
બોલિવૂડના મેગાસ્ટાર શાહરૂખ ખાનના ઘર ‘મન્નત’માં સમારકામ ચાલી રહ્યું છે. આ દરમિયાન બૃહદ મુંબઈ મહાનગર પાલિકા (BMC)ને એક ફરિયાદ મળી હતી કે શાહરૂખ ખાનના ઘરમાં સમારકામ નિયમોની અવગણના કરીને કરવામાં આવી રહ્યું છે. આ ફરિયાદો પછી BMCની એક ટીમ શુક્રવારે મન્નત પહોંચી હતી.
'મન્નત' પહોંચી BMCના અધિકારીઓની ટીમ
રિપોર્ટ અનુસાર વન વિભાગ અને BMC અધિકારીઓની એક સંયુક્ત ટીમે ફરિયાદ પછી શાહરૂખ ખાનના બંગલાનું નિરીક્ષણ કર્યું. બંને વિભાગોને ફરિયાદ મળી હતી કે બંગલામાં તટીય વિસ્તારના નિયમોનું ઉલ્લંઘન કરીને સમારકામ કરવામાં આવી રહ્યું છે. એક રિપોર્ટ મુજબ અધિકારીએ માહિતી આપી હતી કે BMCની ટીમે કરેલા નિરક્ષણનો રિપોર્ટ તૈયાર કરી રજૂ કરાશે.
શાહરૂખ ખાનના મેનેજરે આપ્યો જવાબ
એક રિપોર્ટ મૂજબ BMC અને વન વિભાગના અધિકારીઓની એક સંયુક્ત ટીમ જ્યારે 'મન્નત' પહોંચી ત્યારે ત્યાં હાજર મન્નતના કર્મચારીઓએ અધિકારીઓને સમારકામના સંબંધિત બધા દસ્તાવેજો સબમિટ કરશે તેવું જણાવ્યું હતું. જોકે, એક રિપોર્ટરે શાહરૂખ ખાનના મેનેજર સાથે આ વિશે વાત કરવાનો પ્રયાસ કર્યો ત્યારે તેણે કહ્યું, "કોઈ ફરિયાદ નોંધાઈ નથી,બધુ કામ નિયમો અનુસાર ચાલી રહ્યું છે''
નવા અપાર્ટમેન્ટમાં શિફ્ટ થયા શાહરૂખ ખાન
મુંબઈના બાંદ્રા (પશ્ચિમ)માં આવેલું શાહરુખ ખાનનું ઘર મન્નતમાં રિનોવેશનનું કામ લગભગ બે વર્ષ સુધી ચાલશે. એક રિપોર્ટ અનુસાર શાહરૂખ તેના પરિવાર સાથે બાંદ્રાના પાલી હિલ વિસ્તારમા એક અપાર્ટમેન્ટમાં રહે છે. આ નવા ફ્લેટનું માસિક ભાડું 24 લાખ રૂપિયા હોવાનો અહેવાલ છે.