Home / Entertainment : Chitralok: Deewana Sangeet creates hat-trick of Filmfare Awards

Chitralok: દીવાના સંગીતે ફિલ્મ ફેર એવોર્ડની હેટ્રીક સર્જી

Chitralok: દીવાના સંગીતે ફિલ્મ ફેર એવોર્ડની હેટ્રીક સર્જી

- સિનેમેજિક

- 'ઐસી દિવાનગી... દેખી નહીં કહીં... મૈંને ઇસ લિયે જાને જાના દીવાના તેરા નામ રખ દિયા...' જે રીતે આ ગીતના શબ્દોનો ભાવ તર્જમાં પ્રગટ થાય છે એ ધ્યાનમાં લેતાં સંગીતકારને દાદ આપ્યા વિના ચાલે નહીં. મહત્ત્વની વાત એ છે કે નદીમ-શ્રવણે કોઈ પુરોગામી સંગીતકારને પોતાના આદર્શ ગણ્યા નથી.

'સાજન'ની સફળતાએ બોલિવુડમાં સંગીતકાર તરીકે નદીમ-શ્રવણનું માન અને માર્કેટ પ્રાઇઝ બંને વધારી દીધાં. એમ કહો કે એમને દરવાજે ફિલ્મ સર્જકોની લાઇન લાગતી થઇ ગઇ. 'સાજન' પછી જે ફિલ્મ આ બંનેએ સ્વીકારી એની પણ સ્ટોરીલાઇનમાં નવીનતા નહોતી. અગાઉ આ પ્રકારની સ્ટોરી એક કરતાં વધુ ફિલ્મોમાં આવી ગયેલી. પ્રેમી યુગલ પરણે. પછી નાયકના મરણના સમાચાર આવે. નાયિકા શોકાતુર થઇ જાય. એના જીવનમાં બીજો પુરુષ આવે. બંનેનાં મન મળે. બંને સેટ થાય ત્યાં મરણ પામેલો મનાતો નાયક પાછો આવે. સ્વાભાવિક છે કે નાયિકા બે પુરુષો સાથે તો ન રહી શકો. એટલે બેમાંથી એકે જાતનું બલિદાન આપવું પડે. એવી કથા લઇને ફિલ્મ સર્જક રાજ કંવર આવ્યા- એ ફિલ્મ એટલે 'દીવાના'. રિશિ કપૂર અને દિવ્યા ભારતી સાથે પહેલી વાર શાહરુખ ખાન ચમક્યો. આમ તો 'દિલ આશના હૈ' શાહરુખની પહેલી ફિલ્મ, પરંતુ 'દીવાના' પહેલાં રિલિઝ થઇ ગઇ. એટલે એને શાહરુખની પહેલી ફિલ્મ ગણવી પડે. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

થોડી રમૂજી વાત કરીએ. આજે તો પાકિસ્તાનમાં સલમાન ખાન પછી શાહરુખ ખાન બહુ લાડકો છે. પરંતુ 'દીવાના' રજૂ થઇ ત્યારે ચોકલેટી હીરો રિશિ કપૂર સામે શાહરુખ ખાન પાકિસ્તાનમાં કેટલાક ફિલ્મ રસિકોને કદરૂપો લાગેલો. એના વિશે આકરી ટીકા થયેલી. જો કે એને 'દીવાના' ફિલ્મે બેસ્ટ ડેબ્યુનો એવોર્ડ અપાવ્યો હતો. 'દીવાના' ફિલ્મ હિટ નીવડી હતી અને એનું સંગીત ખૂબ વખણાયું હતું. ૧૯૯૨ના વર્ષમાં આ સંગીત આલ્બમ સૌથી વધુ વેચાયું હતું. બધી રીતે ફિલ્મ સિનેરસિકોને ગમી હતી. જો કે 'દીવાના' રજૂ થયાના થોડા જ મહિનામાં અભિનેત્રી દિવ્યા ભારતીનું આકસ્મિક મરણ થયું એટલે ફિલ્મને વધુ લોકપ્રિયતા મળી. ફિલ્મ સર્જકો ઇન્દ્ર કુમાર અને અશોક ઠાકરિયાની ફિલ્મ 'બેટા' પછી આવકની દ્રષ્ટિએ 'દીવાના'એ સૌથી વધુ કમાણી કરી. સૌથી વધુ મહત્ત્વની વાત તો એ હતી કે આ ફિલ્મે સંગીતકાર નદીમ-શ્રવણ માટે ફિલ્મ ફેર એવોર્ડની  હેટ્રીક સર્જી. 'આશિકી' (૧૯૯૦) અને 'સાજન' (૧૯૯૧)માં શ્રે સંગીતનો ફિલ્મ ફેર એવોર્ડ મેળવ્યા પછી સતત ત્રીજે વરસે ૧૯૯૨માં આ બંનેએ ફિલ્મ 'દીવાના'ના સંગીત માટે ફિલ્મ ફેર એવોર્ડ મેળવ્યો હતો. ફિલ્મ ફેર એવોર્ડની હેટ્રીક સર્જવામાં આ ત્રીજી જોડી હતી. અગાઉ શંકર-જયકિસન અને લક્ષ્મીકાંત-પ્યારેલાલે આવી હેટ્રીક સર્જી હતી. જોકે શંકર-જયકિસન અને લક્ષ્મીકાંત-પ્યારેલાલના સંગીત સાથે નદીમ-શ્રવણના સંગીતને મૂકવાની ગુસ્તાખી ખરી ન શકીએ.

'દીવાના'ના ગીતકાર હતા સમીર. બધાં ગીતો સમીરનાં હતાં. સમીરના ચાહકોની ક્ષમા માગી લઇને કહું પણ સમીરનાં ઘણાં ગીતો આ લખનારને શબ્દોના સાથિયા કે જોડકણાં જેવાં લાગ્યાં છે. ભાવ- ઊમનું ઊંડાણ કે કાવ્યત્વની દ્રષ્ટિએ સમીર ઘણીવાર નબળા જણાયાં છે. હા, નસીબના બળિયા ખરા. 'દીવાના' ફિલ્મમાં પણ એવાં એક-બે ગીતો છે. દાખલા તરીકે, 'સોચેંગે તુમ્હેં પ્યાર કરે કે નહીં, યે દિલ, બેકરાર કરેં કી નહીં...' ઔર એક સેમ્પલ: 'કોઇ ન કોઇ ચાહિયે પ્યાર કરનેવાલા, કોઇ ન કોઇ ચાહિયે, હમ પે મરનેવાલા...' જો કે સમીરની આ મર્યાદાને નદીમ-શ્રવણે પોતાના સંગીતથી ભૂલાવી દીધી છે. તર્જોમાં તાજગી અને લયમાં તરવરાટ-થનગનાટને લીધે એ સમયના યંગસ્ટર્સ ઉપરાંત મોટી વયના સંગીતરસિકોને પણ નદીમ-શ્રવણે જકડી રાખ્યા હતા એમ કહીએ તો ચાલે. આમ તો ફિલ્મ રજૂ થઇ ત્યારે બધાં ગીતો હિટ નીવડયાં હતાં. એ ગીતો  સદાબહાર હતાં કે કેમ એ તમે નક્કી કરો. અહીં આપણે ફિલ્મનાં થોડાંક ગીતોનો આસ્વાદ લઇએ.

'સોચેંગે તુમ્હેં પ્યાર કરેં ન કરેં...' ગીત કુમાર સાનુએ ગાયું છે અને એને આ ગીત માટે બેસ્ટ પુરુષ ગાયકનો ૧૯૯૨નો ફિલ્મ ફેર એવોર્ડ મળ્યો હતો

મારી પોતાની વાત કરું તો 'દીવાના'નું સૌથી વધુ ગમતું ગીત છે, 'ઐસી દિવાનગી... દેખી નહીં કહીં... મૈંને ઇસ લિયે જાને જાના દીવાના તેરા નામ રખ દિયા...' જે રીતે શબ્દોનો ભાવ તર્જમાં પ્રગટ થાય છે એ ધ્યાનમાં લેતાં સંગીતકારને દાદ આપ્યા વિના ચાલે નહીં. અહીં ઔર એક વાત મહત્ત્વની છે. આ બંનેએ પોતાના પુરોગામી કોઇ સંગીતકારને પોતાના આદર્શ ગણ્યા નથી. ફિલ્મની જરૂરિયાત અને ગીતના શબ્દોને પોતાની રીતે સંગીતના સ્વરો વડે લાડ લડાવ્યા છે. 'ઐસી દિવાનગી...' ગીતને અલકા યાજ્ઞિાક અને વિનોદ રાઠોડે ગાયું છે. તર્જમાં રાગ કીરવાણીનો આધાર લીધો છે.

ફિલ્મ સંગીતનો સુવર્ણયુગ ગણાતા સમયગાળામાં જે રાગનો વિપુલ પ્રમાણમાં ઉપયોગ થયો છે એ શિવરંજનીથી હવે આપણે સૌ પરિચિત છીએ. ભૂપાલી રાગના 'ધ' એટલે કે ધૈવતને કોમળ કરી દેવાથી સર્જાતા શિવરંજની રાગે આપણને દિવ્ય રસાનુભૂતિ કરાવી  છે. 'દીવાના'માં નદીમ-શ્રવણે આ રાગ પર આધારિત એક મધુર રચના આપી છે- 'તેરે દર્દ સે દિલ આબાદ રહા, કુછ ભૂલ ગયે, કુછ યાદ રહા...' શબ્દો, સ્વરો અને કહરવા તાલ ત્રણેનો અહીં વિરલ ત્રિવેણી સંગમ થયો છે. આ ગીત પણ કુમાર સાનુના કંઠે રજૂ થયું છે.

છેલ્લાં થોડાં વરસથી મુંબઇ છોડીને સાઉથમાં વસવા ચાલી ગયેલી ગાયિકા સાધના સરગમ (મૂળ અટક ઘાણેકર, એને સરગમ અટક કલ્યાણજી-આણંદજીએ આપી) અને કુમાર સાનુના કંઠે એક ગઝલને સંગીતકારોએ કરુણ મંજુલ બંદિશમાં પેશ કરી છે. કર્ણાટક સંગીતમાંથી આપણે ત્યાં આવેલા અને ખૂબ લોકપ્રિયતાને વરેલા રાગ ચારુકેશીમાં ગવાયેલી આ ગઝલ એટલે 'તેરી ઉમ્મીદ તેરા ઇંતેજાર કરતે હૈં, અય સનમ, હમ તો સિર્ફ તુમ સે પ્યાર કરતે હૈં...' આ ગઝલ પરદા પર વધુ એકવાર રજૂ થાય છે. આ ગઝલ માટે ગીતકાર સમીરને ૧૯૯૨ના બેસ્ટ ગીતકારનો એવોર્ડ મળ્યો હતો.

સાધના અને કુમારના કંઠે ઔર એક ગીતનો ઉલ્લેખ અહીં જરૂરી છે- 'તેરી ઇસી અદા પે સનમ મુઝ કો તો પ્યાર આયા, તુને લગાયા ગલે સે, તુને લગાયા ગલે સે, મેરે દિલ કો કરાર આયા...' અહીં ગીતના શબ્દોમાં રહેલા ભાવને જીવંત કરવા છ માત્રાના દાદરા તાલના વજનનો બહુ સરસ રીતે સંગીતકારોએ ઉપયોગ કર્યો છે. પહાડી રાગમાં તર્જ પણ હૃદયંગમ બની છે. તક મળે તો યુ ટયુબ પર આ ફિલ્મ માણવા જેવી ખરી. 

- અજિત પોપટ

Related News

Icon