
તો સ્મૃતિ ઇરાનીનો 'ક્યૂંકિ સાસ ભી કભી બહૂ થી' સિઝન-ટુનો લૂક 'લીક' થઈ ચૂક્યો છે. વાહ, વોટ અ જર્ની! વર્ષો પહેલાં આ સિરિયલની પહેલી સિઝન ધમાલ મચાવી રહી હતી ત્યારે કોઈએ કલ્પના સુધ્ધાં કરી હશે ખરી કે વિરાણી ખાનદાનની આ વહુ આગળ જઈને દેશની આટલી મોટી ને વગદાર પોલિટિશિયન બની જશે! જોવાનું એ છે કે 'ક્યૂંકિ...'ની બ્રાન્ડ-ન્યુ સિઝનના શૂટિંગ પાછળ સ્મૃતિજી ખરેખર કેટલો સમય ફાળવી શકે છે. આ એક નિશ્ચિત સમયવઅવધિ ધરાવતી ફાઇનાઇટ સિઝન હોવાની એ તો નક્કી. આ ભાજપી મંત્રીજીએ પોતાના અકાઉન્ટ પર તો 'ક્યૂંકિ...' પાર્ટ-ટુનો ઓફિશિયલ લૂક શેર કર્યો નથી, પણ સોશિયલ મીડિયા સહિતનાં તમામ માધ્યમો પર હાલ આ તસવીર તરખાટ મચાવી રહી છે.
આદિત્ય... ઇન દિનોં
અમે તો પહેલેથી કહેતા હતા કે આદિત્ય રોય કપૂર ભલે એના ઇન્ટરવ્યુઝમાં સહેજ બાઘ્ઘો લાગે, પણ એ એક્ટર સારો છે. જુઓને, 'મેટ્રો... ઇન દિનોં'માં કલાકારોનો શંભુમેળો ભરાયો છે, તોય આદિત્ય સૌનું ધ્યાન ખેંચી શક્યો. બાકી પંકજ ત્રિપાઠી, કોંકણા સેન શર્મા, નીના ગુપ્તા અને અનુપમ ખેર જેવાં તગડાં આર્ટિસ્ટો તમારા સહકલાકાર હોય ત્યારે નોખું તરી આવવું ખૂબ અઘરું છે. આદિત્ય શરૂઆતથી થોડો બુંદિયાળ રહ્યો છે. એની પહેલી બન્ને ફિલ્મો ઇન્ડસ્ટ્રીના ટોપ સ્ટાર્સ સાથે હતી - 'એક્શન રિપ્લે' (અક્ષયકુમાર, ઐશ્વર્યા રાય) અને 'ગુઝારિશ' (હૃતિક રોશન, ઐશ્વર્યા રાય) - પણ બન્ને ફિલ્મો ફ્લોપ થઈ ગઈ. બાકી બન્ને ફિલ્મોમાં એક ન્યુકમર તરીકે આદિત્યનું કામ મજાનું હતું. એ પૂરેપૂરો પ્રકાશમાં આવ્યો 'આશિકી-ટુ'થી, પણ પછી સફળતાનો દબદબો ખાસ જળવાયો નહીં. હા, 'યે જવાની હૈ દીવાની' જેવી રણબીર-દીપિકાની ફિલ્મમાં ઓડિયન્સને એ ગમ્યો હતો. ટેકનિકલી આદિત્ય 'હીરો મટીરિયલ' છે પણ હજુય એ ટોપ સ્ટાર્સના લિસ્ટમાં આવ્યો નથી. આ હેન્ડસમ હીરો હાલ 'રક્ત બ્રહ્માંડ: ધ બ્લડી કિંગડમ' જેવું ભયંકર ટાઇટલ ધરાવતા વેબ શોનું શૂટિંગ કરી રહ્યો છે. આપણને રસ જોકે એ સોલો હીરો તરીકે ફિલ્મોમાં જમાવટ કરી શકે તેમ છે કે નહીં તે જાણવામાં છે.
સારાની સારાસારી
સરપ્રાઇઝ, સરપ્રાઇઝ! સારા અલી ખાનના અભિનયના આ વખતે કોઈએ ઠેકડી ન ઉડાવી, બોલો! બાકી સારાની કોઈ પણ નવી ફિલ્મ આવે એટલે ટીકા અને મીમ્સનો વરસાદ વરસવા લાગે. 'મેટ્રો... ઇન દિનોં'માં ડિરેક્ટર અનુરાગ બાસુએ સારા પાસેથી પણ સરસ કામ લીધું છે. અમુક વાંકદેખાઓને જોકે એની હેરસ્ટાઇલ ગમી નથી, બટ ધેટ્સ ઓકે. વર્ષો પહેલાં સારાએ 'કોફી વિથ કરન'માં પપ્પા સૈફ સાથે અને અનુપમા ચોપડાના ટીવી શોમાં એકલપંડે ઇન્ટરવ્યુ કરીને દુનિયા સામે ઓફિશિયલી 'મુંહદિખાઈ' કરી હતી ત્યારે એની વાતચીત કરવાની અદા અને ચાર્મથી આખું ભારત મહાઇમ્પ્રેસ્ડ થઈ ગયું હતું. એની પહેલી બે ફિલ્મો 'કેદારનાથ' અને 'સિમ્બા' પણ સફળ રહી, પણ પછી સારાની કરીઅરમાં હરખાઈ જવા જેવું ખાસ બહુ બન્યું નહીં. એક બાજુ, એની સમકાલીન સખી જ્હાન્વી કપૂરનો અભિનય ફિલ્મ-દર-ફિલ્મ બહેતર થતો ગયો, જ્યારે સારાના કેસમાં એના કરતાં લગભગ ઊલટો પ્રવાહ વહ્યો. ચાલો, 'મેટ્રો... ઇન દિનોં'ને કારણે સારાની લાજ રહી ગઈ છે. બાકી સારા દેખવામાં તો ક્યુટડી તો છે જ.