
ગુરુવારે, યુટ્યુબર આશિષ ચંચલાની ગુવાહાટી પોલીસ ક્રાઈમ બ્રાન્ચ સમક્ષ હાજર થયો અને 'ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટ' સંબંધિત કેસમાં પોતાનું નિવેદન નોંધાવ્યું હતું. પૂછપરછ બાદ, ચંચલાનીની કાનૂની ટીમે એક અરજી દાખલ કરી છે, જેમાં એફઆઈઆર રદ કરવાની અથવા તેને મુંબઈ ટ્રાન્સફર કરવાની માંગ કરવામાં આવી છે. આ અરજીમાં ગુવાહાટી પોલીસના અધિકારક્ષેત્રને પણ પડકારવામાં આવ્યો છે.
ફરી પોલીસ સમક્ષ હાજર થઈ શકે છે
આ વાતની પુષ્ટિ કરતા ગુવાહાટીના જોઈન્ટ પોલીસ કમિશનર અંકુર જૈને જણાવ્યું હતું કે, "યુટ્યુબર આશિષ ચંચલાની આજે પૂછપરછ માટે ક્રાઈમ બ્રાન્ચ સમક્ષ હાજર થયા હતા. તેમણે અમારી તપાસમાં સહકાર આપ્યો છે. પૂછપરછ બાદ તેમને છોડી દેવામાં આવ્યા છે. જોકે આ તબક્કે ચંચલાનીને ફરીથી સમન નથી મોકલવામાં આવી રહ્યું, પરંતુ જો જરૂર પડે તો અધિકારીઓ તેમને પાછા બોલાવી શકે છે." તપાસ ચાલુ હોવાથી, પોલીસે કહ્યું છે કે "એફઆઈઆરમાં નામ આપવામાં આવેલા અન્ય વ્યક્તિઓએ હજુ સુધી સમન્સનો જવાબ નથી આપ્યો અને ટૂંક સમયમાં નવી નોટિસ જારી કરવામાં આવશે."
https://twitter.com/ANI/status/1895156661985362154
રણવીર અલ્હાબાદિયાએ પોતાની ભૂલ સ્વીકારી
દરમિયાન, આ અઠવાડિયાની શરૂઆતમાં મહારાષ્ટ્ર સાયબર અધિકારીઓ દ્વારા રણવીર અલ્હાબાદિયાને સમય રૈનાના 'ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટ' શોમાં કરેલી વાંધાજનક ટિપ્પણીઓ અંગે પૂછપરછ કરવામાં આવી હતી. આ દરમિયાન તેણે પોતાની ભૂલ સ્વીકારી. પોતાના નિવેદનમાં, અલ્હાબાદિયાએ સ્વીકાર્યું કે તેણે યુટ્યુબ શો પર વિવાદાસ્પદ ટિપ્પણીઓ કરીને ભૂલ કરી હતી, જેના માટે તેની ટીકા થઈ રહી છે.
શું છે મામલો?
યુટ્યુબર રણવીર અલ્હાબાદિયાએ કોમેડિયન સમય રૈનાના યુટ્યુબ શો 'ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટ'માં માતા-પિતા પર અપમાનજનક ટિપ્પણીઓ કરી હતી. આ અંગે તેની સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. રણવીર, સમય રૈના, અપૂર્વ મુખિજા અને અન્ય ઘણા લોકો સામે કેસ નોંધાયા છે. મહારાષ્ટ્ર સાયબર સેલ પણ આ મામલાની તપાસ કરી રહ્યું છે. આ કેસમાં સુપ્રીમ કોર્ટે પણ રણવીર અલ્હાબાદિયાને ઠપકો આપ્યો છે.