
રાજકુમાર રાવ ક્યારેય કળાની સીમા પાર કરતા અચકાયો નથી. 'શહીદ', 'ન્યુટન' અને 'ટ્રેપ્ડ' જેવી ફિલ્મોમાં જટિલ અને બહુસ્તરીય ભૂમિકા માટે પ્રસિદ્ધ રાજકુમાર ઈન્ડિયન ઈન્ડિપેન્ડન્ટ સિનેમાનો પોસ્ટર બોય બની ચુક્યો છે. 'માલિક' ફિલ્મ સાથે એ નવા જ ઝોનમાં એન્ટ્રી મારી રહ્યો છે. પુલકિતના દિગ્દર્શન હેઠળ રાજકુમાર રાવ અલાહાબાદના હાર્દ સમા વિસ્તારોમાં સત્તા માટે લોહીયાળ રાજકારણ રમતા ખૂંખાર ગેન્ગસ્ટરની ભૂમિકા ભજવી રહ્યો છે.
હાર્ડહિટીંગ, વાર્તાપ્રધાન ફિલ્મો માટે જાણીતા દિગ્દર્શક પુલકિતે સ્પષ્ટ લક્ષ્યને ધ્યાનમાં રાખીને એક્શન ફિલ્મ બનાવી છે. પુલકિત અને રાજકુમારે અગાઉ 'બોઝ: ડેડ-અલાઈવ' (૨૦૧૭)માં સાથે કામ કર્યું હતું. પુલકિતે જણાવ્યું કે હું રાજ સાથે એક ઉત્તમ વિષય પર કામ કરવા ઈચ્છતો હતો. રાજકુમાર રાવ માટે માલિકથી તેના સામાન્ય મધ્યમવર્ગીય, નૈતિક રીતે ગૂંચવાયેલા પાત્રોમાંથી મુક્ત થઈને નવો ચીલો અપનાવવાની તક મળી. આ ફિલ્મમાં રાજકુમાર રાવે તીવ્ર શારીરિક અને ભાવનાત્મક ક્ષમતા દર્શાવવી પડી છે, એક એવી વ્યક્તિ જે સાધારણ માનવીમાંથી નિર્દયી ગેન્ગસ્ટર બની જાય છે. રાજકુમારને આ ભૂમિકા માટે કોઈ ખચકાટ નહોતો. ફિલ્મમાં તેને તદ્દન નવા અવતારમાં રજૂ થવાની તક મળતી હોવાથી તેણે તાત્કાલિક સ્વીકારી લીધી.
પુલકિતના મતે એક કલાકાર માટે તેની પ્રચલિત છબીમાંથી બહાર નીકળીને તદ્દન નવી જ ભૂમિકા ભજવવી તે મુશ્કેલ નિર્ણય છે, પણ રાજ કોઈ કામ હળવાશથીલ લેતો નથી. તે સેટ પર પૂરતી તૈયારી કરીને આવે છે. આ ફિલ્મ માટે પણ તેણે પૂરતી તૈયારી કરી છે.
'માલિક' માટે રાજ કરેલું ટ્રાન્ઝફોર્મેશન આકર્ષક છે. નેવું દિવસ સુધી તેણે વજન વધાર્યું, વાળ અને દાઢી ઉગાડયા અને સત્તા તેમજ વેરથી વ્યાપ્ત વ્યક્તિની માનસિકતામાં ઊંડે સુધી ડૂબકી મારી.
પુલકિતે જણાવ્યું કે રાવ એવો કલાકાર છે જે ક્યારેય વિગ અથવા ખોટી દાઢીનો ઉપયોગ નથી કરતો. નકલી વાળથી કલાકાર અસ્વસ્થ બને છે અને તેનો પરફોર્મન્સ કુંઠિત થાય છે. રાજ તેથી જ નકલી વિગ ટાળે છે. આશ્ચર્યજનક બાબત છે કે રાજકુમાર રાવ માટે એક્શન દ્રશ્યો બિલકુલ મુશ્કેલ નહોતાં. બહુ ઓછાને જાણ હશે કે રાજ ટેકવોન્ડોમાં બ્લેક બેલ્ટ ધરાવે છે. આથી તેણે રોલ માટે અલગથી તાલીમ લેવાની બિલકુલ જરૂર ન પડી. એક્શન માટે રાજકુમારની કાબેલિયત જોઈને પુલકિતને આશ્ચર્ય થયું કે તેણે અગાઉ એક્શન રોલ શા માટે નથી કર્યા.
ચાહકોએ રાજના નવા લૂકની ભારોભાર પ્રશંસા કરી છે. રાજ જેવો વર્સેટાઈલ કલાકાર અમુક જ પ્રકારની ભૂમિકાઓમાં વેડફાઈ જાય તે ન ચાલે. જોઈએ 'માલિક' રાજને નવી ઊંચાઈ પર લઈ જાય છે કે પછી...