
- રીલ નાયકો જ્યારે રિયલ નાયકોનું ચિત્રણ કરે છે...
તાજેતરમાં 'ઓપરેશન સિંદૂર'ની સફળતાથી ફિલ્મ સર્જકોમાં સમાન શીર્ષક રજિસ્ટર કરવાની રીતસરની હોડ લાગી છે. આ ટ્રેન્ડ સૈન્યની વાર્તાઓમાં લોકોના રસને પ્રતિબિંબિત તો કરે છે, સાથે માત્ર દેખાડા કરતા વિચારશીલ કથાનકની જરૂરને પણ રેખાકિંત કરે છે. યુદ્ધ ફિલ્મોએ અતિશયોક્તિપૂર્ણ રાષ્ટ્રવાદ અથવા માત્ર દેખાડામાં પડયા વિના ખરી વાર્તાઓને સન્માન આપીને સંતુલન જાળવવા મથતા રહેવું જોઈએ. છેલ્લાં કેટલાંક વર્ષોમાં રજૂ થયેલી યુદ્ધ ફિલ્મો અને તેના પરફોર્મન્સ પર એક નજર નાખીએ...
બોર્ડર (૧૯૯૭)
જે.પી. દત્તાની આ આઈકોનીક ફિલ્મ બોલિવુડની પ્રારંભિક યુદ્ધ ડ્રામા પૈકી એક હતી જેમાં યુદ્ધ પ્રેમકહાની માટેની પૃષ્ઠભૂમિ નહિ પણ કથાનકનું કેન્દ્ર હતી. ફિલ્મની વાર્તા ૧૯૭૧ યુદ્ધ દરમ્યાન ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલી લડાઈ પર આધારીત હતી. ફિલ્મનું ગીત 'સંદેસે આતે હૈ' જાણે બીજુ રાષ્ટ્રગીત બની ગયું હતું. તે આજે પણ એટલુ જ લોકપ્રિય છે. ફિલ્મમાં પહેલીવાર ખરા સૈનિકોને સામેલ કરાયા હતા. મેજર (રિટાયર્ડ) સંદીપ સાંગવાને એક મુલાકાતમાં જણાવ્યું કે ફિલ્મ વાસ્તવિક હતી અને એ શ્રેષ્ઠતમ ફિલ્મો પૈકીની એક હતી.
ઉરી: ધી સર્જિકલ સ્ટ્રાઈક (૨૦૧૯)
વિકી કૌશલ અભિનિત અને આદિત્ય ધર દિગ્દર્શિત આ ફિલ્મે દેશને એક નવું સ્લોગન આપ્યું, 'હાઉ'ઝ ધ જોશ?' આ ફિલ્મ ૨૦૧૬ના ઉરી આતંકવાદી હુમલાના ભારતના પ્રતિસાદ પર આધારિત છે. ભારતે શસ્ત્રધારી આતંકવાદીઓના હુમલાનો જવાબ અંકુશ રેખા પાર કરીને આતંકી માળખા પર હુમલો કરીને આપ્યો હતો. આ ફિલ્મને ભારે સફળતા મળી હતી, એટલું જ નહિ પણ આ ફિલ્મે યુદ્ધ ફિલ્મો માટે એક નવી રાહ કંડારી જેમાં યુદ્ધ દ્રશ્યોના વાસ્તવિક નિરૂપણ, પરફોર્મન્સ અને કથાનકને ઈમાનદાર રહેવાની બાબત મહત્વની હતી.
એલઓસી:કારગિલ (૨૦૦૩)
કારગિલ યુદ્ધ પર આધારીત આ ઐતિહાસિક રત્ને દર્શકોના હૃદયમાં ઝણઝણાટી સર્જી હતી. 'એલઓસી: કારગિલ' એવી ફિલ્મ હતી જેણે આપણા સૈનિકોની અપ્રતીમ વીરતાથી દર્શકોના હૃદયને ગર્વથી ભરી દીધું. આ ફિલ્મમાં યુદ્ધ દરમ્યાન સર્જાયેલી ખરી ઘટનાઓ પર આધારિત એક્શન અને લાગણીઓ દર્શાવાયાં હતાં.
લક્ષ્ય (૨૦૦૪)
ફરહાન અખ્તરની આ ફિલ્મમાં યુદ્ધ ડ્રામાની અતિશયોક્તિ ટાળવામાં આવી હતી. ૧૯૯૯ના કારગિલ યુદ્ધની પૃષ્ઠભૂમિ સામે રચાયેલી આ ફિલ્મમાં પોતાની જાતને શોધવાની વાત હતી. 'લક્ષ્ય'માં એક સૈનિક અને તેની આસપાસના લોકો પર યુદ્ધના પ્રભાવ વિશે વાત કરવામાં આવી હતી. ફિલ્મને બોક્સ ઓફિસ પર ભારે સફળતા ન મળી હોવા છતાં લોકો અને વિવેચકોએ પસંદ કરી હતી અને વર્ષો વીતતાં તેણે કલ્ટ દરજ્જો પણ હાંસલ કર્યો.
ધી ગાઝી અટેક (૨૦૧૭)
આ ફિલ્મમાં ભારતીય નેવીની શક્તિ દર્શાવવામાં આવી હતી. પાકિસ્તાની સબમરીન ગાઝી ગુપ્ત રીતે વિઝાગ બંદર પર હુમલો કરવાની ફિરાકમાં હતી. એના માટે તેણે ભારતીય સબમરીન એસ-૨૧ પાસેથી પસાર થવાનું હતું. યુદ્ધ જાહેર કરવાની સમીપે પહોંચેલા બંને દેશોની નેવી વચ્ચે તુમુલ સંઘર્ષ થયો હતો. આ ફિલ્મની દર્શકો તેમજ વિવેચકોએ ભારે પ્રશંસા કરી હતી.
કેસરી (૨૦૧૯)
અનુરાગ સિંહ દિગ્દર્શિત અને અક્ષયકુમાર અભિનિત 'કેસરી' એ જકડી રાખતાં એક્શન દ્રશ્યો અને દસ હજાર પશ્તુન આક્રમણખોરો સામેની લડાઈમાં ૨૧ શીખ સૈનિકોની આગેવાની લેનાર બ્રિટિશ ભારતીય સૈન્યમાં સૈનિક હવિલદર ઈશર સિંહની અદમ્ય બહાદુરીથી દર્શકોને પ્રભાવિત કર્યા હતા.
ગુંજન સક્સેના: ધી કારગિલ ગર્લ(૨૦૨૦)
અન્ય નાયક જેણે દેશને અત્યંત યુવાવયે ગર્વ અપાવ્યું તે છે ભારતીય હવાઈ દળની અધિકારી ગુંજન સક્સેના. કારગિલ યુદ્ધ દરમ્યાન ભારતીય હવાઈ દળની એકમાત્ર મહિલાએ યુદ્ધના મેદાનમાં વિમાન ઉડાવ્યા હતાં. તેણે સૈનિકોનું પરિવહન તેમજ ઘાયલ સૈનિકોને મેદાનમાંથી પાછા લાવવાની કામગીરી બજાવી હતી. ફિલ્મ બોક્સ ઓફિસ પર નબળી હોવા છતાં વિવેચકોએ પંસદ કરી હતી.
ભુજ : ધી પ્રાઈડ ઓફ ઈન્ડિયા(૨૦૨૧)
આ ફિલ્મમાં ભારત-પાકના ૧૯૭૧ યુદ્ધ દરમ્યાન ભુજની મહિલાઓએ દેખાડેલા અપ્રતિમ સાહસની વાર્તા દર્શાવાઈ છે. ભુજ હવાઈ મથક પર હુમલો કરાયો હતો. સમય સામે લડીને ક્ષતિગ્રસ્ત હવાઈપટ્ટીનું સમારકામ કરવા અને સ્ક્વોડ્રન લીડર વિજય કર્ણિકનું મિશન પૂર્ણ કરવા ભુજ નજીકના માધાપરની ૩૦૦ મહિલાઓની મદદ મેળવવામાં આવી હતી.
સેમ બહાદુર (૨૦૨૩)
મેઘના ગુલઝાર દિગ્દર્શિત આ ફિલ્મમાં ફિલ્ડ માર્શલ સેમ માણેક શૉની જીવનકથની પર પ્રકાશ પાડવામાં આવ્યો છે જેમણે ચાર દાયકા અને પાંચ યુદ્ધોમાં પોતાની સેવા આપી હતી. વિવેચકોએ વખાણેલી આ ફિલ્મને જોકે બોક્સ ઓફિસ પર સરેરાશ પ્રતિસાદ મળ્યો હતો.
શેરશાહ (૨૦૨૧)
કારગિલ યુદ્ધના હીરો કેપ્ટન વિક્રમ બાત્રાની અદ્ભુત રિયલ લાઈફ વાર્તાનું સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી અભિનિત આ ફિલ્મમાં પ્રમાણિક અને હૃદયસ્પર્શી ચિત્રણ કરાયું હતું. ઓટીટી પર રજૂ થયેલી આ ફિલ્મના સુંદર રીતે કોરિયોગ્રાફ કરાયેલા એક્શન દ્રશ્યો અને સિદ્ધાર્થના દમદાર પરફોર્મન્સને દર્શકો તરફથી સકારાત્મક પ્રતિસાદ મળ્યો હતો.
ફાઈટર (૨૦૨૪)
હૃતિક રોશન-દીપિકા પદુકોણે અભિનિત આ ફિલ્મ ૨૦૧૯માં ભારત અને પાકિસ્તાન વચ્ચે પુલવામા હુમલા અને તેના પ્રતિસાદમાં બાલાકોટ પર ભારતની સ્ટ્રાઈકની પૃષ્ઠભૂમિ વચ્ચેની કાલ્પનિક વાર્તા છે. ફિલ્મએ બોક્સ ઓફિસ પર સરેરાશ દેખાવ કર્યો હતો. વિવેચકોએ પણ તેમાં અનેક ખામી હોવાની ટીકા કરી હતી.