Home / Entertainment : Chitralok: Varun Dhawan: Ready for the role of a real life hero

Chitralok: વરુણ ધવનઃ રીયલ લાઈફ હીરોની ભૂમિકા માટે તૈયાર

Chitralok: વરુણ ધવનઃ રીયલ લાઈફ હીરોની ભૂમિકા માટે તૈયાર

બોલીવૂડના ગ્લેમરથી બેટલ ફીલ્ડની વાસ્તવિકતા

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

વરુણ ધવન પોતાની વર્સેટિલિટી અને રોલમાં પ્રતિબદ્ધતા માટે પ્રસિદ્ધ છે, પણ 'બોર્ડર ટુ' સાથે તેણે કદાચ પોતાની કારકિર્દીની સૌથી પડકારજનક અને ઘનિષ્ઠ પ્રયાસ માગી લેતી ભૂમિકા સ્વીકારી છે. ૧૯૭૧ના યુદ્ધમાં પરમ વીર ચક્રથી સન્માનિત મેજર હોશિયાર સિંહ દહિયાની ભૂમિકા પડદા પર જીવંત કરવા વરુણ ધવન અત્યંત ઉત્સુક છે. ફિલ્મની સિનેમેટીક પૃષ્ઠભૂમિ ભલે કાલ્પનિક હોય, પણ વરુણ ધવનની તૈયારી તેમજ તે જે વાર્તાનું ચિત્રણ કરવાનો છે તે ૧૯૭૧ના ભારત-પાક યુદ્ધની વાસ્તવિકતામાં ઊંડે સુધી ધરબાયેલી છે.

અનુરાગ સિંહ દિગ્દર્શિત બોર્ડર ટુ ૧૯૯૭ની કલ્ટ યુદ્ધ ફિલ્મ બોર્ડરની સીક્વલ છે જેણે પોતાની દેશભક્તિની ભાવના અને ભાવનાત્મક ઊંડાણ દ્વારા ભારતીય સિનેમામાં એક આગવું સ્થાન બનાવ્યું છે. આ સીક્વલમાં સની દેઉલ મેજર કુલદીપ સિંહ તરીકે પોતાનો આઈકોનિક રોલ ફરી નિભાવશે જ્યારે દિલજીત દોસંજ એર ઓફિસર નિર્મલ સિંહ સેખોન અને અહાન શેટ્ટી નેવલ કમાન્ડરની ભૂમિકામાં દેખાશે. અત્યાર સુધી ધવનની ભૂમિકા ગોપનીય રાખવામાં આવી હતી. પણ હવે તે મેજર હોશિયાર સિંહની ભૂમિકા ભજવશે તેની પુષ્ટી થઈ છે, જેણે જરપાલની લડાઈ દરમ્યાન ફ્રન્ટ પરથી નેતૃત્વ કર્યું હતું અને ગંભીર ઈજા થઈ હોવા છતાં ત્યાંથી નીકળવાનો ઈન્કાર કરી દીધો હતો. તેમની બહાદુરીને કારણે તેમને રાષ્ટ્રનો સર્વોચ્ચ યુદ્ધકાલીન વીરતા પુરસ્કાર મળ્યો અને ત્યાર પછી ૧૯૭૬માં કર્નલના પદ પર પ્રમોશન મળ્યું.

ફિલ્મનું નિર્માણ ૧૯૭૬માં મધ્ય પ્રદેશના ઝાંસીમાં શરૂ થયું હતું પણ આ પડકારજનક રોલ માટે ધવનની તૈયારી બે મહિના અગાઉ જ શરૂ થઈ ગઈ હતી. તેણે રોજના ત્રણ કલાકના કાર્ડિયો અને વજન ઉપાડવા સહિત સખત શારીરિક તાલીમ મેળવી તેમજ શસ્ત્રો અને લશ્કરી ઉપકરણોના ઉપયોગનો અભ્યાસ પણ કર્યો. મેજર હોશિયાર સિંહના મૌલિક ચિત્રણ માટે તેણે માત્ર શારીરિક પરિવર્તનથી સંતોષ નહોતો માન્યો. ધવને ખરા ભારતીય સૈન્ય અધિકારીઓ સાથે સમય વીતાવ્યો, તેમની સાથે સૈન્ય દિવસની ઉજવણી કરી અને તેમના જીવન, ચરિત્ર તેમજ રાષ્ટ્રની સેવા કરવાથી થતી લાગણીનો અભ્યાસ કર્યો. પ્રસિદ્ધ કોસ્ચ્યુમ ડીઝાઈનર શીતલ વર્માએ લૂક ટેસ્ટ દરમ્યાન તેની સાથે સહયોગ કર્યો અને ખાતરી કરી કે તમામ વિગતો લશ્કરી માગણીઓ સાથે સુસંગત હોય. ફિલ્મમાં ધવનનું પાત્ર મેજર હોશિયાર સિંહની હરિયાણાના સિસાના ગામમાં તેમની નમ્ર શરૂઆતથી લઈને ભારત-પાક યુદ્ધમાં રાષ્ટ્રીય હીરો બનવા સુધીની સફરને દર્શાવે છે. તેમના પરિચયાત્મક દ્રશ્યમાં હોલીવૂડ એક્શન ડાયરેક્ટર નિક પોવેલ રચિત તીવ્ર લડાઈ અને તોપખાના યુદ્ધ સામેલ છે. આ ફિલ્મમાં યુદ્ધની ગંભીરતાને વાસ્તવિક જીવનના સંદર્ભો દ્વારા પ્રમાણિકતાથી દર્શાવવામાં આવી છે. કથાનકમાં તથ્યાત્મક અખંડતા જાળવી રાખવા ભૂતપૂર્વ સૈન્ય મેજરને બેજ અને યુનિફોર્મથી લઈને ઓપરેશનલ રણનીતિ સુધી તમામ બાબતોના નિરીક્ષણ માટે બોલાવવામાં આવ્યા હતા. ફિલ્મનું ભાવનાત્મક કેન્દ્ર જરપાલ પોસ્ટ ખાતે મેજર હોશિયાર સિંહએ દર્શાવેલી વીરતામાં છે જ્યાં તેમણે પાકિસ્તાનના ભારે હુમલા સામે સૈનિકોને એકત્ર કરીને, જાતે મશિન ગનો ઓપરેટ કરી હતી અને સૈનિકોને પ્રેરણા આપવા એક ટ્રેન્ચમાંથી બીજી ટ્રેન્ચમાં ગયા હતા. તેમના નેતૃત્વ અને નિશ્ચિત મૃત્યુની સામે પીછેહઠ ન કરવાની ભાવના ભારતીય સૈન્યની ભાવનાનું પ્રતીક છે, જે બોર્ડર ટુ રૂપેરી પડદા પર અમર કરવા માગે છે. વરુણ ધવનની આગેવાની હેઠળ ફિલ્મ ભારતના ગુમનામ નાયકોને એક ભાવનાત્મક શ્રદ્ધાંજલિ સાબિત થશે તેમાં શક નથી.

Related News

Icon