિયાન બંને આરોપીઓને ટ્રાયલ કોર્ટ દ્વારા દોષિત ઠેરવવામાં આવ્યા હતા. બંને આરોપીઓને 10 વર્ષની સખત કેદની સજા ફટકારવામાં આવી હતી.
અન્ય આરોપીને નિર્દોષ જાહેર કરવામાં આવ્યો હતો
બંને દોષિતોએ ટ્રાયલ કોર્ટ દ્વારા આપવામાં આવેલા ચુકાદાને ગુજરાત હાઇકોર્ટ સમક્ષ પડકાર્યો હતો પરંતુ સફળતા મળી ન હતી. ત્યારબાદ તેઓએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી. 2010માં કોર્ટે બંને દોષિતોને જામીન આપ્યા હતા. પરંતુ આ મામલાની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે 2024માં દોષિત ઠેરવવાની સાથે સજાને સમર્થન આપ્યું હતું. સુપ્રીમે અગાઉ મંજૂર કરેલા જામીન રદ કર્યા અને આરોપી અનવર ખાન પઠાણને શરણાગતિ સ્વીકારવા અને બાકીની સજા ભોગવવાનો નિર્દેશ આપ્યો હતો. જોકે અન્ય આરોપીને નિર્દોષ જાહેર કરવામાં આવ્યો હતો.
બાકીની સજા ભોગવવા માટે તેને નડિયાદ જેલમાં મોકલવામાં આવ્યો
સુપ્રીમ કોર્ટના આદેશ છતાં અનવર ખાન પઠાણે શરણાગતિ સ્વીકારી ન હતી અને સર્વોચ્ચ અદાલત સમક્ષ તેની અપીલ નિષ્ફળ જતાં ફરાર થઈ ગયો હતો. કાયદાની ગરિમા જાળવી રાખવા માટે NCBની ટીમને તેના ઠેકાણા શોધવા અને તેની ધરપકડ કરવા માટે તૈનાત કરવામાં આવી હતી. ગુજરાત પોલીસ સાથે સતત પ્રયાસો અને ઝીણવટભર્યા સંકલન બાદ આરોપીને 08.04.2025 ના રોજ સફળતાપૂર્વક પકડી લેવામાં આવ્યો હતો અને બાકીની સજા ભોગવવા માટે તેને નડિયાદ જેલમાં મોકલવામાં આવ્યો છે.