
બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌતનું નામ ઘણીવાર હેડલાઈન્સમાં રહે છે, ક્યારેક તે વિવાદાસ્પદ નિવેદન માટે સમાચારમાં રહે છે, તો ક્યારેક કોઈ અન્ય મુદ્દા માટે. જોકે, આ વખતે તે પોતાના વિવાદનો ઉકેલ લાવવાને કારણે ચર્ચાનો વિષય બની છે. તેણે જાવેદ અખ્તર સાથે 5 વર્ષ જૂની કાનૂની લડાઈનો અંત લાવ્યો છે. વર્ષ 2020માં, જાવેદ અખ્તરે કંગના વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. જે હવે બંધ થઈ ગયો છે. આ માહિતી તેણે પોતાના સોશિયલ મીડિયા દ્વારા આપી છે.
તાજેતરમાં, કંગનાએ તેના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક સ્ટોરી શેર કરી છે, જેમાં તે જાવેદ અખ્તર સાથે પોઝ આપતી જોવા મળી રહી છે. તેણે આ ફોટા સાથે લખ્યું કે, "આજે જાવેદ જી અને મેં પરસ્પર સંમતિથી અમારી વચ્ચેનો કાનૂની મામલો (માનહાનિનો કેસ) ઉકેલી લીધો છે. જાવેદ જી ખૂબ જ દયાળુ અને શિષ્ટ રહ્યા છે. તેમણે મારી આગામી દિગ્દર્શક ફિલ્મ માટે ગીતો લખવા માટે પણ સંમતિ આપી છે." ફોટોમાં બંને હસતા જોવા મળે છે.
આ મામલો કેવી રીતે અને ક્યારે શરૂ થયો?
કંગના અને જાવેદ અખ્તર વચ્ચેનો આ મામલો વર્ષ 2016માં શરૂ થયો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે તે સમયે અભિનેત્રી અને ઋતિક રોશન વચ્ચે ઘણી બાબતો પર વિવાદ ચાલી રહ્યો હતો. જ્યારે આ મામલો ખૂબ જ ગંભીર બન્યો, ત્યારે જાવેદ અખ્તરે, જે ઋત્વિકના પારિવારિક મિત્ર હતા, તેમણે આ વિવાદનો અંત લાવવા માટે કંગનાને પોતાના ઘરે બોલાવી અને તેને ઋત્વિક સાથેનો મામલો સમાપ્ત કરવા અને અભિનેતાની માફી માંગવા કહ્યું. જોકે, કંગનાએ આ મામલે ત્યારે કંઈ ન કહ્યું.
કંગના રનૌતે માફી માંગી
કંગનાએ વર્ષ 2020 માં અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ સમયે આ મુદ્દો ઉઠાવ્યો હતો. એક ઇન્ટરવ્યુ દરમિયાન, તેણે ઘણા સ્ટાર્સ વિરુદ્ધ નિવેદન આપ્યું હતું, જેમાં જાવેદ અખ્તરનું નામ પણ સામેલ હતું. તેણે કહ્યું કે જાવેદ અખ્તરે તેને પોતાના ઘરે બોલાવીને ધમકી આપી હતી. આ નિવેદન સામે આવ્યા બાદ જાવેદ અખ્તરે કંગના વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. જે બાદ કંગનાએ પણ તેમની સામે કેસ દાખલ કર્યો હતો, પરંતુ કંગનાનો કેસ કોર્ટમાં નબળો સાબિત થયો અને તેનો કેસ રદ કરવામાં આવ્યો. હવે જાવેદ અખ્તરના કિસ્સામાં, અભિનેત્રીએ તેમની માફી માંગીને મામલો સમાપ્ત કરી દીધો છે.