
અભિનેતા ડિનો મોરિયા (Dino Morea) હાલમાં પોતાની ફિલ્મો માટે નહીં પરંતુ મુંબઈના બહુચર્ચિત મીઠી નદી કૌભાંડ મામલે હેડલાઇન્સમાં છે. તે આ કૌભાંડની તપાસમાં ફસાયો છે. આ કેસમાં અભિનેતાના ભાઈ સેન્ટિનો મોરિયાનું નામ પણ સામેલ છે. કેન્દ્રીય તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ લગભગ એક ડઝન સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. EDના સૂત્રોએ જણાવ્યું કે, ડિનો મોરિયા (Dino Morea) ના ભાઈ સેન્ટિનોને પૂછપરછ માટે સમન્સ પાઠવવામાં આવ્યું છે.
મુખ્ય આરોપીના કોલ રેકોર્ડ્સ પરથી અનેક લોકોના નામ સામે આવ્યા
સૂત્રો પાસથી મળેલી માહિતી પ્રમાણે આ કૌભાંડમાં મુખ્ય આરોપીના કોલ રેકોર્ડ્સ પરથી અનેક લોકોના નામ સામે આવ્યા છે. મીઠી નદી કૌભાંડના મુખ્ય આરોપી કેતન કદમના કોલ રેકોર્ડસની તપાસમાં ડિનો મોરિયા (Dino Morea) નું નામ સામે આવ્યું છે. આરોપ છે કે, મીઠી નદી કૌભાંડના આરોપી કેતન સાથે ડિનો મોરિયા (Dino Morea) અને તેના ભાઈ સેન્ટિનોની ઘણી વખત ફોન કોલ પર વાતચીત થઈ છે.
EOW પણ ડિનો અને તેના ભાઈની પૂછપરછ કરી ચૂકી છે
ED પહેલા મુંબઈ પોલીસની આર્થિક ગુના શાખા (EOW) ની ટીમે અભિનેતા ડિનો મોરિયા (Dino Morea) અને તેના ભાઈ બંનેની પૂછપરછ કરી છે. બંનેને ગત અઠવાડિયે જ પૂછપરછ માટે બોલાવ્યા હતા.
શું છે મીઠી નદી કૌભાંડ?
મુંબઈ મહાનગરપાલિકાએ થોડા સમય પહેલા મીઠી નદીની સફાઈ કરાવી હતી. આ કૌભાંડ મુંબઈ મહાનગરપાલિકા દ્વારા મીઠી નદીની સફાઈમાં ઉપયોગમાં લેવાતા સ્લજ પુશર્સ અને ડ્રેજિંગ મશીનોની ખરીદી અને વેચાણ સાથે સંબંધિત છે. એવો આરોપ છે કે, આ મશીનો કોચી સ્થિત કંપની મેટપ્રોપ ટેકનિકલ સર્વિસીસ પ્રાઈવેટ લિમિટેડ પાસેથી ઊંચા ભાવે ભાડે લેવામાં આવ્યા હતા અને આમાં મોટી નાણાકીય ગેરરીતિઓ આચરવામાં આવી હતી. આ કેસમાં કેતન કદમ અને જય જોશી મુખ્ય આરોપી છે.
આ બંને પર મેટપ્રોપ કંપનીના અધિકારીઓ અને BMCના સ્ટોર્મ વોટર ડ્રેનેજ વિભાગના અધિકારીઓની મિલીભગતથી કરોડો રૂપિયાનું કૌભાંડ કરવાનો આરોપ છે. કથિત રીતે મીઠી નદીના કથિત ડિસિલ્ટિંગ કૌભાંડમાં મ્યુનિસિપલ કોર્પોરેશનને 65.54 કરોડ રૂપિયાથી વધુનું નુકસાન થયું છે.