
IPL 2025 બાદ ભારતીય ટીમ ઈંગ્લેન્ડના પ્રવાસ પર જવાની છે, જ્યાં બંને ટીમો વચ્ચે 5 ટેસ્ટ મેચની સિરીઝ રમાશે. આ સિરીઝ 20 જૂનથી શરૂ થશે. તે પહેલા વેસ્ટ ઈન્ડિઝની ટીમ ઈંગ્લેન્ડ પહોંચી છે, બંને ટીમો વચ્ચે વનડે સિરીઝ ચાલી રહી છે. જેમાં વેસ્ટ ઈન્ડિઝની ટીમને મોટો ઝટકો લાગ્યો છે. બંને ટીમ વચ્ચે 29 મે, 2025ના રોજ પ્રથમ વનડે મેચ રમાઈ હતી, જેમાં વિન્ડિઝનો 238 રને શરમજનક પરાજય થયો હતો. હાર બાદ વેસ્ટ ઈન્ડિઝને મોટો ઝટકો લાગ્યો છે. ICCએ ટીમના તમામ ખેલાડીઓ વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે અને તમામ ખેલાડીઓને સજા આપી છે.
સ્લો ઓવર રેટ બદલ આખી ટીમને દંડ
ICCએ સ્લો ઓવર રેટ બદલ વેસ્ટ ઈન્ડિઝના તમામ ખેલાડીઓને દંડ ફટકાર્યો છે. ઈંગ્લેન્ડ સામેની ત્રણ મેચની સિરીઝની પ્રથમ વનડેમાં વિન્ડિઝે નિર્ધારીત સમયમાં એક ઓવર ઓછી ફેંકી હતી, જેના કારણે ICCએ આ કાર્યવાહી કરી છે. ICCના નિયમો મુજબ વનડે મેચમાં રમી રહેલી ટીમે નિર્ધારીત સમયમર્યાદની અંદર ઓવર પુરી કરવાની હોય છે, જો ટીમ આમ ન કરે તો ટીમ વિરુદ્ધ સ્લો ઓવર રેટ હેઠળ કાર્યવાહી કરવામાં આવે છે. આમ વિન્ડિઝની ટીમે મેચમાં ICCના નિયમનું ઉલ્લંઘન કર્યું છે, જેના કારણે ટીમના તમામ ખેલાડીઓને દંડ ફટકારાયો છે.
ઈંગ્લેન્ડે બનાવ્યા હતા 400 રન
વિન્ડિઝ સામેની સિરીઝની પ્રથમ વનડે મેચમાં ઈંગ્લેન્ડની ટીમે પ્રથમ બેટિંગ કરી 50 ઓવરમાં 8 વિકેટે 400 રન વિશાળ સ્કોર ઉભો કર્યો હતો. જ્યારે વિન્ડિઝની ટીમ 26.2 ઓવરમાં ઓલઆઉટ થઈ જતા ઈંગ્લેન્ડનો 238 રને વિજય થયો હતો.