
ખિચડી', 'બા બહુ ઔર બેબી' અને 'સારા ભાઈ વર્સેસ સારાભાઈ' જેવી સફળ કોમેડી ફ્રેન્ચાઈઝ સાથે નિર્માતા જે.ડી. મજેઠીયા તો કોમેડીનો પર્યાય બની ચુક્યા છે. તેમની સફળતા અને કાબેલિય તો અફલાતૂન અને સમયની કસોટી પર પાર ઉતરેલી છે. તાજેતરમાં જ 'ખિચડી-૩' ની જાહેરાત કરનારા જે.ડી. મજેઠિયાએ અફસોસ વ્યક્ત કર્યો કે ઇન્ડસ્ટ્રીમાં કોમેડીનું સ્તર ઘણું નીચું જઈ રહ્યું છે. ફિલ્મ અને ટીવી ઉદ્યોગમાં કોમેડીની એકંદર લોકપ્રિયતા ઘટી રહી છે. તેમની આ વાત સાચી પણ અને વિચારતા કરી મૂકે તેવી પણ છે.
આ સાથે જ તેમણે એમ પણ જણાવ્યું કે, 'સોશિયલ મીડિયા પર નાના શોઝ અને વીડિયોનો ધોધ વહે છે. થિયેટરોમાં કંઈક જોવા માટે પૈસા ખર્ચવાની તૈયારી ઘણી ઓછી થઈ ગઈ છે. વર્ષો પહેલાં બનતું તેનાથી વિપરીત તમને આજે કોઈ કોમેડી મળશે નહીં. આ બધું એક દંતકથા જેવું લાગે છે. આનું કારણ એ છે કે આપણી પાસે પ્રતિભાશાળી લેખકો અને કલાકારોનો ફાલ નથી.'
આ સાથે જ આ ૫૬ વર્ષીય કલાકાર ઉમેરે છે, 'વાસ્તવમાં કોમેડી એક પડકારજનક શૈલી છે. નોન-ફિક્શનમાં કપિલ શર્મા, સુનીલ ગ્રોવર અને કીકુ શારદા જેવા કલાકારો અદ્ભૂત યોગદાન આપી રહ્યા છે, પરંતુ ફિક્શનમાં કોમેડીનો અભાવ છે અને કોમેડીમાં જો તમે શ્રેષ્ઠ નહીં આપો તો લોકો જોશે જ નહીં . 'ખિચડી' હજુ પણ લોકોમાં એ વિશ્વાસ જગાવે છે કે જો આ આઇકોનિક પાત્રો એક સાથે આવશે, તો તે કંઈક ખાસ માટે જ હશે.'
'ખિચડી' પછી શું તે 'સારાભાઈ વર્સેસ સારાભાઈ' ને ફિલ્મ બનાવવાની યોજના ધરાવો છો? આ પ્રશ્નના ઉત્તરમાં જે.ડી. મજેઠિયા કહે છે, 'અમને અત્યાર સુધી જેટલો પ્રેમ મળ્યો છે તેને ધ્યાનમાં રાખીને એટલો વિચાર જરૂર આવે છે કે 'સારાભાઈ વર્સેસ સારાભાઈ' ની ફિલ્મ તો નહીં જ બની શકે. ઈસકી ફિલ્મ નહીં બનની ચાહિયે! બેશક, એવી ફિલ્મ પહેલાં બની શકી હોત,પણ હવે નહીં. તેના પર ફિલ્મ બનાવવામાં ઘણું મોડું થઈ ગયું છે,' એમ કહી તેઓ ઉમેરે છે, 'આઇ એમ નોટ શ્યોર. લેટ્સ વેેઇટ એન્ડ વોચ.'
આ સાથે જ તેઓ કહે છે, 'કોમેડી સંપૂર્ણપણે તેના પર નિર્ભર છે કે તે ઓડિયન્સ સાથે કેટલી હદે કનેક્ટ થઈ શકે છે. પ્રેક્ષકો અને તેમની અતૂટ વફાદારી જીતવી સરળ નથી જ. મોટા કલાકારો સાથે પણ એક ફિલ્મ સારી ચાલે તો બીજી કદાચ નહીં ચાલે. ભારતીય દર્શકો એવા છે કે જો કોઈ ક્રિકેટર ચાર વર્લ્ડ કપ જીતી લાવે અને પછી પાકિસ્તાન સામે એકાદ મેચ હારી જાય તો પણ તેઓ તેને યાદ રાખશે. તેથી તમારે તેમને હમેશાં શ્રેષ્ઠ આપવું પડશે.' વાત તો સાચી.